ફરી લોરેન્સ ગેંગ તરફથી મળ્યો ધમકીભર્યો મેસેજ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને વારંવાર ધમકીઓ મળી રહી છે. ત્યારે ફરી એકવાર સલમાન ખાનને ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. જો કે, આ ધમકીઓને અવગણીને, સલમાન તેના કામ પર ધ્યાન આપી રહ્યો છે અને તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

પોલીસ તપાસ શરૂ કરી છે

અહેવાલો અનુસાર, અભિનેતા સલમાન ખાનના નામનો આ ધમકીભર્યો મેસેજ ગુરુવારે (સાતમી નવેમ્બર) રાત્રે લગભગ 12:00 વાગ્યે મુંબઈ કંટ્રોલ રૂમમાં આવ્યો છે. આ મેસેજમાં લખ્યું હતું કે, ‘સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ પર જે કોઈ ગીત લખશે તેને બક્ષવામાં આવશે નહીં. આ ગીત લખનારને એક જ દિવસમાં મારી નાખવામાં આવશે.’ આ મામલો સામે આવતા જ મુંબઈ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સલમાન ખાનના નામે સતત ધમકીઓ આવી રહી છે.

બાબા સિદ્દિકીની હત્યા બાદ તણાવ

અગાઉ પણ સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP (અજિત પવાર જૂથ) નેતા બાબા સિદ્દિકીની હત્યા બાદ આ મામલો વધુ ગરમાયો છે. બાબાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાના અહેવાલ છે. બાબા સિદ્દિકી અને સલમાન ખાન એકબીજાની ખૂબ જ નજીક હતા. આવી સ્થિતિમાં બાબા સિદ્દિકીની હત્યાના સમયથી સલમાન ખાનનું ટેન્શન વધ્યું છે.

ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગમાં વ્યસ્ત

આ ધમકીઓ બાદ સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. સલમાન ખાનને લઈને ચાહકો પણ ચિંતિત છે. જો કે, આ બધું હોવા છતાં, સલમાન તેના કામ પર ધ્યાન આપી રહ્યા છે અને તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *