મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળતાં રૂપિયો નવા તળિયે ઉતર્યો હતો. શેરબજાર ગબડતાં કરન્સી બજારમાં રૂપિયાના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૫૯ વાળા સવારે રૂ.૮૩.૫૮ ખુલી નીચામાં ભાવ રૂ.૮૩.૫૫થી ૮૩.૫૬ થયા પછી ભાવ ઉછળી ઉંચામાં રૂ.૮૩,૬૭ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૬૫ રહ્યા હતા.
ડોલર ઉંચકાતાં ઘરઆંગણે આયાત થતી મોટાભાગની ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં હવે બજેટ પૂર્વે જ મોંઘવારી વધુ વધવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આજે બે મોટી ફોરેન બેન્કોએ ડોલર ખરીદયાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. જોકે અમુક સરકારી બેન્કોએ આજે ઉછાળે ડોલર વેંચવાની પણ ચર્ચા હતી. નોન-ડિલીબરેબલ ફોરવર્ડ માર્કેટમાં આરબીઆઈ એક્ટીવ થવાની શક્યતા બજારમાં બતાવાતી હતી. ૨૦મી જૂને ડોલરના ભાવ ઉંચામાં રૂ.૮૩.૬૬થી ૮૩.૬૭ રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં પીછેહટ જોવા મળતાં મુંબઈ કરન્સી બજારમાં રૂપિયામાં ઘટાડો તેટલા પ્રમાણંમાં સિમિત રહ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં પીછેહટ જોવા મળતાં મુંબઈ કરન્સી બજારમાં રૂપિયામાંઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા.દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે આજે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ૧૦૩.૮૫ થઈ ૧૦૩.૮૨થી ૧૦૩.૮૩ રહ્યો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ તાજેતરમાં ૪ મહિનાના તળિયે ઉતર્યા પછી હવે ફરી બાઉન્સ-બેક થઈ રહ્યાના સમાચારની અસર પણ ઘરઆંગણે કરન્સી બજાર પર જોવા મળી હતી.
મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ જે વધી ગુરૂવારે રૂ.૧૦૯ની ઉપર ગયા હતા તે આજે ફરી ઘટી નીચામાં રૂ.૧૦૮.૫૯ થઈ ૧૦૮.૬૭થી ૧૦૮.૬૮ રહ્યાના નિર્દેશો હતા. જો કે યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂ.૯૧.૧૦ વાળા વધી રૂ.૯૧.૫૨ થઈ રૂ.૯૧.૪૫થી ૯૧.૪૬ રહ્યા હતા.જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ઝડપી ૧.૨૮થી ૧.૨૯ ટકા ઉછળી હતી જ્યારે ચીનની કરન્સીમાં ધીમી પીછેહટ જોવા મળી હતી. રૂપિયા સામે ડોલરના ભાવ હવે વધુ વધી ૮૩.૭૦થી ૮૩.૭૫ થશે ત્યારે સરકારી બેન્કોની ડોલરમાં વેચવાલી તીવ્ર બનશે એવી ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.