બે મહિનાની તપાસ પછી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો.દાતાઓને ચારથી પાંચ લાખ અને કીડની લેનારાઓ પાસેથી 25 થી 30 લાખ લેવામાં આવતા હતાં.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં ૫૦ વર્ષીય મહિલા ડોક્ટર સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટ બાંગ્લાદેશ અને દિલ્હી-એનસીઆરમાં ચલાવવામાં આવતો હતો તેમ પોલીસ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
ચોક્કસ બાતમીના આધારે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા બે મહિનાથી તપાસ કરી રહી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર મોટા ભાગના દાતાઓ અને કીડની મેળવનારાઓ બાંગ્લાદેશના હતાં. તેમને સર્જરી માટે નકલી દસ્તાવેજો પર ભારત લાવવામાં આવતા હતાં.
સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ૨૦૨૧ થી ૨૦૨૩ દરમિયાન બાંગ્લાદેશના ૧૫ લોકોની ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં ડી વિજયા રાજકુમારી નામની મહિલા ડોક્ટરની સંડોવણી હતી.
હાલમાં આ મહિલા ડોક્ટર દક્ષિણ પૂર્વ દિલ્હી સ્થિત ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે કાર્યરત છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ જૂથ કિડની ડોનેટ કરનારાઓને ચાર થી પાંચ લાખ રૂપિયા આપતો હતો. જ્યારે કિડની લેનારાઓ પાસેથી ૨૫ થી ૩૦ લાખ રૂપિયા વસુલ કરતા હતાં.
ડો. રાજકુમારી ઉપરાંત તેમના આસિસ્ટન્ટ વિક્રમ સિંહ, ત્રણ બાંગ્લાદેશી નાગરિકો રસેલ, મિહામ્મદ સુમોન મિયા અને મોહંમદ રોકોન ઉર્ફે રાહુલ સરકાર ઉર્ફે બિજય મોંડલની ધરપકડ કરવામાં આવી છે.