અજયની ફિલ્મોનું દિલ્હીમાં શૂટિંગ ટૂંકાવાયું.

બોલીવૂડની સ્થિતિ હાલ ડામાડોળ છે અને છેલ્લા કેટલાક મહિનાઓમાં મોટાભાગની ફિલ્મો ફલોપ થઈ રહી હોવાથી નિર્માતાઓ પૈસા બચાવવાની ફિરાકમાં છે. આ કારણોસર આમિર ખાનની ‘સિતારે જમીન પર’ તથા અજય દેવગણની ‘રેઈડ ટૂ’ના નિર્માતાઓએ દિલ્હીનું શૂટિંગ ટૂંકાવી લખનઉની વાટ પકડી છે. 

દિલ્હીના ઐતિહાસિક સ્થળો  કૂતુબ મિનાર, લાલ કિલ્લા, લોધી ગાર્ડન વગેરે જગ્યાએ શૂટિંગ કરવું બહુ મોંઘું પડે છે. આ ઉપરાંત દિલ્હીમાં લોકલ ક્રૂ સપોર્ટ જેવા કે ટેકનિશિયનો, સાધન સામગ્રી વગેરે એરેન્જ કરવાનું બહુ મોંઘું પડે છે. 

તેની જગ્યાએ લખનઉમાં શૂટિંગ કરવાનું સસ્તું છે. જૂનાં દિલ્હી જેવો જ બેકડ્રોપ લખનઉમાં પણ મળી રહે છે. આમિર ખાન પોતે જ ‘સિતારે જમીન પર’નો નિર્માતા છે. તે પરફેક્શનની મોટી મોટી વાતો કરે છે. પરંતુ, પૈસા બચાવવાની વાત આવતાં તેણે પણ  દિલ્હીના નામે લખનઉ દેખાડી દેવાનો કિમિયો અજમાવ્યો છે. અજય દેવગણની ‘મૈદાન’ ભારે ફલોપ ગયા પછી તેના નિર્માતા પણ અત્યારથી ફિલ્મનું બજેટ કાપવાની વેતરણમાં છે. આથી ‘રેઈડ ટૂ’નું શૂટિંગ મોંઘાદાટ દિલ્હીને બદલે પ્રમાણમાં સસ્તાં લખનઉમાં થઈ રહ્યું છે.