પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે પંચાયત ચૂંટણીમાં નામાંકન દરમિયાન થયેલી ગડબડીની સીબીઆઈ તપાસ કરાવવા આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા બાદ હાઈકોર્ટે CBI તપાસનો આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હિંસાઓ થઈ હતી. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રાનીનગર, ડોમકલ, ભાંગડથી લઈને ઈસ્લામપુર, ચોપડામાં ઉમેદવારી નોંધાવવા માટે બંને પક્ષો વચ્ચે મારામારી અને વિરોધની ઘટનાઓ સામે આવી હતી. બંગાળમાં પંચાયત નામાંકન દરમિયાન લઘુમતી બહુલ વિસ્તારોમાં વધુ હિંસા થઈ હતી. હિંસામાં ઘણા લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, હિંસામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો લઘુમતી સમુદાયના હતા.
ચૂંટણીની જાહેરાત બાદ બંગાળમાં હિંસાઓ શરૂ થઈ હતી
બંગાળ પંચાયત ચૂંટણી પહેલા થયેલી હિંસાની CBI તપાસ થશે. આ અંગે કલકત્તા હાઈકોર્ટે આદેશ આપ્યા છે. બંગાળમાં 8 જુલાઈએ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. પંચાયત ચૂંટણીની જાહેરાત બાદથી બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાથી લઈને કોલકાતા સુધી હિંસા જોવા મળી હતી. હિંસા દરમિયાન ભાજપથી લઈને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ TMC પર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ કલકત્તા હાઈકોર્ટમાં કેન્દ્રીય દળોની તૈનાતીને લઈને માંગ કરાઈ હતી.
પંચાયત ચૂંટણીમાં હિંસા થવી રાજ્ય માટે શરમજનક બાબત : હાઈકોર્ટ
પશ્ચિમ બંગાળની વિપક્ષી પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને CPIMએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ઉમેદવારોની યાદીમાંથી ઉમેદવારોના નામ ગાયબ થયા છે, જેના પર હાઈકોર્ટે સુનાવણી કરી સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. હાઈકોર્ટનાં જસ્ટિસ અમૃતા સિન્હા આ નિર્ણય સંભળાવ્યો હતો. જસ્ટિસ અમૃતા સિન્હાએ પંચાયત ચૂંટણીની હિસાં પર નારાજગી વ્યક્ત કરાતા કહ્યું કે, ચૂંટણીમાં ઘણી હિંસાઓ સામે આવી છે. જો આવું જ થતું રહેશે તો ચૂંટણી રોકી દેવી જોઈએ. જજે આગળ કહ્યું કે, પંચાયત ચૂંટણીમાં હિંસા થવી રાજ્ય માટે શરમજનક બાબત છે… આટલી બધી અવ્યવસ્થા કેમ, રાજ્ય ચૂંટણી પંચ શું કરી રહ્યું છે ?
અગાઉ SCએ હિંસા પર કડક ટિપ્પણી કરી મમતા સરકારને આંચકો આપ્યો હતો
હાઈકોર્ટ પહેલા સુપ્રીમ કોર્ટે પણ બંગાળ પંચાયત ચૂંટણીની હિંસા પર કડક ટિપ્પણી કરી છે. કલકત્તા હાઈકોર્ટે 15 જૂને આદેશ આપ્યો હતો કે, પંચાયત ચૂંટણી દરમિયાન રાજ્યમાં કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવે. તેની સામે બંગાળ સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવીને મમતા સરકારને આંચકો આપ્યો હતો.
અગાઉ 2018માં પંચાયત ચૂંટણી દરમિયાન 20થી વધુના મોત થયા હતા
ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળમાં 8 જુલાઈએ પંચાયત ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ચૂંટણી માટે નોમિનેશન 15 જૂન સુધી થવાનું હતું. આ દરમિયાન ઘણી વખત હિંસા થઈ હતી અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2018માં પંચાયત ચૂંટણી દરમિયાન પણ રાજ્યમાં 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.