વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે 6 કલાકમાં અકસ્માતના બે બનાવ

વડોદરા નજીક હાઇવે પર છ કલાકના ગાળામાં અકસ્માતના બનેલા બે બનાવને પગલે વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવી પડી હતી.

વડોદરા નજીક અમદાવાદ સુરત હાઇવે પર ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે ગઈ મોડી રાતે એક  ડમ્પરની પાછળ પૂર ઝડપે આવતી ટ્રક ઘૂસી જતા ટ્રકનો ડ્રાઇવર ફસાયો હતો. જેથી ડ્રાઇવરને બચાવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડે પતરા કાપીને ડ્રાઇવરને બચાવ્યો હતો.

પરોઢિયે ચારેક વાગે ગોલ્ડન ચોકડી નજીક એક પીકઅપ વાનમાં આગ લાગવાનો બનાવ પણ બન્યો હતો. જેમાં 18 વર્ષનો ક્લીનર મૃગેશ લપેટાઈ જતા સળગી જવાથી તેનું મોત નીપજ્યુ હતું.

ઉપરોક્ત બંને બનાવને કારણે ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકોને ભારે અડચણ વેઠવી પડી હતી. પોલીસને સ્થિતિ સંભાળતા નાકે દમ આવી ગયો હતો.