વર્તમાન વર્ષમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્ર તથા નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીઓમાંથી જંગી રોકાણ પાછુ ખેંચી લીધું હોવાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે. વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓકટોબરના ગાળામાં વિદેશી રોકાણકારોએ ફાઈનાન્સિઅલ સેવા ક્ષેત્રની કંપનીઓમાંથી રૂપિયા ૬૩૮૭૧ કરોડ અને ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રની કંપનીઓમાંથી એકંદરે રૂપિયા ૩૨૦૦૦ કરોડનું રોકાણ પાછુ ખંચી લીધું છે.ઓકટોબરમાં જંગી વેચવાલી બાદ વર્તમાનમહિનામાં વિદેશી રોકાણકારોની દેશની ઈક્વિટી કેસમાં વેચવાલી મંદ પડી છે. ક્રુડ તેલના ભાવમાં વોલેટિલિટીને પરિણામે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રની કંપનીઓના અર્નિંગ્સમાં વાર્ષિક ધોરણે ૨૬ ટકા ઘટાડો થયો છે. ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે કંપનીઓના ગ્રોસ રિફાઈનિંગ માર્જિન્સમાં પણ ઘટાડો થયો છે.
વર્તમાન નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં વિદેશી રોકાણકારોએ કુલ ૧૩ ક્ષેત્રોમાં રૂપિયા ૩૦૭૭૪ કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે જેમાં રૂપિયા ૭૨૧૪ કરોડ સાથે સૌથી વધુ રોકાણ ઓઈલ એન્ડ ગેસ કંપનીઓમાંથી પાછું ખેંચાયું હોવાનું એનએસડીએલના ડેટા પરથી કહી શકાય છે. ફાઈનાન્સિઅલ સેવા ક્ષેત્રની કંપનીઓમાંથી પણ વિદેશી રોકાણકારોએ વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓકટોબરમાં રૂપિયા ૬૩૮૭૧ કરોડનું જંગી રોકાણ પાછું ખેંચી લીધું છે. આરોગ્ય સંભાળ, રિઅલ્ટી તથા આઈટી ક્ષેત્રની કંપનીઓમાં વિદેશી રોકાણકારોએ રોકાણ વધાર્યું ેછે. વર્તમાન વર્ષના ઓકટોબરમાં ઈક્વિટી કેશમાં રૂપિયા ૧૧૪૪૪૫ કરોડનું જંગી નેટ વેચાણ કર્યા બાદ નવેમ્બરમાં વિદેશી રોકાણકારોની વેચવાલી પ્રમાણમાં ધીમી પડી છે અને અત્યારસુધી રૂપિયા ૪૦૯૪૭ કરોડની ઈક્વિટીનું વેચાણ કર્યું છે.અમેરિકામાં પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય ુબાદ ચીન પ્રત્યેના અમેરિકાનો અભિગમ સખત રહેવાની ધારણાંએ વિદેશી રોકાણકારોનું ચીન તરફી આકર્ષણ મંદ પડી રહ્યાનું જણાય છે.