રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની આવતા સપ્તાહે મળી રહેલી બેઠકમાં એમપીસી વ્યાજ દર જાળવી રાખશે તેવી શકયતા જોવાઈ રહી છે. ફુગાવો હજુ પણ પાંચ ટકા આસપાસ રહેતા રેપો રેટમાં ઘટાડો કરવા રિઝર્વ બેન્ક ઉતાવળ નહીં કરે એમ વિશ્લેષકો માની રહ્યા છે. ખાધાખોરાકીના ઊંચા ભાવને કારણે રિટેલ ફુગાવો પાંચ ટકા આસપાસ રહ્યા કરે છે.ફુગાવો ઘટાડી ચાર ટકા પર લાવવા રિઝર્વ ટાર્ગેટ ધરાવે છે. પરંતુ ટમેટા, બટેટા, ડુંગળી ઉપરાંત અન્ય શાકભાજીના ઊંચા ભાવને પરિણામે ખાધાખોરાકીના ભાવ ઊંચા જળવાઈ રહ્યા છે. જૂનનો ફુગાવો ૫.૦૮ ટકા રહ્યો હતો. હાલમાં દેશનો આર્થિક વિકાસ દર સ્થિર જોવા મળી રહ્યા છે ત્યારે રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં ઘટાડો કરવાનું હાલમાં જોખમ નહીં લે એમ એક બેન્કરે જણાવ્યું હતું. રિઝર્વ બેન્કની નજર હાલમાં ચોમાસાની પ્રગતિ પર રહેલી છે. ખરીફ પાકની સ્થિતિનો અંદાજ મેળવ્યા બાદ જ રેપો રેટ અંગે કોઈ નિર્ણય આવી શકે છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. ઓકટોબરમાં રેપો રેટમાં કદાચ પા ટકા ઘટાડો જોવા મળવાની સંભાવના છે. 

૨૦૨૩ના  એપ્રિલથી રેપો રેટ ૬.૫૦ ટકાના સ્તરે જાળવી રખાયો છે. તે પહેલા મે ૨૦૨૨થી રેપો રેટમાં  એકંદર અઢી ટકા  વધારો કરાયો હતો. રિઝર્વ બેન્કની એમપીસીની બેઠક ૬થી ૮ ઓગસ્ટ દરમિયાન મળનાર છે.

અત્રે ઉલ્લેખનિય છે કે વિતેલા સપ્તાહમાં અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દર જાળવી રાખ્યા હતા પરંતુ બેન્ક ઓફ ઈન્ગલેન્ડે ચાર વર્ષના ગાળા  બાદ પહેલી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં કપાતના સંકેત આપ્યા છે.