“આયુષ્માન ભવ:” હેલ્થ મેળો

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા “આયુષ્માન ભવ:” કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ભાણવડ ખાતે સાપ્તાહિક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ મેળામાં મેડીકલ કોલેજ જામનગર તથા જનરલ હોસ્પિટલ ખંભાલીયાના મેડીસીન, ચામડી, માનસિક, ઓર્થોપેડિક, સ્ત્રી રોગ નિષ્ણાંત, ઈએનટી, આંખ વિભાગ અને દાંત વિભાગના નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ ૨૭૯ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં દર્દીઓની લેબોરેટરી તપાસ, એક્સરે, તથા જરૂરી તમામ સારવાર વિના મુલ્યે આપવામાં આવી હતી.  ૨૯ દર્દીઓને વધુ સારવારની જરૂરિયાત જણાતા જનરલ હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા હતા.


“આયુષ્માન ભવ:” કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામસભા યોજાઇ

“આયુષ્માન ભવ:” કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગામોમાં આરોગ્ય વિભાગ તથા અન્ય વિભાગો અને ગામ લોકોના સહયોગથી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રામસભામાં હાજર રહેલા લોકોને આરોગ્ય વિભાગની યોજનાઓ, આયુષ્યમાન કાર્ડ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા વધુ ને વધુ લોકો આભા આઈડી કઢાવે તે માટે સમજ આપી આયુષ્યમાન સાપ્તાહિક હેલ્થ મેળાઓનો લાભ લેવા લોકોને જણાવવામાં આવ્યું હતું. રસીકરણની સેવાઓ, કુટુંબ નિયોજનની પદ્ધતિઓ, વાહકજન્ય રોગચાળાઓ, મફત તબીબી સહાય, જનની સુરક્ષા યોજના જેવી આરોગ્યની વિવિધ યોજના વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ગ્રામ સભાઓમાં જિલ્લા અને તાલુકામાંથી આવેલા વિવિધ અધિકારીશ્રીઓ તથા ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરતા આશાબેન, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડીના બહેનો, શિક્ષકો હાજર રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ દ્વારકા જિલ્લામાં ગ્રામસભાઓમાં ગ્રામજનો આરોગ્યની વિવિધ યોજનાઓ વિષે લોકો માહિતગાર થાય અને વધુને વધુ લોકો આ યોજનાઓનો લાભ મેળવે તેમ અનુરોધ કર્યો છે.