છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં ચાર દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ જામી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર ઈસ્કોન, સેટેલાઈટ, બોપલ, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
એસજી હાઇવે ઉપર ભારે વરસાદના કારણે ઇસ્કોનબ્રિજ ઉપર ટ્રાફિકજામ સર્જાયો
અમદાવાદમાં છેલ્લા બે કલાકમાં પશ્ચિમ વિસ્તારમાં સાબેલાધાર વરસાદ પડી રહ્યો છે, પૂર્વ વિસ્તારને ઘમરોળ્યા બાદ પશ્ચિમ વિસ્તારમાં વરસાદે ધમધમાટી બોલાવતા શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયો હતો તો કેટલાક લોકોના વાહનો બંધ થઈ જવાના કારણે હેરાન થતા જોવા મળ્યા હતા. આ બાજુ અમદાવાદની શાન ગણાતાં એસજી હાઇવે ઉપર ભારે વરસાદના કારણે ઇસ્કોનબ્રિજ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો.
અમદાવાદનો થલતેજ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયો
આજે સવારથી ફરી મેઘરાજાએ બેટિંગ શરુ કરી છે જેમા અમદાવાદના સરખેજ હાઈવેના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો કેટલીક જગ્યા પર પાણી ભરવાના કારણે લોકો ફસાઈ ગયા હતા. અમદાવાદનો થલતેજ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયો, અને મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી જોવા મળી હતી.