સમુદ્રમાં જહાજનું નિશ્ચિત સ્થાન અક્ષાંશ અને રેખાંશ વડે જાણવા મળે છે. કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા માટે મરિન ક્રોનોમીટર નામનું સાધન વપરાય છે. તેની શોધ જોહન હેરિસન નામના વિજ્ઞાનીએ કરી હતી. ઘડિયાળની શોધ કોણે કરી તે અંગે મતમતાંતર છે. એક જ સમયગાળામાં જુદા જુદા દેશોમાં ઘડિયાળો બનાવવાની કળા વિજ્ઞાન હતી. બ્રિટનમાં જોહન હેરિસન ઘડિયાળો બનાવવા માટે સુપ્રસિધ્ધ હતો. તેણે ઈ.સ. ૧૭૨૦માં બનાવેલી ટુરેન્ટ ક્લોક આજે પણ લિન્કેનશાયરમાં ચાલુ સ્થિતિમાં જોવા મળે છે.
જોહન હેરિસનનો જન્મ ઇ.સ. ૧૬૯૩ના એપ્રિલની ત્રણ તારીખે બ્રિટનના યોર્કશાયરના ફોલ્બી ગામે થયો હતો. તેના પિતા સુથારીકામ કરતા હતા. હેરિસન ક્યાંય ભણવા ગયો નહોતો. પિતાની વર્કશોપમાં વિવિધ મશીનરી બનાવતાં શીખ્યો હતો. ઈ.સ. ૧૭૦૦માં તેનો પરિવાર લિંકનશાયર રહેવા ગયો. ત્યાં હેરિસને ઘડિયાળો બનાવવાનું કામ શરૂ કર્યું. તે જમાનામાં અનેક પ્રકારની ઘડિયાળો બનતી. હેરિસને આગવી સૂઝથી વધુ સુવિધાવાળી ઘડિયાળો બનાવી. ૨૦ વર્ષની ઉંમરે તેણે નવા પ્રકારની લોંગકેસ ક્લોક બનાવી. તે સંપૂર્ણ લાકડાની બનેલી હતી. ચક્રો પણ લાકડાના હતા. લાકડાની આ ઘડિયાળો આજે પણ લંડન મ્યુઝિયમમાં જોવા મળે છે. તે જાણીતો થયો હતો અને પ્રસિધ્ધ વિજ્ઞાનીઓના સંપર્કમાં આવ્યો.
હેરિસને ગ્રીનવીચ અને પેરિસને પાયાના રેખાંશ ગણી સમુદ્રમાં જહાજની સ્થિતિ શોધી કાઢવાનું યંત્ર પણ બનાવેલું. એડમન્ડ હેલી અને જ્યોર્જ ગ્રેહામ જેવા જાણીતા વિજ્ઞાનીઓને તેણે આર્થિક તેમજ અન્ય મદદ કરેલી. હેરિસને શોધેલી સમુદ્રી ઘડિયાળ ૧૩ સેન્ટીમીટર વ્યાસની હતી. આજે તે એચ-૪ના નામે ઓળખાય છે. હેરિસનની અથાગ મહેનતને ધ્યાનમાં લઈ બ્રિટનની સંસદે તેને વીસ હજાર પાઉન્ડની આર્થિક સહાય કરેલી. ઈ.સ. ૧૭૭૬ના માર્ચની ૨૪ તારીખે તેનું અવસાન થયેલું.