બ્રિજ તૂટે તેનું પણ ઈન્કમટેક્સ રિફંડ આપો

સ્માઇલ ઇન્ડેક્સ – વ્યર્થશાસ્ત્રી એરપોર્ટમાં પાણી ટપકે, રસ્તાઓ પર ભૂવા પડે તેનું ટેક્સમાં વળતર વાળી અપાવું જોઈએ નાણા ખાતામાં બજેટની ધમાધમ ચાલતી હતી. 

મોટા અધિકારી કહે, ‘બજેટ માટે રજૂઆતો-સૂચનો મળ્યાં હોય એ લાવો તો.’

એક જુનિયર આંખો ફાડીને જોઈ રહ્યા. ‘સર? આપણે અને રજૂઆતો-સૂચનો? આપણે તો સરકાર છીએ. આપણે નિર્ણયો લાદવાના હોય. સૂચનો થોડાં સ્વીકારવાના હોય?’મોટા અધિકારી છંછેડાયા. ‘અરે ભાઈ, ડહાપણ ન કરો. દસ વર્ષ જૂનાં એ બધાં નીતિ-નિયમો જો આ વખતે ૪૦૦ પાર બેઠકો આવી હોત તો ચાલુ રાખવાના હતા. પણ હવે તો રજૂઆતો, સૂચનો , વાંધા બધું ધ્યાને લેવામાં આવશે.’જુનિયર અધિકારી માથું ખંજવાળવા લાગ્યા. ‘સર, એકચ્યુઅલી અત્યાર સુધી આપણા તમામ વાંધા, સૂચનો કે રજૂઆતો ડાબા હાથે ક્યાંક ન મળે તે રીતે મૂકી દેતા હતા. તેથી હવે એ બધી ફાઈલો તો શોધવી મુશ્કેલ છે. તમે કહો તો સોશિયલ મીડિયા પર લોકોની  ટિપ્પણીઓ કે મેસેજીસ પરથી કોઈ સૂચનો તારવીએ.’મોટા અધિકારી ટેબલ પર હાથ પછાડતાં કહે, ‘અરે , ગમે ત્યાંથી સૂચનો-રજૂઆતો લઈ આવો. જરૂર પડે સાથી પક્ષોનો પણ કોન્ટેક્ટ કરો. એમ લાગવું જોઈએ કે આ બજેટ  લોકોની માગણીઓનું પ્રતિબિંબ  પાડી રહ્યું છે.’થોડી વાર ગાયબ થયેલા  જુનિયર અધિકારી પાછા પ્રગટ થયા. ‘સર, થોડાં સૂચનો મળ્યાં છે. ખાસ કરીને ઈન્કમટેક્સ અંગે બહુ સૂચનો આવ્યાં છે.’

મોટા અધિકારી માથું ધુણાવતાં કહે, ‘મને ખબર જ હતી કે આ વખતે લોકો બહુ રાહતો માગવાના છે. જોઈએ કે  કેટલાકને પહોંચી વળાય તેમ છેે.’જુનિયર કહે, ‘સર, આ તો લોકો રિફંડ વિશે સૂચનો આપી રહ્યા છે. એક સૂચન એવું છે કે અમારો વધારાનો ટેક્સ કપાયો હોય તો તેનું રિફંડ મળે છે એ બરાબર, પણ અમે ઓલરેડી જે ટેક્સ ભરી દીધો હોય તેનો વપરાશ બરાબર ન થયો હોય તો તેના રિફંડની પણ જોગવાઈ કરો.”એટલે?’ મોટા અધિકારીનાં ભવાં ઊંચાં થયાં. ‘એટલે સર, એવાં સૂચનો મળ્યાં છે કે ક્યાંક બ્રિજ તૂટી પડે, નવું નવું ઉદ્ધઘાટન થયું હોય તે રોડમાં ભૂવા પડે કે ખાડા પડે, એરપોર્ટની છાજલી તૂટી પડે, ગમે ત્યારે લાઈટો ખોરવાઈ જાય, ટ્રેનો મોડી પડે, ટ્રેનોની સિગ્નલ સિસ્ટમ ફેઈલ થઈ જાય, સરકારી હોસ્પિટલમાં ખાટલો કે એક્સ રે મશીન કે પાટાપિંડી કે દવાઓ પણ ન હોવાના અનુભવો થાય, સરકારી કોલેજમાં સસ્તી ફીમાં એડમિશન ન મળે વગેરે જેવા સંજોગોમાં દરેક નાગરિકના ખાતામાં  ઈન્કમટેક્સનાં નાણાં યોગ્ય  રીતે નહીં વાપરી શકવાનું રિફંડ પણ જમા થવું જોઈએ.’

મોટા અધિકારી હસવા લાગ્યા. જુનિયર અધિકારી મોઢું વકાસીને જોવા લાગ્યા.મોટા અધિકારી હસતાં હસતાં કહે, ‘આ સૂચન આપનારા ભાઈને શોધી કાઢો અને જવાબ મોકલાવો કે તમે જે ઈન્કમટેક્સ ભરો છો તેમાંથી કોઈ આંતરમાળખાકીય પ્રોજેક્ટ કે બીજી સુવિધાનાં કામો બરાબર થાય કે ન થાય, પરંતુ તેનાં ઉદ્ઘાટન અન ેલોકાર્પણ સમારંભો તો એકદમ ભવ્યાતિભવ્ય થાય જ છે ને. એમાં ટેક્સ પૂરેપૂરો વસૂલ છે. એટલે રિફંડ આપવું શક્ય નથી.’સાહેબ હસે એટલે જુનિયરે પણ હસવાનો વિવેક દાખવવો જોઈએ તેવી પાકી સમજ છતાં જુનિયર અધિકારી બિચારા ન હસી શક્યા તે ન જ હસી શક્યા. સ્માઈલ ટિપ રે તે ભરે એ તો બાળવાર્તાની કહેવત છે. વ્યવહારની કહેવત છે, કર ભરે તે લાગતાવળગતાની તિજોરી ભરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *