માઈક્રોસોફ્ટની ક્લાઉડ-સર્વિસિઝ ખોરવાતાં વૈશ્વિક બજારોમાં આંચકા
કેન્દ્રિય બજેટ આગામી સપ્તાહમાં મંગળવારે ૨૩, જુલાઈના રજૂ થનાર હોઈ અને આ બજેટમાં પ્રોત્સાહક જોગવાઈઓની સાથે બજાર માટે સંભવિત એસટીટી-સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષમાં વધારો સંભવિત હોવાના અહેવાલોએ અને વૈશ્વિક ટેકનોલોજી જાયન્ટ માઈક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસ એકાએક ખોરવાતાં વૈશ્વિક બેંકિંગ, એરલાઈન્સ સર્વિસિઝ સહિત ટ્રેડીંગ પર પડેલી અસરને લઈ વૈશ્વિક બજારોમાં આંચકા પાછળ આજે ભારતીય શેર બજારોમાં ધબડકો બોલાઈ ગયો હતો. ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિ અને કોર્પોરેટ પરિણામો સારા આવ્યાના પોઝિટીવ પરિબળ સામે હવે બજેટ પૂર્વે તેજીની મોટી પોઝિશન ઊભી નહીં રાખવાના ફંડો, ખેલાડીઓના વલણે પણ આજે અનેક શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. ખાસ ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ફાર્મા શેરોમાં મોટા ગાબડાં પડયા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ મંદીના એંધાણે આજે અનેક શેરોમાં પેનીક સેલિંગ થતું જોવાયું હતું. સેન્સેક્સ ૭૩૮.૮૧ પોઈન્ટ તૂટીને ૮૦૬૦૪.૬૫ અને નિફટી ૫૦ સ્પોટ ૨૬૯.૯૫ પોઈન્ટ ગબડીને ૨૪,૫૩૦.૯૦ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર શેરોમાં ગાબડાં : અંબર રૂ.૩૦૨ તૂટીને રૂ.૪૧૨૩ : ડિક્સન રૂ.૬૮૦, હવેલ્સ રૂ.૯૬ તૂટયાકન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો, મહારથીઓએ આજે મોટાપાયે તેજીનો વેપાર હળવો કરતાં અસાધારણ ગાબડાં પડયા હતા. અંબર રૂ.૩૦૨.૧૦ તૂટીને રૂ.૪૧૨૩.૨૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૬૮૦.૦૫ તૂટીને રૂ.૧૧,૨૬૬.૯૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૯૫.૬૦ તૂટીને રૂ.૧૭૬૫.૫૦, બ્લુ સ્ટાર રૂ.૬૧.૩૦ તૂટીને રૂ.૧૬૩૮.૯૦, વોલ્ટાસ રૂ.૩૩.૬૫ ઘટીને રૂ.૧૪૬૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૬૬.૧૬ પોઈન્ટ તૂટીને ૫૭૫૦૦.૫૪ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ૧૪૬૯ તૂટયો : કમિન્સ રૂ.૨૩૯ તૂટીને રૂ.૩૫૫૭ : અપોલો ટાયર, એમઆરએફ ગબડયા
ચોમાસાની સારી પ્રગતિ છતાં ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે જાણે કે તેજીના મોટા ખેલાડીઓ અને લોકલ ફંડોએ મોટાપાયે પ્રોફિટ બુકિંગ કર્યું હોય એમ વ્યાપક કડાકો બોલાઈ ગયો હતો. કમિન્સ ઈન્ડિયા રૂ.૨૩૮.૭૫ તૂટીને રૂ.૩૫૫૭.૯૫, મધરસન રૂ.૧૨.૪૦ તૂટીને રૂ.૧૯૨.૧૫, અપોલો ટાયર રૂ.૨૫.૪૦ તૂટીને રૂ.૫૨૪.૪૫, એમઆરએફ રૂ.૪૫૭૨.૨૫ ગબડીને રૂ.૧,૨૭,૭૨૦, ટાટા મોટર્સ રૂ.૩૫.૨૦ તૂટીને રૂ.૯૮૯.૯૦, બોશ રૂ.૧૦૨૩.૪૦ તૂટીને રૂ.૩૪,૦૯૬.૩૦, બજાજ ઓટો રૂ.૨૩૦.૮૦ તૂટીને રૂ.૯૩૮૪.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૯.૪૦ તૂટીને રૂ.૨૭૫૦.૫૫, મારૂતી સુઝુકી રૂ.૧૧૧.૮૫ તૂટીને રૂ.૧૨,૫૩૯.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૪૬૯.૨૧ પોઈન્ટ તૂટીને ૫૬૫૦૦.૩૩ બંધ રહ્યો હતો.
વળતાં પાણી : કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૪૬ તૂટયો : ભેલ રૂ.૧૪, હિન્દ. એરોનોટિક્સ રૂ.૨૧૪ તૂટયા
કેપિટલ ગુડઝ શેરોમાં સતત ફંડો, મહારથીઓએ ઉથલો કરાવી જાતેજાત શેરોમાં ઓફલોડિંગ ચાલુ રાખતાં તેજીના વળતાં પાણી સ્પષ્ટ વર્તાવા લાગ્યા હતા. જેના પરિણામે રિટેલ ઈન્વેસ્ટરોનું પણ પેનિક સેલિંગ થતું જોવાયું હતું. બીડીએલ રૂ.૭૮ તૂટીને રૂ.૧૪૭૮, ભેલ રૂ.૧૪.૩૦ તૂટીને રૂ.૨૯૪.૨૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૧૪.૨૦ તૂટીને રૂ.૪૮૦૧.૨૦, સિમેન્સ રૂ.૨૯૧.૧૦ તૂટીને રૂ.૬૮૩૫, એનબીસીસી રૂ.૬.૮૫ તૂટીને રૂ.૧૭૧.૮૦, એબીબી ઈન્ડિયા રૂ.૨૭૬.૬૫ ગબડીને રૂ.૭૬૧૯, ભારત ફોર્જ રૂ.૪૨.૬૦ તૂટીને રૂ.ય૧૫૭૯.૨૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૧૯૭.૩૫ તૂટીને રૂ.૫૫૯૨.૯૦, જીએમઆર ઈન્ફ્રા રૂ.૪.૦૮ તૂટીને રૂ.૯૧.૮૮, પોલીકેબ રૂ.૧૮૫.૦૫ તૂટીને રૂ.૬૩૬૫.૨૦, વેલકોર્પ રૂ.૧૯.૫૫ તૂટીને રૂ.૬૩૩ રહ્યા હતા.
મેટલ ઈન્ડેક્સ ૧૩૫૦ પોઈન્ટ ખાબક્યો : જિન્દાલ સ્ટેનલેસ રૂ.૪૫ તૂટયો : એનએમડીસી, જિન્દાલ તૂટયા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે ફંડોએ મોટું હેમરીંગ કરતાં ગાબડાં પડયા હતા. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૪૪.૮૫ તૂટીને રૂ.૭૪૬.૪૦, એનએમડીસી રૂ.૧૩.૨૫ ઘટીને રૂ.૨૨૮.૬૫, ટાટા સ્ટીલ રૂ.૮.૬૦ ઘટીને રૂ.૧૫૭.૭૫, જિન્દાલ સ્ટીલ રૂ.૪૩.૩૫ ઘટીને રૂ.૯૪૬.૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪૦.૫૫ તૂટીને રૂ.૮૮૯.૫૫, હિન્દાલ્કો રૂ.૨૭ ઘટીને રૂ.૬૬૩, કોલ ઈન્ડિયા રૂ.૧૭.૨૦ ઘટીને રૂ.૪૮૭.૯૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૩૫૦.૬૨ પોઈન્ટ તૂટીને ૩૧૫૧૭.૧૦ બંધ રહ્યો હતો.
ઈન્ફોસીસના પરિણામ આકર્ષણે રૂ.૩૪ વધીને રૂ.૧૭૯૩ : ઓનવર્ડ, પર્સિસ્ટન્ટ, વિપ્રો ગબડયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આરંભમાં આકર્ષણ બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ઈન્ફોસીસના ગઈકાલે ત્રિમાસિક પરિણામ આકર્ષણે શેર રૂ.૩૩.૭૦ વધીને રૂ.૧૭૯૨.૮૫ રહ્યો હતો. ડાટામેટિક્સ રૂ.૧૧.૮૫ વધીને રૂ.૬૫૦.૪૫, એમ્ફેસીસ રૂ.૪૪.૭૦ વધીને રૂ.૨૮૭૭.૬૦ રહ્યા હતા. જ્યારે ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૪૧.૧૦ તૂટીને રૂ.૪૩૨.૯૫, પર્સિસ્ટન્ટ રૂ.૩૧૭.૯૫ તૂટીને રૂ.૪૫૭૪.૮૫, માસ્ટેક રૂ.૧૭૩.૮૦ તૂટીને રૂ.૨૬૩૨.૧૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૪૨.૮૫ ઘટીને રૂ.૭૪૭.૬૦, વિપ્રોનો ત્રિમાસિક નફો પાંચ ટકા વધીને આવ્યા સામે આવક બે ટકા ઘટતાં શેર રૂ.૧૫.૯૫ ઘટીને રૂ.૫૫૭.૨૫ રહ્યો હતો.હતા.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭.૯૪ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૬.૩૮ લાખ કરોડ રહી
શેરોમાં આજે ફંડો, ઓપરેટરો, રિટેલ ઈન્વેસ્ટરોએ જાતેજાત કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ,કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે વેચવાલી કરતાં અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૭.૯૪ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૪૪૬.૩૮ લાખ કરોડ રહી ગઈ હતી.
FPIs/FIIની રૂ.૧૫૦૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૪૬૨ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં શેરોમાં રૂ.૧૫૦૬.૧૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૮૯૨.૬૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૩૮૬.૪૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૬૧.૫૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૫,૦૫૧.૪૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૫૧૨.૯૮ કરોડની વેચવાલી થઈ હતી.