કોરોનાના પડકારનો મદર્નિગીપૂર્વક સામનો કરીને સાજા થયેલા અમિત પટેલને હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવતા 42 વર્ષની નાની વયે ફાની દુનિયા છોડી : રોલા પરિવાર અને આજકાલ પરિવારમાં ઘેરા શોકની લાગણી : આજકાલના એમ.ડી. ચંદ્રેશભાઇ જેઠાણી અને ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવાએ ઘરે જઇને પરિવારને દીલસોજી પાઠવી

જામનગર આજકાલ દૈનિકના કર્મઠ, કર્તવ્યનિષ્ઠ અને સૌમ્ય સ્વભાવના સરકયુલેશન મેનેજર અમિત પટેલનું ગઇકાલે હૃદયરોગના પ્રાણઘાતક હુમલાથી  દુ:ખદ નિધન થતા પટેલ પરિવાર પર દુ:ખનો આભ તુટી પડયું  છે, તો બીજી બાજુ આજકાલ પરિવારમાં પણ ઘેરા આઘાત અને શોકની લાગણી છવાયેલી છે, કોરોનાની બિમારીને મ્હાત આપીને સાજા થયેલા અમિત પટેલ હૃદયરોગના હુમલાથી ફાની દુનિયા છોડી ગયા છે.

મૃત્યુ એક કડવી સચ્ચાઇ છે જેનો બધાએ સ્વીકાર કરવાનો રહયો, જે આવ્યો છે તે એક દિવસ પરત જવાનો છે, આ સનાતન સત્ય છે છતાં અમુક એવી અણધારી વિદાય થઇ જતી હોય છે જે લાંબા સમય સુધી મન અને મગજ પર અમીટ છાપ છોડી જાય છે અને અમિત પટેલની વિદાય સમગ્ર આજકાલ પરિવાર માટે એવી જ સાબિત થઇ છે.

અહીંના સરદાર પાર્ક-2, ભાનુ પેટ્રોલ પંપ પાછળ, રણજીતસાગર રોડ ખાતે રહેતા 42 વર્ષના અમિતભાઇ ભીખુભાઇ રોલા (પટેલ) નિત્યક્રમ મુજબ ગઇકાલે સવારે પોતાના મોટાભાઇ સાથે નાસ્તો કરીને ગેલેકસી ટોકીઝ ખાતે આવેલ આજકાલના સરકયુલેશન વિભાગની પોતાની ઓફીસે પહોંચ્યા હતા અને બધા સાથે હસી મજાક કરીને વાતચીત કરતા હતા.

બપોરે 1-15 કલાકે ઓફીસની બહાર ઉભેલા અમિતભાઇ પટેલ એકા એક જમીન પર પટકાઇ પડયા હતા, અન્ય કામમાં બહાર ઉભેલા મશીન વિભાગના ચાર કર્મચારીઓએ તાકીદે જમીન પર પટકાયેલા અમિત પટેલને ઉંચકીને ઓફીસની અંદર લઇ જઇ તાત્કાલીક અસરથી 108ને બોલાવી હતી અને તાબડતોબ સારવાર માટે સરકારી જી.જી. હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા જયાં તબીબોએ અથાગ પ્રયત્નો કર્યો હોવા છતાં બંધ થયેલા અમિતભાઇ પટેલના હૃદયના ધબકારા ફરી શ થઇ શકયા ન હતા અને એમણે અંતિમ શ્ર્વાસ લઇ લીધા હતા અને તબીબોએ કહયુ હતું કે હૃદયરોગના પ્રાણઘાતક હુમલાના કારણે અમિતભાઇ પટેલનું નિધન થયું છે.

આ દુ:ખદ વેળાએ આજકાલ ઓફીસનો સમગ્ર સ્ટાફ પહેલા ગેલેકસી ખાતેની ઓફીસ અને ત્યાર બાદ હોસ્પીટલ ખાતે સતત ખડેપગે હતો, અમિતભાઇ પટેલના પરિવારજનો હોસ્પીટલે દોડી આવ્યા હતા અને આ અત્યંત દુ:ખદ હકીકત જાણીને અમિતભાઇ પટેલના પત્ની તથા સંતાનોના આક્રંદે બધાના હૈયા હચમચાવી નાખ્યા હતા. સાંજે 5-30 કલાકે સ્વર્ગસ્થના નિવાસ સ્થાન ખાતેથી અંતિમ યાત્રા નીકળી હતી અહીંના આદર્શ સ્મશાન ખાતે સ્વ.ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

લાંબા સમયથી આજકાલ પરિવાર સાથે જોડાયેલા અમિત પટેલના પરિવાર પર આવી પડેલ આફતમાં એમને સાંત્વના આપવા માટે આજકાલ દૈનિકના માલિક અને એમ.ડી. ચંદ્રેશભાઇ જેઠાણી આજે અમિતભાઇ પટેલના ઘરે પહોંચ્યા હતા અને સમગ્ર પરિવારજનોને દિલસોજી પાઠવી હતી તથા આ દુ:ખની ઘડીમાં સમગ્ર આજકાલ પરિવાર એમની પડખે ઉભો છે, અને હંમેશા ઉભો રહેશે એવી હિંમત આપી હતી, આ તકે આજકાલના ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવા અને જામનગર આજકાલના ન્યુઝ એડીટર તારીક ફાક (પપ્પુખાન) સહિતનો સ્ટાફ પણ ઉપસ્થીત હતો.

અમિતભાઇ પટેલની અણધારી વિદાયના મળેલા દુ:ખદ સંદેશાથી આજકાલના જનરલ મેનેજર અતુલભાઇ જોશી અને હેડ ઓફીસના સરકયુલેશન વિભાગના અજયભાઇ વ્યાસ, હરેશભાઇ ધામી જામનગર દોડી આવ્યા હતા અને અંતિમ સંસ્કાર વખતે ઉપસ્થીત રહયા હતા.

આજકાલ પરિવાર માટે આ ઘડી વૃજઘાત સમાન હોવાથી આજે સવારે આજકાલના એમ.ડી. ચંદ્રેશભાઇ જેઠાણી અને ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવાની ઉપસ્થીતિમાં આજકાલ કાયર્લિય ખાતે સમગ્ર સ્ટાફ દ્વારા અમિતભાઇ પટેલની વસમી વિદાયના શોકમાં બે મિનીટનું મૌન પાડીને સ્વ. ની આત્માને શાંતી આપવા માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.
ગઇકાલે સ્વ.ના અંતિમ સંસ્કાર સમયે આજકાલનો સમગ્ર સ્ટાફ, આજકાલના સીટી એજન્ટ અબ્બાસભાઇ બાજીયાત, જાણીતા એજન્ટ પ્રવિણભાઇ ગજરા, મનુભાઇ પટેલ, ચંદ્રેશભાઇ પટેલ, જગદીશભાઇ મકવાણા, દિનેશભાઇ સોઢા, નરેશભાઇ બદીયાણી, પરેશભાઇ નથવાણી, ભાણવડના જાણીતા એજન્ટ અને પત્રકાર જગદીશભાઇ ગોજીયા અંતિમ સંસ્કારમાં જોડાયા હતા.

હસમુખા સ્વભાવના અને તમામ સ્થીતી વેળાએ દોડીને કામ કરવા માટે જાણીતા તરવરીયા યુવાન અમિતભાઇ પટેલને ત્રણેક માસ પહેલા કોરોના પોઝીટીવ આવ્યો હતો અને આ સમયે એમનું શ્યુગર લેવલ પણ 450 થી 500 સુધી પહોંચી ગયું હતું, એ સમયે જામનગરની કોવિડ હોસ્પીટલના નિષ્ણાંત તબીબો ડો. એસ.એસ. ચેટરજી અને ડો. ભુપેન્દ્ર ગોસ્વામી સહિતની ટીમે એમને સઘન સારવાર આપી હતી અને કોરોના જેવી મહામારીને મ્હાત આપીને સાજા થવામાં અમિતભાઇ પટેલ સફળ રહયા હતા.

જયારથી સાજા થયા ત્યારબાદથી થોડુ ચાલવામાં અને પગથીયા ચડવામાં એમને હાંફ ચડતો હતો એવી ફરીયાદ તેઓ સતત કરતા હતા, હજુ વિદાયના ત્રણ દિવસ પહેલા તેઓ સુરત ખાતે લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયા હતા ત્યાંથી સમગ્ર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પણ ગયા હતા અને હરી-ફરી ને સોમવારે સમગ્ર રોલા પરિવાર પરત આવ્યો હતો ત્યારે કોઇને ખબર ન હતી કે, મંગળવારનો દિવસ એમના માટે અમંગળ સાબિત થશે.

અમિતભાઇ પટેલ પોતાની પાછળ પત્ની અંજનાબેન, પુત્રી ધ્રુવીબેન (ઉ.વ.14) અને પુત્ર બંસ (ઉ.વ.12) તથા મોટાભાઇ પંકજભાઇ પટેલ અને સમગ્ર રોલા (પટેલ) પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.

આજકાલના સરકયુલેશન વિભાગના મેનેજર અમિતભાઇ પટેલનું ગઇકાલે હૃદયરોગના હુમલાના કારણે નિધન થતા આજે આજકાલના માલિક અને એમ.ડી. ચંદ્રેશભાઇ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવા, જામનગરના ન્યુઝ એડીટર તારીક ફાક (પપ્પુખાન) આજે અમિતભાઇ પટેલના નિવાસ સ્થાને ગયા હતા અને તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી, અને અમિતભાઇ સાથેના સંસ્મરણો યાદ કરીને તેમને ભાવભીની શ્રઘ્ધાંજલી આપી હતી.