અમેરિકી ફેડરલ રિઝર્વ (US Federal Reserve) ની બેઠકમાં ફરી એકવાર મોટો નિર્ણય લેવામાં આવતા વ્યાજદરોમાં વધારો કરાયો છે. જેની સાથે જ તે 22 વર્ષના ઓલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયા છે. FOMCની બેઠકમાં બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો કરાયો છે અને તે હવે 5.25-5.50ની રેન્જમાં આવી ગયો છે. 

12 બેઠકોમાંથી 11માં વ્યાજદર વધારવાનો લેવાયો નિર્ણય 

અગાઉ 2001માં ફેડના વ્યાજદર આ લેવલની નજીક આવ્યા હતા અને 2001 બાદથી તે હવે આ ઓલટાઈમ હાઈના લેવલ પર છે. અમેરિકી ફેડરલ રિઝર્વે દેશમાં વધતી મોંઘવારીનો સામનો કરવાનો નિર્ણય કર્યો છે.  આર્થિક બાબતોના જાણકારો પહેલાથી એવું માની રહ્યા હતા કે આ વખતે ફેડરલ રિઝર્વ ફરી એકવાર વ્યાજદરોમાં વધારો કરશે અને એવું જ થયું. ફેડરલ રિઝર્વની આ 12મી બેઠક હતી જેમાંથી કુલ 11 બેઠકોમાં બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ્સમાં વધારો જ કરાયો છે. ગત વર્ષે માર્ચ 2022 પછીથી યોજાયેલી 12 બેઠકોમાંથી 11માં યુએસ ફેડએ વ્યાજદરોમાં વધારો કર્યો છે. 

જૂનમાં યોજાયેલી બેઠકમાં જ સંકેત મળી ગયા હતા 

ગત વર્ષે જ અમેરિકી ફેડએ વ્યાજદરોમાં વધારાનો સિલસિલો શરૂ કર્યો હતો અને અહીં મોનિટરી પોલિસીને કડક કરવા માટે આવા નિર્ણય લેવાઈ રહ્યા છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) જે વ્યાજદરો નક્કી કરે છે તેણે જૂન 2023ની બેઠકમાં આ અંગે સંકેત આપી દીધા હતા અને તે સમયે રેટ્સમાં વધારો થયો નહોતો. 

ક્યાં સુધી વધારો થતો રહેશે વ્યાજદરોમાં? 

ફેડરલ રિઝર્વના પ્રમુખ ઝેરોમ પોવેલે બે દિવસની મીટિંગ સમાપ્ત થયા બાદ કહ્યું કે અમેરિકી ફેડરલ રિઝર્વ ત્યાં સુધી વ્યાજદરોમાં વધારો કરવાનું ચાલુ રાખશે જ્યાં સુધી અમેરિકામાં મોંઘવારીનો દર તેના પૂર્વ નિર્ધારિત 2 ટકાના લક્ષ્યની અંદર ન આવી જાય. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *