ભારતીય ફૂટબોલ ટીમે બીજી મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવીને SAFF ચેમ્પિયનશિપ-2023 ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી. શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય કેપ્ટન સુનિલ છેત્રીએ હેટ્રિક ગોલ નોંધાવ્યા છે. આ ગોલ સાથે સુનીલ છેત્રીએ બીજા એશિયન આંતરરાષ્ટ્રીય ગોલ ફટકારનારના રેકોર્ડની બરાબરી કરી લીધી.
ભારતીય કેપ્ટન સુનિલ છેત્રી સર્જ્યો નવો રેકોર્ડ
ભારતીય કેપ્ટન સુનિલ છેત્રીના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. ભારત માટે કુલ 138 મેચ રમનાર અને 90 ગોલ કરનાર છેત્રીએ મલેશિયાના મોખ્તાર દહરીને પાછળ છોડી દીધો, જેણે 142 મેચમાં 89 ગોલ કર્યા. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાના મામલે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ સ્થાને છે. રોનાલ્ડોએ અત્યાર સુધી 200 મેચમાં કુલ 123 ગોલ કર્યા છે. આ પછી ઈરાનના પૂર્વ ખેલાડી અલી દાઈનો નંબર આવે છે, જેમણે 149 મેચમાં 109 ગોલ કર્યા છે.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ:
ફૂટબોલરનું નામ | ગોલની સંખ્યા |
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ) | 123 (200 મેચ) |
અલી દાઈ (ઈરાન) | 109 (148 મેચ) |
લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) | 103 (175 મેચ) |
સુનીલ છેત્રી (ભારત) | 90 (138 મેચ) |
મુખ્તાર દહારી (મલેશિયા) | 89 (142 મેચ) |
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર બીજો એશિયન ખેલાડી
આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ 175 મેચમાં 103 ગોલ કર્યા છે અને તે ત્રીજા સ્થાને છે. જો જોવામાં આવે તો સક્રિય ફૂટબોલરોમાં માત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી જ છેત્રીથી આગળ છે. ઉપરાંત, સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર બીજો એશિયન ખેલાડી છે. આ મામલામાં ઈરાનના અલી દાઈ પહેલા નંબર પર છે. છેત્રી જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તેનાથી તે આવનારા સમયમાં 100 ગોલનો આંકડો પાર કરી શકે છે.