રાજકોટમાં ડ્રગ એડિક્ટમાંથી પેડલર બનેલી અમી દિલીપભાઈ ચોલેરા (ઉં.વ. 23, રહે. 11/12કરણપરા, રાજહંસ એપાર્ટમેન્ટ)ની આજે એસઓજીએ પીઆઈટી, એનડીપીએસ હેઠળ અટકાયત કરી અમદાવાદની સાબરમતી જેલહવાલે કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ અમીએ એક ક્રિકેટર સાથે લગ્ન કર્યા હતા. બાદમાં બન્ને ડ્રગ્સની લતે ચડી ગયા હતા. આખરે 2021ની સાલમાં ક્રિકેટરની માતાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી પોતાના પુત્ર અને પુત્રવધૂને ડ્રગ્સના રવાડે ચડાવી દેનાર પેડલરોના નામ પણ આપ્યા હતા. જે તે વખતે ક્રાઈમ બ્રાન્ચે આ બાબતે કાર્યવાહી કરી હતી.
એટલું જ નહીં, ક્રાઈમ બ્રાન્ચે તે વખતે અમી અને તેના ક્રિકેટર પતિ સામે ડ્રગ્સ લેવાનો કેસ કર્યો હતો. ભારે ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં અમીએ તે વખતે પોલીસ ઓફિસર બનવાની ઈચ્છા દર્શાવતા શહેરના ઉચ્ચ અધિકારીઓએ તેને આ માટેની તાલીમની વ્યવસ્થા કરી આપી હતી.
તે વખતે ખાસ્સો સમય અમીએ પોલીસ પાસેથી તાલીમ લીધી હતી. જો કે પોલીસનો પહેરો હટયા બાદ ફરીથી તે ડ્રગ્સના રવાડે ચડી ગઈ હતી. તેના છુટાછેડા પણ થઈ ગયા હતા. ડ્રગ્સની કુટેવ પોષવા માટે તે પેડલર પણ બની ગઈ હતી. આખરે ૨૦૨૩ની સાલમાં રેસકોર્સ મેદાનમાંથી એસઓજીએ તેને ૧૨ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધી હતી. આ ગુનામાં જેલમાં રહ્યા બાદ થોડા સમય પહેલા જ જામીન પર છુટી હતી. હવે તેની પીઆઈટી એનડીપીએસ હેઠળ અટકાયત કરવામાં આવી છે.
એસઓજીના સુત્રોએ જણાવ્યું કે જામીન પર છુટયા બાદ અમીએ ડ્રગ્સ છોડી દીધી હોવાનું કહી રહી છે. જે બાબતની તેનો ચહેરો જોતા પુષ્ટી પણ થઈ રહી છે. તેના માતા-પિતાએ એમ કહ્યું હતું કે જેલમાંથી છુટયા બાદ તેઓ અમીને એકલી કોઈ જગ્યાએ જવા દેતા નહીં. એટલું જ નહીં, તેને મોબાઈલનો ઉપયોગ કરવા ઉપર પણ મનાઈ ફરમાવી હતી.