વિવિધ માંગણી સાથેનો પત્ર ચેરમેને સ્વીકારવાની જ ના પાડી દીધી. કેસરીસિંહ પક્ષ વિરોધી કામગીરી કરે છે, ઠરાવની જરૂર નથી : કલ્પેશ પરમાર. કલ્પેશ પરમાર મંડળીઓને ઠરાવ ન કરવા જણાવી રહ્યા છે : કેસરીસિંહ સોલંકી.
નડિયાદ : માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને લીંબાસી દૂધ મંડળીના ચેરમેન કેસરીસિંહ સોલંકીએ અમૂલ ડેરીમાં પશુપાલકો સહિત વિવિધ મુદ્દાની વિગતો સાથેનો વીડિયો વાઇરલ કર્યો છે. પશુપાલકોની વિવિધ ૧૩ માગણીઓને અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ સમક્ષ રજૂ કરી હતી પરંતુ ચેરમેને માગણીઓ સ્વિકારવાની ના પાડી દીધી હતી. વર્તમાન ધારાસભ્ય કલ્પેશ પરમારે આક્ષેપ કર્યો છે કે, કેસરીસિંહ સોલંકી પક્ષ વિરોધ પ્રવૃતિ કરી રહ્યા છે. અમૂલ ડેરીના પશુપાલકોના પ્રશ્ર મામલે કેસરસિંહ સોલંકી અને માતર ભાજપના હાલના ધારાસભ્ય કલ્પેશ પરમાર આમનેસામને આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ વીડિયોમાં જણાવ્યું છે કે, અમુલ ડેરીની તા. ૨૭મી સપ્ટેમ્બરે સામાન્ય સભા મળી હતી અને ચેરમેનને રજૂઆત કરી હતી જેમાં દરેક વિસ્તારમાંથી આવતા ચેરમેનોને બહાર ગેટ પર પોલીસ તપાસ કરવામાં આવે છે.અમુલ ડેરીમાં પશુપાલકોના સંતાનોને લાયકાત મુજબમાં નોકરીમાં પ્રાથમિકતા આપવી, બાર બ્લોકને બદલે જનરલ ઇલેકશન થાય, ત્રણ પ્રતિનિધીને છૂટા કરી બારનું બોર્ડ પ્રતિનિત્વ કરે. પાંચ દિવસ પહેલા અમુલ નિયામક મંડળને ઉપરોકત રજૂઆતો કરી હતી. ચેરમેનને કાગળ આપી તમામ માહિતી માગી હતી પરંતુ ચેરમેને કાગળ સ્વિકારવાની જ ના પાડી દીધી હતી.
કેસરીસિંહ સોલંકીએ લખેલા કાગળમાં જણાવ્યુ કે, ભારતમાં અમુલાના કેટલા પ્લાન્ટ છે? ગુજરાતમાં કેટલા પ્લાન્ટ છે. અમુલ ડેરીના ગામના બ્લોકની યાદી, હાલ કેટલા કર્મચારી છે અને તે ક્યાં ગામના છે ? ૨૦૨૦થી ૨૦૨૪ સુધી ક્યા વિભાગમાં કઇ જગ્યાઓ ભરતી કરાઇ ? કુસ્કી દાણમાં ક્યાં કોન્ટ્રકાક્ટરને કેટલા વર્ષના કરાર કરવામાં આવ્યા છે ? સભાસદના સંતાનોને નોકરીમાં લેવા અને જૂની પદ્ધતિ મુજબ ચૂટણી કરવા બાબતનો જવાબ આપવા જણાવ્યું છે.દરેક તાલુકાના ચેરમેન સાથે સંપર્ક કરી આ અંગે ઠરાવ કરવા તાકિદ કરી હતી. માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે વધુમાં આક્ષેપ કર્યો છે કે, માતર તાલુકાના વર્તમાન ધારાસભ્ય કલ્પેશ પરમાર મંડળીઓમાં ફોન કરી ઠરાવ ન કરવા જણાવી રહ્યા છે.પશુપાલકોના હિતના મુદ્દા છે. તેમા કલ્પેશ પરમાર દ્વારા રાજકીય રંગ આપવામાં ન આવે. માતરના ભાજપના વર્તમાન ધારાસભ્યે જણાવ્યુ કે, અમુલના માતરના ડિરેક્ટર સંજય પટેલ છે. જે કોંગ્રેસના છે. અમારી સામે ચૂંટણી પણ લડેલા છે. તેમની સાથે મળી કેસરીસિંહ સોલંકી પક્ષ વિરોધ કામગીરી કરી રહ્યા છે. મંડળીઓમાંથી ફોન કરીને પણ જાણ કરી છે. કેસરીસિંહ પક્ષ વિરોધ કામગીરી કરતા હોવાથી આવો કોઇ ઠરાવ કરવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે.