તૃપ્તિ, રાજકુમારની ફિલ્મ કાનૂની વિવાદમાં. સંજય તિવારી નામના નિર્માતાના આરોપો જોકે, દિગ્દર્શક રાજ શાંડિલ્યએ ફગાવ્યા. 

તૃપ્તિ ડિમરી અને રાજકુમાર રાવની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ પોતાની સ્ટોરી ચોરીને બનાવાઈ હોવાનો આરોપ સંજય તિવારી નામના નિર્માતાએ કર્યો છે. જોકે, આ ફિલ્મના દિગ્દર્શક રાજ શાંડિલ્યએ આ આરોપો ફગાવ્યા છે અને કહ્યું છે કે કેટલાક લોકો પોતાનું નામ ચર્ચામાં આવે તે માટે આ પ્રકારના પ્રયાસો કરતા હોય છે.સંજય તિવારીના આરોપો મુજબ પોતે કેટલાક સમય પહેલાં આ  જ સ્ટોરી પરથી ફિલ્મ બનાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, કોઈ કારણોસર તે પ્રોજેક્ટ અટકી ગયો હતો. પરંતુ, હવે ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’નું ટ્રેલર જોઈને તેમને પોતાની સ્ટોરીની ઉઠાંતરી થઈ હોવાનો ખ્યાલ આવ્યો છે. 

જોકે, રાજ શાંડિલ્યએ આ આક્ષેપો ફગાવતાં કહ્યું હતું કે પોતે આ બાબતે લીગલ નોટિસ મોકલશે. તેમણે કહ્યું હતું કે કોઈને એમ લાગતું હોય કે આ તો મારી સ્ટોરી પરથી બનેલી ફિલ્મ છે તો તેમણે પહેલાં અમારો સંપર્ક કરવો જોઈએ અને અમને ફિલ્મની વાર્તા શું છે તે પૂછવું જોઈએ.