રાજકોટમાં ચકચારી ઘટના, ખાબોચિયું જોઈ ન્હાવા પડેલા 2 કિશોરોના મૃત્યુથી માહોલ શોકમગ્ન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણીના ઉંડા ખાડા,નાના-મોટા તળાવો પાણીથી છલોછલ થયા છે અને લોકો તેમાં ન્હાવા પડતા હોય છે જે અત્યંત જોખમી છે. પો.કમિ.દ્વારા ડેમ,તળાવ વગેરેમાં ન્હાવા પર પ્રતિબંધ પણ મુકાયો છે. ત્યારે ગઈકાલે રાજકોટમાં નવા કોર્ટ બિલ્ડીંગ પાછળ પાણીથી ભરાયેલા ખાડામાં ન્હાવા પડેલા બે કિશોરોના મોત નીપજ્યા છે.પોલીસ સૂત્રો અનુસાર 10 વર્ષનો ભીખો મુન્નાભાઈ ભુંડીયા (રહે.રૈયાધાર રંભામાની વાડી પાસે) અને મયુર વિજયભાઈ હળવદીયા (ઉ. 12 રહે.રૈયાધાર, ગૌશાળા પાસે) ઉપરોક્ત પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડતા ડુબીને મોતને ભેટયા હતા. જ્યારે તેમની સાથે કરણ દિપકભાઈ નામનો કિશોર પણ ગયો હતો પરંતુ, તે બચી ગયો હતો.  ઉલ્લેખનીય છે કે ચોમાસા પછી ડેમ,તળાવ,ખાડા-ખીણ વગેરે પાણીથી છલોછલ હોય છે જેમાં ન્હાવાની મજા મોતની સજા બની જતી હોય છે ત્યારે તંત્ર દ્વારા લોકોને  ત્યાં ન્હાવા નહીં પડવા અપીલ કરાઈ છે અને પોલીસે આજે આજી ડેમ જળસ્ત્રોત પાસે આંટા મારતા શખ્સોની અટકાયત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા જેવા મહાનગરોમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. જેના લીધે જાનમાલની મોટાપાયે નુકસાન થઈ હતી. લોકોએ તેમની ઘરવખરી તો ગુમાવી જ સાથે તેમના પ્રિયજનોને પણ ગુમાવ્યાં. વડોદરામાં પણ ભારે તારાજી સર્જાઈ જ્યારે રાજકોટ અને જામનગરમાં પણ ભારે વરસાદથી ભારે ખાના ખરાબીના દૃશ્યો જોવા મળ્યાં. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *