નકલી નોટો બનાવનાર મેડિકલનો સ્ટુડન્ટ અને કોમ્પ્યુટર સંચાલક હોવાનો ખુલાસો
દેશના વિવિધ વિસ્તારોમાં 5 કરોડની નોટો વહેતી કરી હોવાની આરોપીઓની કબૂલાત
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અક્ષરધામ રેલવે સ્ટેશન પરથી 50 લાખ રૂપિયાની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાંચ વર્ષથી નકલી નોટોનો કારોબાર ચલાવી રહ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ પાંચ કરોડ રૂપિયાની નોટો માર્કેટમાં ફરતી કરી છે. આરોપીઓની ઓળખ આસિફ અલી, દાનિશ અલી અને સરતાજ ખાન તરીકે થઈ છે. આ તમામ ઉત્તર પ્રદેશના બદાયુના છે. આરોપીઓએ નકલી નોટો છાપવા એક સેટઅપ ઉભું કર્યું હોવાનો ખુલાસો થયો છે.
આરોપીએ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો
દિલ્હીની પોલીસની સ્પેશિયલ સેલને આસિફ નામનો યુવક નકલી નોટોના જથ્થા સાથે દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર આવવાનો હોવાની મળતા સેલે તુરંત મેટ્રો સ્ટેશન પર વૉચ ગોઠવી આસિફને ઝડપી લીધો હતો. આસિફે પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસો કર્યો, તેમ છતાં તે પકડાઈ ગયો. પોલીસે તેના સાથી દાનિશ અને સરતાજની પણ ધરપકડ કરી છે.
દેશના જુદા જુદા વિસ્તારમાં નકલી નોટો વહેતી કરી
પોલીસે આ મામલે આસિફના વાહનની તપાસ કરતા તેમાંથી 500-500ની 50 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી છે. તપાસમાં નકલી નોટો છાપવા બદાયૂમાં એક સેટઅપ પણ બનાવ્યું હોવાનો ખુલાસો થયો હતો. આરોપીઓ દેશના જુદા જુદા વિસ્તારોમાં જઈ આ નોટો નકલી નોટોના કારોબારીઓને વેચી દેતા હતા.
નકલી નોટો છાપવાનો સંપૂર્ણ સેટઅપ મળી આવ્યો
કોર્ટે ત્રણે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મજૂર કર્યા બાદ પોલીસ તેમને બદાયૂંમાં લઈ ગઈ હતી, જ્યાં નકલી નોટો છાપવાનો સંપૂર્ણ સેટઅપ મળી આવ્યો છે. પોલીસે સ્થળ પરથી લેપટૉપ, પ્રિન્ટ, સહી અને પેપર જપ્ત કર્યા છે. પૂછપરછમાં આરોપીઓએ 5 વર્ષમાં 5 કરોડની નકલી છાપી હોવાનો તેમજ તે નોટો જુદાં જુદાં વિસ્તારોમાં વહેતી કરી હોવાનો ખુલાસો કર્યો છે. હાલ પોલીસ નકલી નોટોના કારોબારનું નેટવર્ક ચાલતું હોવાના એંગલ પર તપાસ કરી રહી છે.
3 આરોપીઓમાંથી એક મેડિકલનો સ્ટુડન્ટ અને બીજો કોમ્પ્યુટર સંચાલક
ત્રણેય આરોપીઓમાંથી એક દાનિશ યૂનાની પદ્ધતિથી મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે ત્રીજો આરોપી સરતાજ કોમ્પ્યુટરનો જાણકાર છે અને તે પોતાના બદાયુ ગામમાં કોમ્પ્યુટર સેન્ટર પણ ચલાવી રહ્યો છે.