દ્વારકાના કુરંગામાં ઘડી ડીટર્જન્ટ કંપની દ્વારા સ્થાનિક લોકોને અન્યાય: આવેદનપત્ર

સ્થાનિક શિક્ષિત બેરોજગારોને નોકરી નહીં આપવાનું કંપનીનું ઓરમાયું વર્તન: લોકોમાં આક્રોશ

દ્વારકા જામનગર રોડ પર દ્વારકાથી આશરે ત્રીસ કિમી દુર કુરંગા ગામ સ્થિત સોડા એશનો પ્લાન્ટ નિમર્ણિ કરતી ધડી કંપની વિરૂધ્ધ કંપની આસપાસના કુરંગા તેમજ ભોગાતના યુવાનો દ્વારકા પ્રાંત કચેરી ખાતે પહોચી ‘ના ઇસ્માઇલ કરે – ના વિશ્વાસ કરે, ઇસ ધડી કંપની કા બહિસ્કાર કરે…‘, ‘બેરોજગારોને ન્યાય આપો’ના નારા સાથે અંદાજે ચાલીસ જેટલા લોકો આવેદનપત્ર દેવા પહોંચ્યા હતા.

આ આવેદનમાં જણાવ્યું છે કે, ધડી કંપનીમાં સ્થાનિકો આસપાસના ગામોના બેરોજગાર યુવાનોને રોજગાર અપાતો ન હોય સ્થાનિક 80 ટકા લોકોને રોજગારી આપવામાં કંપની જોહુકમી કરી છે, સ્થાનિક તેમજ ગુજરાતીઓ પ્રત્યે ઓરમાયું વર્તન કંપની દ્વારા કરવામાં આવે છે.

કંપનીમાં સ્થાનિક મજુરોથી લઇ સિક્યુરીટી ડ્રાઇવર અને ટેકનિકલ સહિતના રોજગારી આપવામાં રસ દાખવતી ન હોય સ્થાનિક શિક્ષીત બેરોજગાર તેમજ જરૂરીયાતમંદ લોકોને પણ અન્યાય થઇ રહ્યો છે, કંપનીમાં વધુમાં વધુ સ્થાનિક લોકોને રોજગારી મળે તે દિશામાં પગલા લેવા રજુઆત કરાઇ છે.

વધુમાં કંપની દ્વારા સ્થાનિકો સાથે ભેદભાવ કરી યેન-કેન પ્રકારે હેરાનગતી કરી ખોટા આક્ષેપો સાથે બ્લેક લિસ્ટ કરવાના બનાવો સતત વધી રહ્યા છે, ગ્રામીણ વિસ્તારમાં ગરીબ પરીવારોના બેરોજગાર યુવાનોનો પ્રાથમિક હક્ક કંપનીમાં રોજગારી મેળવવાનો થતો હોય તેમનો હક્ક આજ દિન સુધી મળ્યો નથી.

આ મામલે કંપનીના રોજગારી ડેટા ચેક કરવામાં આવે અને સ્થાનિકોને પ્રાથમિકતા આપી રોજગારી આપવામાં આપવામાં આવે તેવી માંગણી સાથે યોગ્ય તપાસ કરી બેરોજગાર યુવાનોને ન્યાય આપવા આ મામલે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો સ્થાનિક બેરોજગારો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી આવેદનપત્રમાં ચિમકી સાથે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.