કિંગમાં શાહ રૂખની ટક્કર અભિષેક બચ્ચન સાથે થશે

ફિલ્મમાં શાહ રૂખની પુત્રી સુહાના ખાન પણ મુખ્ય ભૂમિકા નિભાવશે.

ગયા વર્ષે વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર ૨,૬૦૦ કરોડ એકત્ર કમાવી આપનાર સળંગ ત્રણ બ્લોક બસ્ટર્સ આપનાર શાહ રૂખ ખાન હવે કહાની ફેમ સુજોય ઘોષ દ્વારા દિગ્દર્શિત અને પઠાનના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્મિત એક્શન થ્રિલર કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. સર્જકો તેને જવાન અને પઠાન જેવી જ ભવ્ય બનાવવા તેમાં મોટી સ્ટાર કાસ્ટ એકત્ર કરી રહ્યા છે.

અભિષેક બચ્ચનને શાહ રૂખ સામે મુખ્ય વિલન તરીકે સામેલ કરાયો છે. તેના પાત્રની વિગતો છાની રખાઈ છે પણ એક અહેવાલ મુજબ તે શાહ રૂખના માફિયા વ્યક્તિત્વનો સામનો કરવા સોફિસ્ટિકેટેડ વિલન તરીકે દેખાશે. શાહ રૂખની પુત્રી સુહાના પણ તેની સાથે મુખ્ય ભૂમિકામાં દેખાશે. તે એવી યુવતીની ભૂમિકા નિભાવી રહી છે જે જીવન બદલી નાખતી ઘટના પછી મુશ્કેલ સંજોગોમાં ફસાઈ પડી છે.

સિદ્ધાર્થ આનંદે જણાવ્યું કે અભિષેક એવો કલાકાર છે જેની ક્ષમતાનો હજી પૂરો ઉપયોગ નથી કરાયો. જટિલ રોલમાં દર્શકોને ચોંકાવી દેવાની તેની કાબેલિયત છે. કિંગમાં અભિષેકનું પાત્ર સંપૂર્ણપણે નેગેટીવ છે અને તે પોતાના પરફોર્મન્સ સાથે ચોક્કસ દર્શકોને પ્રભાવિત કરશે. અભિષેકને પણ આ રોલ ઓફર થયો ત્યારે આશ્ચર્ય થયું હતું પણ રોલની ઊંડાઈ અને મહત્વને ધ્યાનમાં રાખીને તેણે તુરંત સ્વીકારી લીધો.શાહ રૂખ અને અભિષેકે અગાઉ કભી અલવિદા ના કહેના અને હેપી ન્યુ યરમાં કામ કર્યું હતું, પણ આ સહયોગ વધુ રસપ્રદ છે કારણ કે આમાં તેઓ બંને સ્ક્રીન પર પહેલીવાર આમને સામને છે.

ફિલ્મનું શૂટીંગ આ વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે જ્યારે તેની રજૂઆત આગામી વર્ષે અથવા ૨૦૨૬ના પ્રારંભમાં થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *