પોરબંદર.તા.૦૫, પોરબંદરના બી.આર.સી.તાલીમ ભવન ખાતે સાંસદશ્રી રમેશભાઈ ધડુકની અધ્યક્ષતામાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે સાંસદશ્રી રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં જળવાયુ પરિવર્તન એ વૈશ્વિક ચિંતાનું કારણ બન્યું છે. જળવાયુ પરિવર્તનના કારણે આબોહવાકીય અસમતુલા સર્જાય છે. જેને કારણે કુદરતી આપતીઓનું પ્રમાણ વધ્યું છે. તેની સામે રક્ષણ મેળવવા વનીકરણ વધારીને પર્યાવરણમાં સમતોલન સ્થાપવું જરૂરી છે. કુદરતે આપણા જિલ્લાને કુદરતી સંપતિ આપી જેનું સરક્ષણ તથા સંવર્ધન કરવું જરૂરી છે. તથા નાગરિકોએ વધુમાં વધુ વૃક્ષો વાવીને જતન કરવું જોઈએ તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના અભિગમને આપણે સૌ કોઈ આગળ ધપાવવો જોઈએ.
અંબાજી ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગ્રીન ગ્રોથ એટલે કે ‘‘પર્યાવરણ પ્રિય વિકાસ’’ની રાજ્ય સરકારની નેમ છે. ગુજરાતમાં ૨૨ સાંસ્કૃતિક વનો તેમજ અનેક જગ્યાએ ‘‘નમો વડ વન’’ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ મુખ્યમંત્રીશ્રીએ આજે વાવેલ વૃક્ષોનું સમગ્ર વર્ષ જતન કરવા પ્રતિબદ્ધ થવા અપીલ કરી હતી.
મહાનુભાવોએ આ અવસરે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપ્યું હતું. તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એ.બી. સરવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંજુબેન કારાવદરા, જિલ્લા કલેકટરશ્રી કે. ડી.લાખાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ઠક્કર, જિલ્લા અગ્રણીશ્રી રમેશભાઈ ઓડેદરા, નાયબ વન સંરક્ષકશ્રી સહિત અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકો ઊપસ્થિત રહ્યા હતા.