યૌવનની સમસ્યા યૌવનપિડિકા

આરોગ્ય સંજીવની

સુંદર ચહેરો એ વ્યક્તિની ખૂબસુરતી એ તેનાં વ્યક્તિત્વ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. આ સૌંદર્યને હણી નાખનાર અને સુંદરતામાં અવરોધક બનતાં ખીલ એ યુવાનીમાં ખૂબ મોટી બાધા યુવાનો માટે બને છે. યુવાવસ્થા એ માનવજીવનનાં ખૂબ શ્રેષ્ઠ તબક્કો છે અને આ અવસ્થામાં જ આવા બાધક ખીલ સમસ્યારૂપે જોવા મળે છે. જેથી તેને ‘યૌવનપિડિકા’ના નામે પણ ઓળખવામાં આવે છે. ખીલની ગાંઠ થવી, કાળાં ડાઘાં પડી જવાં, ક્યારેક ખાડા પણ પડી જવાં, વગેરે તકલીફો શરૂ થાય છે.

આધુનિક સમયમાં દોડધામભરી જિંદગી, તનાવમય વાતાવરણ, ભરપુર તેલ મસાલાવાળું ખાવાના શોખીન યુવાવર્ગને વાતાવરણ અને ઉંમરની અસર તથા હોર્મોન્સનો ફેરફારો ને કારણે આ સમસ્યા ખૂબ સતાવતી હોય છે. યુવાવસ્થામાં કે કિશોરાવસ્થામાં અંત:સ્ત્રાવોનું ઉત્પાદન વધે છે. હોર્મોન્સમાં અનેક ફેરફાર થાય છે અને જેના લીધે ત્વચાના તૈલીયકોષોની પ્રક્રિયા વધી જાય છે. આયુર્વેદમાં ખીલ થવાનાં મુખ્ય કારણમાં કફ, વાયુ ્ને લોહીનાં બગાડને મુખ્ય માનેલ છે. આપણા શરીરની ત્વચામાં મેદપિંડો રહેલા છે. જે મોંની ત્વચામાં વધારે હોય છે. અને વધેલું પિત્ત લોહીને બગાડે છે. આ દૂષિત લોહી કફ સાથે ભળીને મોંના મેદપિંડોને પૂરી દે છે. અને ખીલની ઉત્પત્તિ થાય છે. ખીલ મોટે ભાગે મોં, ક્યારેક છાતીની વચ્ચે, ક્યારેક પીઠ, ખભા કે ગળા ઉપર પણ થાય છે. આયુર્વેદમાં ખીલના વાતજ-પિત્તજ-કફજ-રક્તજ એમ ચાર પ્રકાર બતાવેલા છે.

હોર્મોન્સનાં ફેરફાર ઉપરાંત પેટ બરાબર સાફ ન થવુ, કબજીયાત હોવી, અસંતુલિત આહાર, વધારે પડતાં તીખાં-તળેલા, અથાણાં, લીલા મરચાનો ઉપયોગ, ઉજાગરા, અપૂરતું પોષણ, અનુચિત સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ યુવાવસ્થામાં થતાં હોર્મોનલ ફેરફાર વગેરે કારણોથી ખીલ થતાં હોય છે. અને આમ આવા સમયે ચહેરાને ખીલથી બચાવવા તાત્કાલીક ઉપચાર શરૂ કરી દેવો જોઇએ, નહિંતર કેટલીક વાર ખીલના ડાઘ પૂરી જીંદગી સુધી પણ રહી જતા જોયા છે.

સારવાર :

(૧) જેમને કબજિયાતની સમસ્યા હોય તેમણે ત્રિફળા ચૂર્ણ રોજ રાત્રે ૧ ચમચી ગરમ પાણી સાથે લેવું જોઇએ. ત્રિફળા સેવનથી ત્રણેય દોષ સમાન અવસ્થામાં રહેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને જેથી વિરુધ્ધ આહાર-વિહાર કદાચિત થઇ જાય તો પણ તે નડતરરૂપ થતો નથી.

 (૨) ત્રિફળા ગુગળ નામની ગોળી ખીલ પર સારું પરિણામ આપે છે અને પરુ સામે રક્ષણ આપે છે. જેથી બે ગોળી બે વખત પાણી સાથે ભૂકો કરીને લેવી.

(૩) ત્વચાની સ્વચ્છતા માટે વારંવાર લીમડાનાં પાણીથી મોઢું સાફ કરતાં રહેવું.

(૪) ગંધક રસાયણ, કૈસોર ગુગલ, આરોગ્યવર્ધીની વટી વગેરેનું સેવન પણ વૈદ્યની સલાહ અનુસાર કરી શકાય છે.

(૫) આહાર હંમેશા પૌષ્ટિક જ લેવો. જંકફૂડ, અથાણાં, લસણ, લીલા મરચાં, તીખુ-તળેલું વગેરે બંધ કરવું.

(૬) મેંદાની વસ્તુઓ ન ખાવી.

અપૂરતી ઊંઘ, ઉજાગરા, દિવસની ઊંઘનો ત્યાગ કરવો. ઘણી વખત માથામાં ખોડો હોય તો ખોડાનાં કારણે પણ ખીલ થતાં હોય છે. તો પહેલા ખોડાને દૂર કરી ખીલનો ઇલાજ કરવો. ખીલની સમસ્યા માત્ર કિશોરીઓની જ છે એવું નથી. કિશોરોને પણ આ સમસ્યા હોઈ શકે છે અને આ સમસ્યાને જડમૂળમાંથી મટાડતાં વાર લાગે છે. જેથી ધીરજપૂર્વક ઉપચાર ચાલુ રાખવાથી આ સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.

આ ઉપરાંત નીચેનાં પ્રયોગોથી પણ ખીલ માટે ઉપચાર કરી શકાય છે. જેમાં,

(૧) શિમળાંનાં કાંટાને દૂધમાં વાટી ને મુખ પર લગાવવાથી ખીલના ડાઘા દૂર  થાય છે. આ પ્રયોગ ઓછામાં ઓછા ત્રણ દિવસ કરવો.

(૨) દૂધમાં મસૂર વાટીને તેમાંથી મેળવીને સાત દિવસ સુધી લેપ કરવાથી ચહેરો કમળનાં પાનની જેમ સુંદર અને કોમળ બને છે.

(૩) અર્જુનની સૂકી છાલ અથવા મજીઠમાં મધ મીક્સ કરી મોઢા ઉપર લગાવવાથી ચહેરાનાં ખીલ તથા ડાઘા દૂર થાય છે.

(૪) રક્તચંદન, લોધ્ર, હળદર અને ગુલાબજળ આ ચારેયને સમભાગે લઇ લેપ લગાવવો. પંદર મિનિટ સુધી રહેવા દઇને હુંફાળા પાણીથી મોં ધોઈ લેવું.

ઉપરોક્ત આયુર્વેદીક પ્રયોગોથી યુવાનોનો યૌવનપિડિકાથી અવશ્ય મુક્તિ મળશે તો વાતમાં શંકા ને સ્થાન નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *