શીખની ગોળી મારીને હત્યા, 48 કલાકમાં હુમલાની બીજી ઘટના

પાકિસ્તાનના પેશાવર શહેરમાં શનિવારે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ એક શીખ વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો પર લક્ષિત હુમલાની આ તાજેતરની ઘટના છે. મનમોહન સિંહ નામના શીખ વ્યક્તિ પેશાવરના ઉપનગર રશીદ ગઢીથી અંદરના શહેર વિસ્તાર તરફ ચાલી રહ્યો હતો ત્યારે કેટલાક બંદૂકધારી લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.

ડોક્ટરે મૃત જાહેર કર્યો

પોલીસે જણાવ્યું કે મનમોહન સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. છેલ્લા 48 કલાકમાં યક્કા તૂટ વિસ્તારમાં શીખ વ્યક્તિ પર હુમલાની આ બીજી ઘટના છે. આ પહેલા શુક્રવારે એક શીખ વ્યક્તિ પગમાં ગોળી વાગવાથી ઘાયલ થયો હતો. માર્ચમાં અજાણ્યા હુમલાખોરોએ શહેરમાં એક શીખ વેપારીની ગોળી મારીને હત્યા કરી હતી.

છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે હત્યા

પેશાવરમાં લગભગ 15,000 શીખો રહે છે મોટાભાગે પ્રાંતીય રાજધાની પેશાવરના જોગન શાહ પડોશમાં રહે છે. પેશાવરમાં શીખ સમુદાયના મોટાભાગના સભ્યો વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્યારે કેટલાકની ફાર્મસી પણ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પેશાવરમાં એક જાણીતા શીખ ડોક્ટરની અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

શીખ ડોક્ટરની તેમના ક્લિનિકમાં હત્યા કરવામાં આવી હતી. અગાઉ વર્ષ 2018માં શીખ સમુદાયના અગ્રણી ચરણજીત સિંહની પેશાવરમાં જ અજાણ્યા લોકોએ હત્યા કરી હતી. તેના બે વર્ષ બાદ વર્ષ 2020માં ન્યૂઝ ચેનલના એન્કર રવિન્દર સિંહની હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ વર્ષ 2016માં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ નેશનલ એસેમ્બલીના સભ્ય સોરેન સિંહની પણ પેશાવરમાં હત્યા કરવામાં આવી હતી.