રશિયામાં વેગનર સેનાના નિષ્ફળ બળવા પછી રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં યુધ્ધની રણનીતિમાં ધરખમ ફેરફાર લાવી રહયા છે. વેગનરના વડા યેવગીની પ્રિગોઝિનના સ્થાને ચેચન્યાના કાદિરોવ રમઝાનને મહત્વ આપી રહયા છે. વેગનરના બળવા સમયે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ચેચન કમાંડરે પોતાની સેના રોસ્તોવ મોકલીને પુતિન પ્રત્યેની વફાદારી નિભાવી હતી.
કાદિરોવ પુતિન પ્રત્યેની નિષ્ઠાને આગળ વધારવા માટે યુક્રેનમાં પણ વેગનરના વિકલ્પ તરીકે સૈન્ય મોકલવા તૈયાર હોવાનું જાણવા મળે છે. સોશિયલ મીડિયા પર ટિકટોક ફાઇટર તરીકે ઓળખાતી સેનાની યુક્રેનમાં ખરી કસોટી થવાની છે.રશિયાએ હવે સ્પષ્ટ કર્યુ છે કે યુક્રેનમાં વેગનરની આર્મી હવે લડશે નહી. આમ પણ પ્રિગોઝિન અને કાદિરોવ વચ્ચે પુતિન પ્રત્યેની વફાદારી માટે હરિફાઇ ચાલતી હતી
પરંતુ હવે પ્રિગોઝિને વિશ્વાસ ગુમાવ્યો છે આથી રશિયા માટે ચેચન્યાના તાનાશાહ કાદિરોવનું મહત્વ વધી ગયું છે. કાદિરોવે પણ પુતિનની નજીક રહેવાના પ્રયાસો શરુ કર્યા છે. કાદિરોવ આમ પણ દોસ્તી બતાવવા માટે પુતિન સાથેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.
એક વીડિયોમાં કાદિરોવ એમ કહેતા જણાય છે કે કોઇ પણ હોય અમે માતૃભૂમિના દેશદ્વોહીઓેની કબર ખોદી નાખીશું. જે અમને જવાબદારી સોંપવામાં આવી છે તેને પુરી કરીશું. વિશ્લેષકોનું કહેવું છે ચેચન્યાના સૈનિકો યુક્રેનમાં પહેલાથી જ લડી રહયા છે. ચેચન્યાના લડવૈયાઓ ફ્ન્ટ મોરચા પર ખાસ પ્રભાવ પાડી શકયા નથી. આથી આ કોઇ નવી વાત નથી પરંતુ બદલાયેલી પરીસ્થિતિમાં કાદિરોવનું મહત્વ વધશે એ ચોકકસ છે.