અસિત મોદી ઉપરાંત ઓપરેશન હેડ સોહેલ રામાણી તથા એક્ઝિ. પ્રોડયૂસર જતીન બજાજને પણ સહ આરોપી તરીકે દર્શાવાયા.
ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સોઢીનું પાત્ર ભજવનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી- બંસીવાલે સિરિયલના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ જાતીય સતામણીના આરોપો કર્યાના આશરે બે મહિના બાદ આખરે મુંબઈનાં પવઈ પોલીસ મથકે અસિત મોદી તથા અન્ય બે સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. મુંબઇના પવઇ પોલીસ સ્ટેશનમાં સોમવારે સાંજે આઇપીસીની કલમ ૩૫૪એ (જાતીય સતામણી) અને ૫૦૯ (વિનયભંગ)ના ગુના હેઠળ આ એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ એફઆઇઆરમાં અસિત કુમાર મોદી ઉપરાંત શોના ઓપરેશન હેડ સોહેલ રમાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડયુસર જતીન બજાજને પણ આરોપી તરીકે દર્શાવાયા છે.
ગયા મહિને જેનિફર મિસ્ત્રી બંસીવાલે કથિત જાતીય સતામણી બાબતે પોલીસ અને રાષ્ટ્રીય મહિલા પંચનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. આ સંદર્ભે પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ અભિનેત્રીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૃ કરી હતી અને અભિનેત્રીએ ફરિયાદમાં જેમના નામ આપ્યા હતા તેમને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
અભિનેત્રીએ આરોપ મૂક્યો હતો કે નિર્માતાએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પ્રસંગોએ તેની સતામણી કરી હતી.
જુદી જુદી ચેનલોને આપેલા ઇન્ટરવ્યૂમાં જેનિફરે જણાવ્યું હતું કે ઘણીવાર આસિત મોદીએ તેની સાથે ફલર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનિફરે છેડતીની વિગતો આપતાં કહ્યું હતું કે તેઓ એકવાર સિંગાપોરમાં શૂટ કરી રહ્યા હતા. તે દિવસે તેની મેરેજ એનિવર્સરી હતી. રાત્રે તેમણે કહ્યું હતું કે હવે તારી મેરેજ એનિવર્સરી પુરી થઇ ગઇ છે તો કોઇ ગિલ્ટ રહેશે નહીં. મારી રુમમાં આવી જા, બન્ને મળીને વ્હિસ્કી પીશું. આ ઉપરાંત ઘણીવાર સેકસ્યુઅલ કેમેન્ટ્સ પણ કરી હતી. આ સિવાય એકવાર મને ‘સેક્સી’ કહી મારા ગાલ પણ ખેંચ્યા હતા.
જેનિફરે કહ્યું હતું કે તેની સામે લગાતાર આવી ઘટના બનતી હોવા છતાં તેણે કાંઇ કહ્યું નહોતું. તેને ડર હતો કે તેને શોમાંથી કાઢી મૂકવામાં આવશે. જો કે વાત ખૂબ વકરી જતા અંતે તેણે આ બાબતે ફરિયાદ કરી હતી.
જોકે નિર્માતાએ અભિનેત્રીના આરોપો નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે ગેરવર્તણૂકને કારણે અભિનેત્રીને શોમાંથી દૂર કરવામાં આવી હતી.તેના લીધે તે આ ખોટા આરોપો મૂકી રહી છે.
ખરાબ વર્તનને કારણે જેનિફરને હાંકી કાઢ્યાનો વળતો દાવો
પવઇ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાયા બાદ જતીન બજાજ અને સોહેલ રમાણીએ મીડિયા સમક્ષ નવેદનમાં જણાવ્યું હતું કે જેનિફર સેટ પર બધા લોકો સાથે ખરાબ વર્તન કરતી હતી. શૂટમાંથી બહાર નીકળ્યા બાદ તે બહુ હાઇ સ્પીડમાં કાર ચલાવતી. તેને એ વાતની કોઇ ચિંતા ન રહેતી કે કોઇ રસ્તામાં અચાનક સામે આવી જશે તો ? આ સિવાય તેણે સેટની પ્રોપર્ટીને પણ નુકશાન પહોંચાડયું હતું. તેના ખરાબ વર્તનને કારણે તેનો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવામાં આવ્યો હતો. આ ઘટના બની ત્યારે આસિત કુમાર મોદી યુએસમાં હતા. હવે તે અમારી સામે આ પ્રકારના આરોપ કરી અમારી અને શોની ઇમેજ બગાડવા માગે છે. અમે પહેલા આ પ્રકારના પાયા વિહોણા આરોપનું ખંડન કરી ફરિયાદ નોંધાવી છે.
‘બાવરી’ મોનિકા ભદોરિયાના પણ સેટ પર હેરાનગતિના આક્ષેપ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર હેરાનગતિ થતી હોવાનો આરોપ ‘બાવરી’નું પાત્ર ભજવતી મોનિકા ભદોરિયા પણ કરી ચૂકી છે. જેનિફર મિસ્ત્રીએ જાતીય સતામણીનો આરોપ કર્યા બાદ મોનિકા ભદોરિયાએ પણ જણાવ્યું હતું કે સેટ પર ‘હેરાનગતિ’ કરવામાં આવતી હતી અને વાતાવરણ પણ ખૂબ જ નકારાત્મક રહેતું આ ઉપરાંત સિને એન્ડ ટીવી આર્ટીસ્ટ એસોસિએશન (સિન્ય)ના નિયમોનું પણ પાલન કરવામાં આવતું નહોતું તેવો આરોપ કર્યો હતો. ‘બાવરી’એ એવું પણ કહ્યું હતું કે ઘણીવાર તેને આત્મહત્યાના વિચોરો પણ આવતા હતા. આ સિવાય સમયસર પેમેન્ટ પણ કરવામાં આવતું નહોતું.
સાક્ષીઓ ફરી જાય તો મારી પાસે બીજા પુરાવા પણ છેઃ જેનિફર
જેનિફરે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હવે પોતે રાહતની લાગણી અનુભવી રહી છે. તેણે કહ્યું હતું કે મેં પોલીસને આ કેસમાં સાક્ષીઓનાં નામ આપ્યાં છે. પરંતુ, જો સાક્ષીઓ ફરી જાય તો પણ મારી પાસે બીજા ઘણા પુરાવા છે. તેણે આક્ષેપ કર્યો હતો કે દમણમાં પણ એક આસિસ્ટન્ટની આ લોકોએ સતામણી કરી હતી. તેણે પણ મી ટુ હેઠળ ફરિયાદ કરી છે.