દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે તપાસ કરીને સગર્ભા બહેનોને ટ્રેક કરાયા
પ્રસૂતિની તારીખ નજીક હોય તેવી સગર્ભા મહિલાઓને દવાખાનામાં દાખલ કરાવાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાનાં જોખમના પગલે તંત્ર દ્વારા આપદા પ્રબંધનના શક્ય તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વાવાઝોડાના પ્રભાવ ક્ષેત્રમાં આવતા અને જોખમકારક બની શકે તેવા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આ વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાઓને વાવાઝોડાના કારણે કે સ્થાળાંતરના કારણે કોઈ તકલીફ ન પડે તે રીતે તેમની ખાસ સારસંભાળ રાખી તેઓને સલામત સ્થળે ખસેડવા દેવભૂમિ દ્વારકા પ્રશાસન કામગીરી કરી રહ્યું છે.
કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામના સગર્ભા લાભુબેન હેમંતભાઈ પરમારે વાવાઝોડાની આગાહીની ગંભીરતાને ધ્યાને લઈ રાત્રીના સમયે ગામના આશા બહેનને જાણ કરતા આશા બહેન દ્વારા તેમને તાત્કાલિક નજીકના રાજપરા આરોગ્ય કેન્દ્ર પર સુરક્ષિત રીતે પહોંચાડી એડમિટ કરાવવામાં આવ્યા હતા. જયાં રાત્રે ૧૧.૦૬ કલાકે દીકરાનો જન્મ થતાં પરીવારની ચિંતા દૂર થઈ આનંદની લાગણી છવાઇ હતી.
ડીલીવરી બાદ લાભુબેન પરમારે જણાવ્યું કે, વાવાઝોડાની આગાહીની સ્થિતમાં અમારો પરિવાર પ્રસૂતિને લઈને ખૂબ જ ચિંતિત હતો પરંતુ અમારી ચિંતા આરોગ્ય વિભાગે દૂર કરી. મને હોસ્પિટલ પર સુરક્ષિત રીતે પહોંચાડીને નોર્મલ ડિલિવરી કરાવી આપી. વાવાઝોડાની આવી પરિસ્થિતિ વચ્ચે પણ કોઇપણ મુશ્કેલી વગર મારા ઘરે દીકરાનો જન્મ થયો છે. અહીં આરોગ્યની ટીમ દ્વારા અમારી મા – દિકરાની સારી કાળજી લેવામાં આવી રહી છે.
આવો જ કિસ્સો સાજડિયારી ગામના સુધા બહેનનો છે. સુધાબહેનને સગર્ભા અવસ્થાના ૯ માસ પૂર્ણ થતાં હોવાથી ગમે ત્યારે પ્રસૂતિ થઈ શકે તેવી સ્થિતિ હતી, જેની જાણ આશા બહેનને થતા તેઓએ સુધા બહેનને આરોગ્ય સુવિધા કેન્દ્ર પર સગર્ભા બહેનો માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાની માહિતી આપી ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે એડમીટ કરાવ્યા હતા. જ્યાં આજરોજ તેઓએ પુત્રને જન્મ આપ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની પરિસ્થિતિના પગલે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની તમામ સગર્ભા માતાઓને વન ટુ વન મેપ કરી શોધી સલામત સ્થળે/ આરોગ્ય કેન્દ્રો પર ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. આરોગ્ય કર્મીઓ દ્વારા જેમની પ્રસૂતિની તારીખ નજીક છે તેવી સગર્ભા બહેનોને વન ટુ વન ટ્રેક કરવામાં આવ્યા છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે તપાસ કરીને કુલ ૩૯૯ સગર્ભા બહેનોને શોધવામાં આવી છે. જેમાંથી ૧૮૧ બહેનોનો સંપર્ક કરી તેમને દવાખાને ખાતે દાખલ કરવામાં આવી છે. આ પૈકી ૧૬૯ બહેનોની સફળતાપૂર્વક પ્રસુતિ પણ થઈ ગઈ છે. આરોગ્યના તમામ કર્મચારીઓ જે ગ્રામ્ય કક્ષાએ કામ કરે છે એ લોકોને સેફ ડીલીવરી કીટ પણ આપવામાં આવી છે. જેથી ઇમરજન્સીમાં કોઈનો સંપર્ક ના થાય તો પણ પ્રસુતિ કરાવી શકાય.