વર્લ્ડ એથ્લેટિક પેરા ચેમ્પિયનશિપમાં સોમવારે ભારતીય એથ્લેટ દીપ્તિ જીવનજીએ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. ભારતીય પેરા-એથ્લેટ દીપ્તિ જીવનજીએ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં મહિલાઓની T20 400 મીટર ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સોમવારે તેના શાનદાર પ્રદર્શને પ્રતિષ્ઠિત ઈવેન્ટમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યાની સાથે જ 55.07 સેકન્ડનો નવો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

લોકોએ દીપ્તિને અનાથાશ્રમમાં મૂકી આવવાની સલાહ આપી હતી

દીપ્તિ પરિવારનું પ્રથમ સંતાન હતી. જ્યારે તેનો જન્મ થયો ત્યારે માતા-પિતાને ખબર પડી કે તે બૌદ્ધિકરીતે અક્ષમ છે. જન્મ સમયે, દીપ્તિનું માથું ખૂબ નાનું હતું અને તેના હોઠ અને નાક અસામાન્ય હતા. આથી દીપ્તિના માતા-પિતાને લોકોએ દીપ્તિને અનાથાશ્રમમાં મોકલી દેવાની સલાહ પણ આપી હતી. પરતું દીપ્તિના પિતાએ એવું ન કર્યું. 

દીપ્તિના પિતાની રોજની આવક માત્ર રૂ.100 થી 150

વારંગલ (તેલંગાણા) જિલ્લાના રહેવાસી દીપ્તિનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. દીપ્તિના દાદાના અવસાન બાદ પરિવારને જમીન વેચવી પડી હતી. આથી તેના પિતાની રોજની આવક માત્ર રૂ.100 થી 150 હતી. આથી દીપ્તિના માતા અને બહેન પણ પરિવાર ચલાવવા માટે કામ કરતા હતા. 

ગોપીચંદની મહત્ત્વની ભૂમિકા 

દીપ્તિના કોચ એન રમેશના કહેવા પ્રમાણે, ગામના લોકો તેને ટોણા મારતા હતા કે તે બૌદ્ધિકરીતે અક્ષમ હોવાને કારણે તેના લગ્ન નહીં થાય, પરંતુ હાંગઝોઉ એશિયાડમાં ગોલ્ડ જીત્યા બાદ તેનું જીવન બદલાઈ ગયું છે. એક PT ટીચર ગોપીચંદ દ્વારા સૌપ્રથમ સ્કૂલ મીટીંગમાં દીપ્તિની પ્રતિભાને ઓળખી હતી. તેણે ટીચરને કહ્યું કે દીપ્તિને તેની પાસે સિકંદરાબાદ મોકલો. તેમને કહેવામાં આવ્યું કે દીપ્તિ પાસે બસનું ભાડું ચૂકવવા માટે પૈસા નથી. તેણે કંડક્ટર સાથે વાત કરી અને દીપ્તિને હૈદરાબાદ બોલાવી અને બાદમાં કંડક્ટરને બસનું ભાડું ચૂકવ્યું. ગોપીચંદની સંસ્થા દીપ્તિને સ્પોન્સર કરી રહી છે.ગોપીચંદના માઈટાહ ફાઉન્ડેશનની મદદથી દીપ્તિ ઇન્ટરનેશનલ લેવલ માટે તૈયાર થઈ હતી. દીપ્તિના કોચનું કહેવું છે કે દીપ્તિ ખૂબ જ શાંત રહે છે. થાક વિશે ક્યારેય ફરિયાદ કરતી નથી અને કોચ દરેક વાત માને છે.

By admin