ધનતેરસ-ટુ-ધનતેરસ સોનું રૂ.17,000 ઉછળ્યું

– સોના-ચાંદી, કોપર તથા પ્લેટીનમમાં પીછેહટ જોવા મળી : વૈશ્વિક ક્રૂડતેલ છ ટકા ગબડતાં સોનામાં ફંડોનું સેલીંગ

– સોનાના ભાવમાં બે વર્ષમાં રૂ.૨૭૦૦૦ની અકલ્પનીય વૃદ્ધિ નોંધાઈ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ધનતેરસ પૂર્વે સોના-ચાંદીના ભાવમાં ઝડપી પીછેહટ દેખાઈ હતી. કિંમતી ધાતુઓના ભાવ ઉંચેથી નીચા ઉતરતાં તહેવારોની મોસમી માગ ફરી વધવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ઘટાડો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં દિવાળી ટાંણે ભાવ ઘટતાં ઝવેરીઓ રાહત અનુભવતા થયા હતા. 

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૭૮૬૦૦ વાળા રૂ.૭૭૯૩૨ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૮૯૦૦ વાળા રૂ.૭૮૨૪૫ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. ગયા વર્ષના ધનતેરસના ભાવપ આ વર્ષે ધનતેરસના ભાવ ગણતાં એક વર્ષમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૧૭ હજારનો ઉછાળો જ્યારે બે વર્ષમાં ભાવ ગણતાં રૂ.૨૭ હજારનો ઉછાળો નોંધાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતદું. 

દરમિયાન, અમદાવાદ બજારમાં  સોનાના ભાવ રૂ.૬૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૮૦૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૧૦૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૭૦૦૦ રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૪૮ વાળા નીચામાં ૨૭૨૪  થઈ ૨૭૩૩થી ૨૭૩૪ ડોલર રહ્યા હતા. ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં તથા ક્રૂડતેલના ભાવ ગબડતાં વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી જોવા મળી હતી.વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ૬ ટકા ગબડયા હતા. ઈરાન તથા ઈઝરાયલ વચ્ચે તંગદીલી છતાં ક્રૂડતેલના પુરવઠા પર વિશેષ અસર પડશે નહિં એવા નિર્દેશો જ ભાવ તૂટી ગયાની ચર્ચા હતી. 

દરમિયાન, વિશ્વ બજારમાં  આજે ચાંદીના ભાવ ઔંશના ૩૩.૭૨ વાળા નીચામાં ૩૩.૨૩ થઈ ૩૩.૪૩થી ૩૩.૪૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૧ ટકા ઘટયા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૨૬ વાળા ૧૦૧૬ થઈ ૧૦૧૮થી ૧૦૧૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૧૯૬થી ૧૧૯૭ વાળા નીચામાં ૧૧૮૧ તથા ઉંચામાં ૧૨૧૯ થઈ ૧૨૦૧થી ૧૨૦૨ ડોલર રહ્યા હતા.

 મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૯૭૦૦૦ વાળા રૂ.૯૬૦૮૬ રહ્યા હતા.  વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૬.૦૫ વાળા નીચામાં ૭૧.૨૯ થઈ ૭૧.૫૫ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૧.૭૮ વાળા નીચામાં ૬૭.૧૪ થઈ ૬૭.૩૬ ડોલર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *