વડોદરા શહેરમાં ગેરેજ સંચાલકો સર્વિસ માટે આવતા વાહનોની નોંધણી રજીસ્ટર મેન્ટેન ન કરતા હોવાની માહિતી જાહેર થયા બાદ સફાળી જાગેલી પોલીસને હવે આ બાબતની ગંભીરતા સમજાતા પેટ્રોલિંગ હાથ ધરી વાઘોડિયા રોડ ઉપર ગેરેજ સંચાલકને વાહનોનું નોંધણી રજીસ્ટર ન રાખવા અંગે જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી.
મિલકત સંબંધી ગુનાઓ ન બને તેમજ કોઈ આંતકવાદી પ્રવૃત્તિને અંજામ ન આપે તે માટે વડોદરા પોલીસ કમિશનર તરફથી લેબર કોન્ટ્રાક્ટર, ઓટો ગેરેજ, મકાન ભાડુઆત વિગેરે બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના અમલીકરણ માટે ઉપરી અધિકારીઓ તરફથી સૂચના મળતા પોલીસના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે સમયે વાઘોડિયા રોડ સવિતા હોસ્પિટલની બાજુમાં આવેલ બાબા નગર સોસાયટી પાસે પ્રકાશ મોટર ગેરેજમાં તપાસ કરી હતી. જેમાં સંચાલક અરબાઝ ખાન આઝમખાન પઠાણ (રહે- આઈસા પાર્ક, ઈબ્રાહીમ બાવાની આઈ.ટી.આઈ, આજવા રોડ) હોવાનું બહાર આવ્યું હતું. પોતાના ઓટો ગેરેજ ઉપર વાહનો સર્વિસ માટે આવતા હોય વાહનોની નોંધણીનું રજીસ્ટર રાખ્યું ન હોવાનું અથવા કોઈ નોંધ ન રાખી હોવાનું બહાર આવતા પોલીસે ગેરેજ સંચાલકની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી.