મુંબઈ ઝવેરીબજારમાં આજ શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વધતા અટકી વિશ્વબજાર પાછળ ગબડતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં ઓવરનાઈટ ભાવ ઝડપી તૂટી ગયાના સમાચાર હતા તથા તેના પગલે ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓમાં ઉછાળે નવી માગ ધીમી પડતાં માનસ વેંચવાનું રહ્યું હતું. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૪૭૩થી ૨૪૭૪ વાળા તૂટી નીચામાં ભાવ ૨૪૧૦થી ૨૪૧૧ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૨૪૪૩થી ૨૪૪૪ ડોલર રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૨૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૩૦૦૦ના મથાળે સૂસ્ત રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૦૦૦ ગબડી રૂ.૮૩૫૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૯.૧૨થી ૨૯.૧૩ વાળા નીચામાં ૨૭.૯૪ થઈ છેલ્લે ભાવ ૨૮.૫૫થી ૨૮.૫૬ ડોલર રહ્યા હતા. જોકે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ૧૦૩.૨૨ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી સાડા ત્રણ ટકા તૂટી જતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૮.૭૬ વાળા નીચામાં ે૭૬.૪૨ થઈ છેલ્લે ભાવ ૭૬.૮૧ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૫.૨૫ વાળા નીચામાં ૭૨.૯૭ થઈ છેલ્લે ૭૩.૫૨ રહ્યા હતા. ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાં જુલાઈમાં ઉત્પાદન વધ્યાના સમાચાર હતા.
દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૭૧થી ૯૭૨ વાળા નીચામાં ૯૫૫ થઈ છેલ્લે ભાવ ૯૫૯થી ૯૬૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૦૬થી ૯૦૭ વાળા ૮૮૮ થઈ છેલ્લે ભાવ ૮૯૫થી ૮૯૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે જોકે ૦.૫૦ ટકા પ્લસમાં રહ્યા હતા.મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૦૧૧૦ વાળા રૂ.૬૯૭૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૭૦૩૯૨ વાળા રૂ.૭૦૦૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૩૫૦૧ વાળા ઘટી રૂ.૮૨૬૫૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૭૪ વાળા વધી રૂ.૮૩.૮૨ બોલાઈ રહ્યા હતા.