મને ફેફસાની બીમારી છે તેના ઉપચાર  માટે હું હાઈડ્રોજન પેરોકસાઇડ અને ડીસ્ટીલ વોટરના મિશ્રણની વરાળનું નસ્ય લઉં છું.’ વિવિધા-ભવેન કચ્છી.સોશિયલ મીડિયા પર વૈકલ્પિક ઉપચારની જાહેરાતો થકી કંપનીઓ ધૂમ ધંધો કરી લે છે.સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એલોપેથીએ પ્રમાણિત ન કરેલ દવા કે ઉપચાર પદ્ધતિની પોસ્ટ મૂકીને સેલિબ્રિટીઓ તેમના ફોલોઆર્સ માટે ભયજનક પુરવાર થઈ શકે છે.

સાઉથની અભિનેત્રી સામન્થા રુથ પ્રભુએ એક નવા જ વિવાદને જન્મ આપ્યો છે. સામન્થાએ થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી જેમાં એક તસવીર પણ સામેલ હતી. સામન્થા નાક પર નેબ્યુલાઇઝર ચઢાવીને કોઈ દવાનો ઊંડો શ્વાસ લેતી બતાવાઈ છે. પોસ્ટમાં સામન્થાએ જણાવ્યું છે કે ‘મારી ફેફસાની બીમારીમાં પરંપરાગત દવા (એલોપેથી તબીબોએ સૂચવેલ દવા કે સ્પ્રે) સફળ નથી નીવડી ત્યારે આ રીતે નાક વાટે ફેફસામાં હું હાઇડ્રોજન પેરોકસાઇડ ડીસ્ટીલ પાણીમાં મિક્સ કરીને તેની વરાળનું નસ્ય લઉં છું. મને વાયરલ ચેપની બીમારી છે તેની સામે આ પ્રયોગની અજમાયશ કરું છું.’

આ પોસ્ટ એલોપથી મેડિકલ ડોકટર સાયરિયાક અબ્બી ફિલિપ્સની નજરે ચઢી. ડો. ફિલિપ્સ પોડકાસ્ટ અને ઓનલાઇન માધ્યમથી વિશેષ કરીને લિવરને તંદુરસ્ત રાખવાનું માર્ગદર્શન આપતા હોય છે તેથી લીવર ડોકટર તરીકે પણ ઓળખાય છે.

ડો. ફિલિપ્સે સામન્થાનો ભારે કડક શબ્દોમાં ઉધડો લેતા તરત જ વળતી પોસ્ટ કરી કે ‘સામન્થા સ્વાસ્થ્ય અને વિજ્ઞાાનની બાબતમાં અભણ જેવી કહેવાય. તબીબી વિજ્ઞાાનમાં સામન્થાએ જે ઉપચાર બતાવ્યો છે તેનો ક્યાંય ઉલ્લેખ નથી. ખરેખર તો તારો ઉપચાર તારા ફેફસાને માટે ઘણો ખતરનાક કહેવાય કેમ કે સીધું જ નાક વાટે હાઈડ્રોજન પેરોકસાઈડ ફેફસામાં દાખલ કરવો તે આગળ જતાં જીવલેણ પુરવાર થઈ શકે છે. તું લાખો ફોલોવર ધરાવે છે જે સીધા તારા પ્રભાવ હેઠળ હોઇ શકે. જેઓ ફેફસાં અને વાયરસનો તરત ચેપ લાગી જવો તેવી બીમારી ધરાવતા હશે તેઓ આ જ ઉપચાર સાથે તારું અનુકરણ કરશે ત્યારે ગંભીર પરિણામ ભોગવી શકે છે. તારા બેજવાબદાર કૃત્ય બદલ તારી સામે સખ્ત કાયદાકીય પગલાં લેવા જોઈએ. હું તો તને જેલની સજા થવી જોઈએ તેમ માનું છું.’

ડો. ફિલીપ્સે તો પોસ્ટમાં એમ પણ ઉમેર્યું છે કે ”અસ્થમા એન્ડ એલર્જી ફાઉન્ડેશન ઓફ અમેરિકાએ તો દર્દીઓને હાઈડ્રોજન પેરોકસાઈડનો ઉપયોગ ખૂબ જ ભયજનક છે તેમ ચેતવણી પણ જારી કરી છે.’

ડો.ફીલીપ્સ વ્હિસલ બ્લોઅરની અદામાં રોષ ઠાલવે છે કે સોશિયલ મીડિયામાં બહોળો ફેલાવો ધરાવતી જાહેર વ્યક્તિ કે સેલિબ્રિટી બેજવાબદાર બનીને ઊંટવૈદા જેવી અને એલોપેથીની રીતે પ્રમાણિત ન થયેલી દવા કે ઉપચાર પધ્ધતિ તેમની પોસ્ટમાં ફોટા સાથે મૂકે છે અને સૂચન કરે છે કે ‘અમે આ દવા કે ઉપચારને અનુસરીએ છીએ. અમને બહુ સારા પરિણામ મળ્યા છે.’ આવી સેલિબ્રિટીઓ કે જાહેર વ્યક્તિઓ સામે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે પગલાં લેવા ઉપરાંત જાહેર હિતમાં કડક નિર્દેશ પણ કરવા જોઈએ.

સામન્થાએ તે પછી તરત જ વળતી પોસ્ટમાં જણાવ્યું કે ‘મારી ખૂબ જ ઉગ્ર શબ્દોમાં કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે અને મને જેલમાં મોકલવા સુધીની સજા થાય તેવું ઈચ્છે છે. આ ખૂબ જ કઠોર વલણ કહેવાય. મારો આશય તો શુભ હતો. મને જે ઉપચાર અનુકૂળ લાગે છે તે કદાચ મારા ચાહકોને પણ ઉપયોગી નીવડે તેવી મારી ઉમદા ભાવના રહેલી છે. મને એલોપથી એમ. ડી. ડોકટર કે જેઓ ડિફેન્સ અને રિસર્ચ (ડી.આર. ડી.ઓ.) વિભાગ જોડે ૨૫ વર્ષ સુધી જોડાયેલા રહ્યા છે તેમણે જ આ રીતે નસ્ય લેવાનું સૂચન કર્યું હતું. મારી બીમારીથી હું ત્રાસી ગઈ છું .હું જુદા જુદા એલોપેથી ડૉક્ટરોના ધક્કા ખાઇને અને અઢળક નાણાં વેડફીને કંટાળી ગઈ છું. તેઓનો કોઈ ઉપચાર કારગત નથી નીવડયો. તે પછી મને એલોપેથી ડોકટરે જ આ હાઈડ્રોજન પેરોકસાઇડનો વૈકલ્પિક ઉપાય સૂચવ્યો છે.’

જો કે હદ તો ત્યારે થઈ કે જ્યારે સામન્થાના કેટલાક ચાહકોએ ડો.ફિલિપ્સનો તે પછી ઉધડો લીધો કે ‘તમારે હવેથી સામન્થા માટે એક શબ્દ નથી ઉચ્ચારવાનો. તમે ડોકટરો સામન્થાને જે ડોકટરે સૂચન કર્યું છે તેની સાથે ચર્ચા છેડો. અને કોણ સાચું તે બહાર લાવો’

સામન્થાને ડર લાગ્યો હોય તેમ તેણે જણાવ્યું કે ‘મેં કોઈ ફાર્મા કંપનીની કે હોસ્પિટલની જાહેરાત નથી કરી. આવી પોસ્ટ દ્વારા મેં કોઈ કમાણી થાય તેવો આશય પણ નથી રાખ્યો. મારો ઈરાદો એકદમ નિર્મળ છે.’

જો કે આ વિવાદથી સોશિયલ મીડિયા પર ચર્ચા જરૂર જામી અને જેમાં અસંખ્ય નાગરિકોએ તેમની પ્રતિક્રિયા આપી કે ડો. ફિલિપ્સની ભાષા અને સામન્થાને જેલમાં મોકલવાનું સૂચન વધુ પડતું અરુચિકર હતું પણ સોશિયલ મીડિયામાં સેલિબ્રિટી કે  જાહેર જીવનની વ્યક્તિઓએ જે એલોપેથીથી પ્રમાણિત ન થઈ હોય તેવી કોઈ દવા કે ઉપચાર અંગે પોસ્ટ ન કરવી જોઈએ. જો આમ થાય તો તે વ્યક્તિને દંડ થઈ શકે તેવી જોગવાઈ હોવી જોઈએ.

જાણીતી વ્યક્તિઓ સોશિયલ મીડિયામાં પૈસા લઈને તેના ફોલોઅરને ગેરમાર્ગે દોરતી દવા કે કોઈ ખાદ્ય પ્રદાર્થ કે પછી પીણાંનું સેવન કરવાનું સૂચન કરે છે.ખરેખર તો વાસ્તવિક જીવનમાં પોતાનું જ સ્વાસ્થ્ય અને ફિટનેસ જાળવવા આવી પ્રોડકટથી પોતે દૂર રહેતા હોય છે.

એલોપેથી ન હોય તેવી કેટલીયે વૈકલ્પિક  દવા અને ઉપચાર કામચલાઉ રાહત આપે છે પણ દાવો એવો કરે છે કે કાયમી નિરાકરણ થઈ જશે. છ મહિના ઉપચાર કરો તે પછી પરિણામ મળશે તેમ દાવો કરીને બોગસ કંપનીઓ તેમનો ધંધો કરી લે છે.

સોશિયલ મીડિયામાં ફેસબુક પોસ્ટ, ઇન્સ્ટાગ્રામ કે યુ ટયુબ પર આવી બોગસ દવાઓની જાહેરાત નજર સામે આવતી જ રહે છે. સેક્સવર્ધક દવા, બાયપાસ સર્જરી ન કરવી પડે તેવી દવા, ઘૂંટણનું રીપ્લેસમેન્ટ ક્યારેય ન કરવું પડે તેનું મસાજ ઓઇલ, કમરનો દુખાવો, પ્રતિકારશક્તિ વધારતી દવા, કેન્સરની સામેના ઉપચારો, વાળ ઉગાડવાની, ઊંચાઈ વધારવાની, વજન ઘટાડવાની દવા મુખ્ય હોય છે.

આપણને આકર્ષતી તસવીર અને ટુંકુ લખાણ  અને વધુ માટે ક્લિક કરવાની જાણ હોય. ક્લિક કરો એટલે ધમને આ ઉપચારથી સારું થઈ ગયું છે તેવું લખેલ સ્પોનસર્ડ ગ્રાહકોની પોસ્ટ હોય. પ્રોડક્ટ અને તેની કિંમત તેમજ ઓનલાઇન શોપિંગ માટેની પ્રક્રિયા નજર સામે હાજર હોય.

જાહેરાત જોઈ રહેલ વ્યક્તિને લાલચ થઈ જ જાય કે ‘એક વખત રૂ. પાંચસોથી માંડી બે ત્રણ હજાર ખર્ચ કરવામાં શું વાંધો. પરિણામ નહીં આપે તો પૈસા ગયા તેમ સમજીશું.’ બસ, કંપની ગ્રાહકોની આવી માનસિકતાને લીધે જ કરોડો રૂપિયાનું ઓનલાઇન ટર્ન ઓવર કરી લે છે.

એલોપેથી તબીબો ચેતવે છે કે આ પ્રોડક્ટ કેવા તત્ત્વોથી બનેલી છે તે ક્યારેય જણાવતી નથી.  ગ્રાહક પણ  તેના અંગત ડોકટરને ખરીદેલી આ પ્રોડક્ટ તે જાણવા  બતાવતો નથી  કે આ દવા કે ઉપાય મેં જે ખરીદ્યો છે તે કયા તત્ત્વો કે ઘટકો અને મિશ્રણથી બન્યો છે.

કેટલીયે આવા દાવા કરતી દવા થોડો સમય આરામ અને રાહત આપે છે તેનું કારણ તેમાં સ્ટેરોઇડ ઉમેરાયેલું  હોય છે. આવી દવા કોઈ માન્ય ફાર્મસી કંપનીની નથી હોતી.

સોશિયલ મીડિયા પર હવે એવી જાહેરાતો પણ વધુ માત્રામાં જોવા મળે છે કે જેમાં ચીન અને જાપાનના નાગરિકો આપણને ભલામણ કરે છે કે અમારા દેશમાં નાગરિકોએ આ દવા કે ઉપચાર પદ્ધતિ સ્વાસ્થ્ય મેળવ્યું છે. અમારી ફિટનેસ અને આયુષ્યનું રહસ્ય અમારી સદીઓ જૂની ઉપચાર પદ્ધતિ છે. ખાસ અમારા જંગલોમાં જ પ્રાપ્ય એવી તિબેટી જડીબુટ્ટી, મૂળિયાં, પાંદડાના અર્કમાંથી આ દવા બનતી હોય છે.

આપણને ખબર નહીં કેમ ચીન અને જાપાનનું નામ આવે એટલે વિશ્વસનીયતા બંધાઈ જાય છે.

આવી પ્રોડકટનો ગ્રાહક તેના એલોપેથી ડોકટરને આ દવા જાણી જોઈને બતાવતો નથી કેમ કે તેને ડોકટરની ના સાંભળીને નિરાશ નથી થવું. તેને આશા સાથે જીવવું છે. બીજું, જ્યારે એલોપેથીથી નિરાશ થયો હોય ત્યારે જ દર્દી આવા પ્રયોગ તરફ આકર્ષાય છે.

તબીબી જગત તે રીતે ચેતવે છે કે ‘આવી સોશિયલ મીડિયા પ્રોડક્ટ ખરીદીને તમે કેટલાક રૂપિયા ખર્ચીને છેતરાઈ જતા હો તે હાનીકારક નથી પણ આવી દવા, માલિશ કે પ્રયોગ ગંભીર અને અન્ય ઉપાધિ લાવે છે. લાંબા સેવનથી આડઅસર જીવલેણ પણ બને છે. આવી દવામાં ખૂબ ઝીણા અક્ષરોથી લખેલું હોય છે કે ‘તમારા ડોક્ટરને પૂછીને માત્રા લેશો’ કે પછી 

‘ઉપયોગ કરનાર તેની જવાબદારીથી આ સેવન કરે છે.’

કોર્ટમાં લઈ જ ન જઈ શકો તેવી સીફતતાથી આ લેભાગુ કંપનીઓ ધંધો કરે છે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જ નહીં હવે તો વેબસાઈટ કે પોર્ટલમાં બોટમ પાર્ટમાં  ક્રિકેટ, ફિલ્મ કે રાજકારણની દુનિયાનું કોઈ સનસની કે ભારે કુતુહલ જગાવતું હેડિંગ જોવા મળે અને તેને સર્ફ કરતા બે ત્રણ લાઈનમાં સમાચાર હોય તે પછી આવી પ્રોડક્ટની જાહેરાતો અને વિડિયો જ મુકાયેલા હોય છે.

વૈકલ્પિક દવા અને ઉપચારનું એલોપેથી જેટલું જ સમાંતર બજાર છે. આયુર્વેદિક દવાના દાવા સામે એક જાણીતી કંપનીને સુપ્રીમ કોર્ટે આડે હાથ લીધી હતી. વૈકલ્પિક સાચી ખોટી દવાના બજારનો વ્યાપ વધ્યો છે તેનું એક કારણ એ પણ છે કે એલોપેથી તબીબો સામે પણ નાગરિકોની અવિશ્વસનીયતા જોઈ શકાય છે. નાગરિકને એવી શંકા ઘર કરી ગઈ છે કે મારે મોંઘી સર્જરી કરવાની ખરેખર જરૂર નથી પણ તબીબો તેમની કોર્પોરેટ હોસ્પિટલના ખર્ચ અને લખલૂટ કમાણી માટે ગમે તે હદે જઈ શકે છે. બીજી શંકા એવી રીતે પ્રબળ બનતી જાય છે કે મારી તકલીફ ખરેખર આટલા બધા ટેસ્ટ, આટલી લાંબા સમયની દવા કે હોસ્પિટલની અનિવાર્યતા જેવી છે જ નહીં  તેના કરતાં વૈકલ્પિક દવા શું ખોટી. ખરેખર વૈકલ્પિક દવાની કંપની કહે છે તેમ મારે સર્જરીની જરૂર જ નથી.

જો કે તમામ કિસ્સામાં એલોપેથી ડોકટર પર પણ અવિશ્વાસ મૂકવાની  જરૂર નથી. ઘણી વખત સર્જરી કે સારવારને અવગણી અન્ય વિકલ્પ અપનાવવાથી ગંભીર પરિણામ આવી શકે છે. કેટલાક તો બંને ઉપચાર પધ્ધતિ અને દવા સાથે લે છે તે તો ઘણું જ ભયજનક કહી શકાય.

બીજો એક વર્ગ પૂર્ણ સમય વોટ્સ એપ પર તેમના મિત્રો અને ગ્રુપમાં તમામ પ્રકારની  દવા, ઉપચાર, થેરેપી ફોરવર્ડ કરનારો છે. જાપાન અને ચીનમાં આવા ખોટા ધંધાની જે વાયરલ વિડિયો હોય તે ભારતમાં ફરતી હોય છે.

જે રીતે ટીવી ચેનલ્સ અને ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર સેક્સી દ્રર્શ્યો પર કાપ મૂકતું સેન્સર બોર્ડ છે તેમ સોશિયલ મીડિયા પર જે ‘ફ્રોડ’ જાહેરાતો આવે છે તેના પર નિયમન કે તેઓના દાવાની ખરાઈ કરવા માટેનું એક બોર્ડ આરોગ્ય વિભાગે નિયુક્ત કરવું જોઈએ.સામન્થા આ મહત્વની સમસ્યા અંગે ચિંતન થાય  તે માટે નિમિત્ત બની તે રીતે તેનો આભાર માનવો રહ્યો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *