ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
જીગર મુરારદાબાદીની ક્ષમા સાથે, તેમના શબ્દો સાથે છેડછાડ કરીને, આગ સાથે વિજ્ઞાન જગતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. કલ્પના કરો કે જ્યારે પૃથ્વી ઉપર જીવન વિકાસ થયો ન હતો, બાહ્યાવકાશમાંથી ઉલ્કાપિંડ આવીને પૃથ્વીની સપાટી ઉપર આવીને ટકરાઈ રહ્યા હતા. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ ઉલ્કાપિંડ, આગનો ગોળો બની જતા હતા. કદાચ પૃથ્વીએ જોયેલી પ્રથમ આગનો પ્રસંગ, ઉલ્કાપિંડનો પૃથ્વી વાતાવરણમાં પ્રવેશ હોવો જોઈએ. ધીરે ધીરે પૃથ્વી ઠંડી પડતી ગઈ, મહાસાગર રચાવા લાગ્યા. પાણીની વરાળના વાદળ બંધાવા લાગ્યા. હવે એક વિશાળ તોફાન ફેલાવાનું શરૂ થયું. વીજળી ચમકવા લાગી. વાદળ ગરજવા લાગ્યા. પૃથ્વીને સ્પર્શવા, આકાશમાંની વીજળી ધડાકાભેર આવી પહોંચતી. જંગલોનો વિકાસ થઈ ચૂક્યો હતો. સજીવ સૃષ્ટિ નિર્માણ પામી ચૂકી છે. સજીવ માટે આગના ગોળા અને વીજળીના દર્શન સામાન્ય બની ગયા છે. એક કરોડ ૪૦ લાખ વર્ષ પહેલા, પૃથ્વીનાં કહેવાતા હોશિયાર આદિમાનવે જોયું કે ‘આકાશની આગ માત્ર પ્રદર્શન માટે નથી. આગ પાસેથી કંઈક શીખી શકાય છે.’ ધીરે ધીરે આપણા પૂર્વજો આગ સાથે કઈ રીતે ખેલ કરવો, એ શીખી ગયા. આગ પ્રગટાવવી હવે તેમના માટે સરળ પ્રક્રિયા બની ગઈ. તેઓ આગનો ઉપયોગ શિકાર દ્વારા મેળવેલ, માંસ પકાવવામાં કરવા લાગ્યા. આ ક્ષણથી આગ મનુષ્ય માટે સામાન્ય જિંદગીનો એક ભાગ બની ગઈ. પરંતુ નિયંત્રણમાં રાખેલી આગ, જ્યારે અનિયંત્રિત થવા લાગી, ત્યારે મનુષ્ય માટે આફત અને દુર્ઘટનાની શરૂઆત થઈ. વિજ્ઞાન જગતને આગ દ્વારા, જેટલો ફાયદો થયો છે, તેના કરતાં નુકસાન ઓછું થયું છે. અગ્નિદેવે વિજ્ઞાન જગત અને વિજ્ઞાનીઓ સાથે, ભૂતકાળમાં કેવી રમત કરી હતી?
આદિમાનવ અને અગન જ્વાળાઓ
મનુષ્ય પાસે કેરોસીનથી ચાલતા સ્ટવ, ગેસના ચૂલા,માઇક્રોવેવ ઓવન કે અન્ય સાધન ન હતા. આ સમયે તેણે ચમત્કારી શોધ કરી, જે માત્ર તણખા કે પ્રકાશ આપતી ન હતી. ગરમી અને અગન જવાળાઓ પણ આપતી હતી. અચાનક મનુષ્યએ તેનો ઉપયોગ કરીને ગભરાયા વગર, ખોરાકને રાંધવાની શરૂઆત કરી દીધી. ખોરાક હવે પહેલા કરતા વધારે સ્વાદિષ્ટ લાગતો હતો. અહીં એક નાનો ચમત્કાર થયો. જેને માનવીને મેઘાવી માનવીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરી. મનુષ્ય આગ ઉપર જે ખોરાક રાંધતો હતો, એ માત્ર સ્વાદિષ્ટ ભોજન ન હતું. ભોજન ખોરાકને સુપાચ્ય બનાવીને મગજ માટે જાણે કે વિટામિન પુરા પાડતો હતો. રાંધેલો ખોરાક, મનુષ્યને વધારે ઉર્જા આપી રહ્યો હતો. હવે મનુષ્યનું મગજ, ઝડપથી વિશાળ થવા લાગ્યું. મગજનું કદ વધવાની સાથે સાથે, તેની બૌદ્ધિક ક્ષમતામાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો. મનુષ્ય સરળ અને સ્પષ્ટ વિચારતો થયો. જીવનના વિવિધ તબક્કાને નિયંત્રિત કરવા માટે, તેના વિચાર હવે, એક પ્રકારની જીવનશૈલી બનવા લાગ્યા હતા. આ બધા પાછળ અગ્નિ અને આગનું બલિદાન હતું. મગજના વિકાસ સાથે, પથ્થરોમાંથી ઓજાર બનાવવાના, ગુફાઓમાં ચિત્રો બનાવવાના, અને ચિત્રો દ્વારા શિકાર કથાનું આલેખન કરતા તે શીખી ગયો. ગરમીની મોસમમાં, પહેલીવાર આદિમાનવે જંગલમાં પેદા થતો દાવાનળ જોયો. જિંદગીમાં પ્રથમવાર આગનું વરવું સ્વરૂપ એની નજર સામે આવી ગયું. આદિમાનવ સમજી ગયો જેને તે મિત્ર માનતો હતો,તે ક્યારેય દુશ્મન બનીને, આફત અને દુર્ઘટના પણ પેદા કરતો હતો. જોકે ગુફામાં વસનાર માનવી, આગના કારણે ગુફા બહાર આવી ગયો હતો. શિયાળામાં લાકડાનું મોટું તાપણુ કરી, વિશાળ શીલા ઉપર સુઈને, તે આકાશને આરામથી જોઈ શકતો હતો. અગ્નિ તેને ગરમાવો અને પ્રકાશ આપી રહ્યા હતા. ઠંડી તેનાથી દૂર ભાગી રહી હતી. મનુષ્ય આગની મશાલ બનાવી, રાત્રે પણ પ્રવાસ કરતા શીખ્યો. આદિમાનવ દિવસની ગરમીની પરવા કર્યા વગર લાંબા અંતર સુધી, રાતે એક સ્થળેથી બીજા સ્થળે, ખોરાકની શોધ માટે ભટકી શકતો હતો.
અગ્નિ અને વિસ્ફોટ : એક જ સિક્કાની બે બાજુ
અગ્નિ અને વિસ્ફોટ એક સાથે જોડાયેલા હોય તેવું છે. વિસ્ફોટ સાથે આગ લાગે છે. પરંતુ આગ હોય ત્યાં વિસ્ફોટ થાય તેવું જરૂરી નથી. લાખોનું નુકસાન કરાવનાર અગન જ્વાળાઓ, અનેક મેઘાવી માનવીના મોતનું કારણ પણ બને છે. વિસ્ફોટમાં સૌથી વધુ અવકાશયાત્રી અમેરિકાએ ગુમાવ્યા છે. ૧૯૬૭માં ચંદ્ર ઉપર જવાના પ્રથમ અભિયાનના પ્રથમ તબક્કામાં જ, એપોલો-૧ સ્પેસ ક્રાફ્ટના કમ્પાર્ટમેન્ટમાં લાગેલી આગના કારણે ત્રણ અંતરિક્ષયાત્રી, ગુસ ગ્રિસોમ,એડવર્ડ વ્હાઇટ અને રોજર ચાફીએ મૃત્યુ સાથે અપ્રિય મુલાકાત કરી હતી. ૧૯૬૭માંજ સોવિયત યુનિયનનું સોયુજ-૧ અવકાશયાન, પૃથ્વી પર પરત આવી રહ્યું હતું ત્યારે, ટેકનિકલ ખામીના કારણે પૃથ્વી સાથે ટકરાયું હતું જેમાં અવકાશયાત્રી વ્લાદિમીર કોમરોવનું મૃત્યુ થયું હતું. ૧૯૮૬માં સ્પેસ શટલ ચેલેન્જર લિફ્ટઓફના થોડા સમય પછી, ઘન રોકેટ બૂસ્ટરની ઓ-રિંગ સીલની નિષ્ફળતાને કારણે,અગ્નિ અને વિસ્ફોટ સાથે તૂટી ગયું હતું. ક્રૂના તમામ સાત સભ્યો અવકાશમાં જાય તે પહેલા જ ખોવાઈ ગયા હતા. જેમાં બે મહિલા અને પાંચ પુરુષનો સમાવેશ થતો હતો. ૨૦૨૨માં શછજીછએ તૈયાર કરેલ અસ્ત્ર નામનું નવું રોકેટ પરીક્ષણ ઉડ્ડયનમાં જ તૂટી પડયું હતું. જો કે લોન્ચિંગ દરમિયાન વિસ્ફોટ સાથે કે આગ સાથે રોકેટનું તૂટી પડવું, એક સામાન્ય ઘટના બની ગઈ છે. એમાં જ્યારે જાનહાની થાય ત્યારે, આવી ઘટનાઓ ચર્ચાસ્પદ બનતી હોય છે. એક સમયે સોવિયત યુનિયન, ચદ્ર ઉપર સૌ પ્રથમ પહોંચવાની રેસમાં તૈયારી કરી રહ્યું હતું. ચદ્ર ઉપર પહોંચવા માટે વિશાળ રોકેટનું પૂરતી ચકાસણી વગર, લોન્ચિંગ કરવાનું નક્કી કર્યું હતું. રોકેટ લોન્ચ થાય તે પહેલા જ, તેમાં ભરેલા પ્રવાહી બળતણમાં વિસ્ફોટ થતા, સમગ્ર લોન્ચિંગ પેડ નાશ પામ્યું હતું. જેમાં અંદાજે ૨૦૦ કરતાં વધારે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. અંતરીક્ષ વિજ્ઞાનની સૌથી મોટી વિનાશક ઘટના ગણાય છે. જેમાં અગ્નિ, વિસ્ફોટ અને મનુષ્યના જીવન એક જ ઝાટકે ખોવાઈ ગયા હતા.
યુદ્ધની આગ : યેહ ખેલ નહિ આસાન.
૬૭૨ એ.ડી.માં, કોન્સ્ટેન્ટિનોપલ શહેરને કબજે કરવા માટેના આરબ યોદ્ધાઓએ, વહાણોમાં આવીને, કોન્સ્ટેન્ટિનોપલ શહેરની ઘેરાબંધી શરૂ કરી, ત્યારે રોમન જહાજોએ, આરબોના વહાણો ઉપર જ્વલનશીલ, પ્રવાહી ફેકી આગ લગાડી. આરબમાં કાફલામાં ભાગદોડ મચી ગઈ. રોમનોએ કોન્સ્ટેન્ટિનોપલને બચાવી લીધું હતું. ધાર્મિક જેહાદમાં મુસ્લિમ આક્રમણખોર સામે યુદ્ધમાં હવે નેપ્થા ધરાવતાં બેરલને (પેટ્રોલ, કોલસો અને કુદરતી ગેસ ડેરિવેટિવ્ઝ માટેનો સામાન્ય શબ્દ) આગ લગાડી, કેટપલ્ટથી (જેને આપણે ગીલોલ તરીકે ઓળખીએ છીએ) દુશ્મન ઉપર ફેંકવાની શરૂઆત થઈ ચૂકી હતી. પ્રથમ વિશ્વયુદ્ધમાં આધુનિક ઉશ્કેરણીજનક શસ્ત્રોની શરૂઆત થર્માઈટથી થઈ હતી, જેનો સૌ પ્રથમ ઉપયોગ જર્મનોએ પ્રથમ વિશ્વયુદ્ધમાં કર્યો હતો. પ્રારંભિક હવાઈ હુમલાઓમાં જર્મન ઝેપેલિન્સ દ્વારા, બ્રિટિશ શહેરો પર થર્માઈટ બોમ્બ ફેકવામાં આવ્યા હતા. એલ્યુમિનિયમ અને ફેરિક ઓક્સાઇડનું મિશ્રણ, જે રસ્ટ તરીકે વધુ જાણીતું હતું, તેના દ્વારા વિસ્ફોટક પદાર્થ થર્માઈટ તૈયાર કરવામાં આવતો. બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ શરૂઆત નેપામ બોમ્બથી કરી, અને બીજા વિશ્વયુદ્ધનો અંત જાપાન ઉપર પરમાણુ બોમ્બ ફેંકીને લાવી દીધો. વિશ્વયુદ્ધમાં બસ અગ્નિદેવ એ પોતાનું સ્વરૂપ બદલ્યું હતું. સ્વભાવ તો એ જ હતો. આજે વિજ્ઞાનીઓ પ્રયોગશાળામાં, ટચુકડા સૂર્યનું સર્જન કરવા જઈ રહ્યા છે. ભવિષ્યમાં મનુષ્ય, પૃથ્વી ઉપર સૂર્યદેવનું સર્જન ક્યારે કરશે? તેનો જવાબ શોધવા માટે, આપણે તેની ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ.૨૦૨૧માં વિશ્વયુદ્ધમાં આગનો પ્રયોગ કરનાર, જર્મનીના વિએના એક શહેરમાં આવેલ યુનિવર્સિટી ઓફ વિએનાની લેબોરેટરીમાં, ભયંકર આગ લાગી હતી. જેમાં એક કરોડ ૪૦ લાખ યુરોનું નુકસાન થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ચાર્જિંગ માટે ચાલુ રાખવામાં આવેલ, લેપટોપમાં બેટરી ફાટતા આગ લાગી હતી. સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું એ વાત સાચી પરંતુ, સંશોધકોએ કરેલ મહિનાઓની મહેનત બાદલ કઈ હતી. પ્રયોગશાળાને ફરી શરૂ કરવામાં, દસ મહિના જેટલો સમય લાગી ગયો.
આગના દરિયાને પાર કરતું મનુષ્યનું ઉત્ક્રાંતિચક્ર.
જોકે સૂર્ય જેવાં ઉગ્ર સ્વભાવનાં અગ્નિદેવે, પ્રયોગશાળાઓ બાળીને પોતાનો વ્યક્તિગત પરચો આપી દીધો છે. યુનિવર્સિટી ઓફ વિએનામાં લાગેલી આગ તેના માટે પ્રથમ દુર્ઘટના ન હતી. ૧૯૯૬માં પણ આ જ રીતે અહીં આગ લાગી હતી. ૧૯૧૪માં ન્યુ જર્સીમાં આવેલ વેસ્ટ ઓરેન્જ ખાતે થોમસ આલ્વા એડિસનના પ્લાન્ટમાં આગ લાગી હતી. જેના કારણે ૧૦ ઇમારત નાશ પામી હતી. આજના હિસાબે જોવા જઈએ તો, ૨.૩ કરોડ ડોલરનું નુકસાન થયું હતું. આગમાં એડીસનના અમૂલ્ય રેકોર્ડ્સ અને પ્રોટોટાઈપ મોડલ નાશ પામ્યા હતા. આમ છતાં દુર્ઘટના પાછળ જવાબદાર એક પણ માણસને એડિસને છૂટો કર્યો ન હતો. બીજા જ દિવસે તેણે પ્રયોગશાળાઓનું પુનઃનિર્માણનું કાર્ય શરૂ કરી દીધું હતું. ૨૦૧૮, બીજી સપ્ટેમ્બર રવિવારની રાત્રે, રિયો ડી જાનેરોની સ્કાયલાઇન પર ધુમાડો અને જ્વાળાઓનું એક વિશાળ નર્ક ઊભું થયેલ જોવા મળ્યું હતું. જેણે બ્રાઝિલના નેશનલ મ્યુઝિયમનો અચાનક મૃત્યુ ઘંટ વગાડી દીધો હતો. દક્ષિણ અમેરિકાના સાંસ્કૃતિક વારસાનો અમૂલ્ય ભંડાર ધરાવતી ૨૦૦ વર્ષ જૂની સંસ્થાના બે કરોડ, પ્રાચીન નમૂનાઓ આગમાં હોમાઈ ગયા હતા. મ્યુઝિયમને ફરી વાર સજીવન કરવામાં બે કરોડ ૪૦ લાખ ડોલરનો ખર્ચ થવાનો હતો. આગની યાદોની મોસમમાં, હિન્દુસ્તાનના પ્રાચીન વારસા અને વિરાસતનું ઉદાહરણ ગણાતી, તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠને બાળવાનું કૃત્ય કરનારને માફ કરી શકાય તેમ નથી. ૧૮૫૨માં વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાની, આલ્ફ્રેડ રસેલ વોલેસ, ઇંગ્લેન્ડ પાછા ફરી રહ્યા હતા. તેમનું જહાજ જ્યારે આટલાન્ટિસ મહાસાગરના મધ્ય ભાગમાં પહોંચ્યું ત્યારે, તેમાં આગ લાગી. વર્ષોની મહેનતથી એકઠા કરેલ લગભગ તમામ સંગ્રહ અને સ્પેસિમેન નાશ પામ્યા.આલ્ફ્રેડ રસેલ વોલેસે લખેલી મોટાભાગની ડાયરીઓ આગના દરિયામાં ખોવાઈ ગઈ. ૧૮૫૮માં તેમણે ચાર્લ્સ ડાર્વિન સાથે ઉત્ક્રાંતિના સિદ્ધાંતો સમજાવ્યા. વિજ્ઞાનની પ્રગતિમાં આગના દરિયા પાર કરીને પણ મનુષ્ય ઉત્ક્રાંતિચક્રને આગળ ધપાવી રહ્યો છે.