ફાયર સેફ્ટીની 9 લાખની ગ્રાન્ટ મંજૂર થઇ આવી હોવા છતાં. પીડબલ્યુડીના કહેવાતા અધિકારીઓની ડાંડાઇના કારણે કલાકારો સુવિધાથી.
શહેરના એક નજરાણા સમુ યશવંતરાય નાટયગૃહ બે વર્ષની લાંબી સફર બાદ પુનઃ ધમધમતું થયું અને ગણતરીના મહિનામાં ફાયર એનઓસીના વાંકે ફરી બંધ થયું જેની ગ્રાન્ટ પણ મંજૂર થઇ આવી ચુકી હોવાને ચાર મહિના જેટલો સમય થયો હોવા છતાં પીડબલ્યુડીના અધિકારીઓની અણઆવડતના કારણે હજુ ફાયર સેફ્ટીનું કામ શરૂ થયું નથી અને કલાકારો પણ નિસાસા નાખી રહ્યા છે.ભાવેણાને કલાનગરીનું બિરૂદ્દ આપવામાં આવે છે. જ્યારે કલાકારોને તેના સસ્તા બજેટમાં ઉત્તમ સ્ટેજ મળી રહે તે માત્ર યશવંતરાય નાટયગૃહ જ છે. ટોટે વાવાઝોડામાં વ્યાપક નુકસાની બાદ કરોડોના ખર્ચે આ યશવંતરાયને રિનોવેશન કરવામાં આવ્યું હતું અને બે વર્ષ સુધી કામ ચાલ્યું હતું. જો કે, સ્ટેજ, લાઇટ, ઉપરની છત કંપાઉન્ડ વોલ સહિતના કામો થયા બાદ તેને હોંશભેર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જો કે, આ બે વર્ષના લાંબા સમયકાળમાં સ્થાનિક કલાકારો અને વિવિધ સંસ્થાઓ પણ નાટયગૃહ પોતાનું માની સતત કાર્યશીલ રહ્યા ધારાસભ્યએ પણ યશવંતરાય પૂનઃ કાર્યરત બને તેમાં રસ લીધો. પરંતુ ગણતરીના મહિનાઓમાં ફાયર સેફ્ટીના નિયમોને લઇ તંત્ર દ્વારા નોટિસ પાઠવતા ૧ જૂનથી યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ નાટયગૃહને બંધ કરવાના આદેશો આપ્યા. જે-તે સમયે ૨૨ જેટલા બુકીંગ પણ અગાઉ થઇ ચુકેલા પરંતુ આ આદેશના પગલે આ કાર્યક્રમો પણ રદ્દ કરવા પડયા હતાં અને કરોડોના ખર્ચ બાદ પણ હતા ત્યાને ત્યાં પરિસ્થિતિ આવીને ઉભી રહી હતી. ભાવનગરમાં યશવંતરાય નાટયગૃહની સાથો સાથ અન્ય કોમર્શીયલ કોમ્પ્લેક્ષને પણ ફાયર એનઓસીની નોટિસો અને સીલની કામગીરી થઇ હતી. પરંતુ આ કોમ્પ્લેક્ષો દ્વારા લેખિત બાહેધરી આપી કામ શરૂ કરાવતા પુનઃ કાર્યરત થઇ ચુક્યા છે. જ્યારે યશવંતરાય નાટયગૃહમાં ફાયર સેફ્ટી માટે વડી કચેરી દ્વારા રાજકીય પ્રેશર લાવીને રૂા.૯ લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી જે ગ્રાન્ટ મંજૂર થઇને આવ્યાને પણ ચાર માસ જેટલો ખાસ્સો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી કામના શ્રી ગણેશ થયા નથી. આ બાબતે પીડબલ્યુડીની ઢીલી નીતિ રીતિ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. રકમ આવી હોવા છતાં ટેન્ડરીંગ કે વર્ક ઓર્ડર આપવામાં પણ ઢીલાશ બતાવી હતી અને જાણવા મળ્યા મુજબ તાજેતરમાં વર્ક ઓર્ડર અપાયો છે તો સાથોસાથ અધિકારીઓની બદલીઓ પણ થઇ હોવાનું જણાયું છે ત્યારે આ કોન્ટ્રાક્ટરને દબાણ કરી નિયત સમય મર્યાદામાં ફાયર સેફ્ટીનું કામ પૂર્ણ કરાવવાની જવાબદારી પીડબલ્યુડીના જવાબદાર અધિકારી દ્વારા કરવી ઘટે અન્યથા ચાર તો શું આખુ વર્ષ પૂર્ણ થશે તો પણ યશવંતરાય નાટયગૃહ પૂનઃ શરૂ નહીં થાય.