મંત્રીશ્રી બેરા અને સાંસદશ્રી માડમની પ્રેરક ઉપસ્થિતિમાં ચેરનુ વાવેતર કરવામાં આવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નરારા ખાતે ચેરનાં વૃક્ષોનું વાવેતર કરી જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ૨૦૨૩ના રોજ દરિયાકાંઠે રહેતા લોકોના રક્ષણ માટે   “મિસ્ટી”(Mangrove Initiative for Shoreline Habitats & Tangible Income – MISHTI) યોજનાનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચુંઅલી પ્રારંભ કરાયો હતો.

આ તકે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રાચીન કાળથી આપણા જીવનમાં પ્રકૃતિનું અનેરું મહત્વ રહેલું છે. ૫ જુનને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજના દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. આજના દિવસે માત્ર છોડને વાવી દેવો એ જ નહિ પરંતુ દરેક નાગરિકમાં પર્યાવરણ દિવસ પ્રત્યે જાગૃતિ આવે અને પર્યાવરણનું સંરક્ષણ થાય તેવી રીતે ઉજવણી કરવાનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ઉદ્દેશ્ય હતો. આજ રોજ રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અંબાજી ખાતે કરવામાં આવી છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજ રોજ વડાપ્રધાનશ્રી દ્વારા બે યોજના લોન્ચ કરવામાં આવી છે. જેમાં અમૃત ધરોહર  અને મિષ્ટી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મિષ્ટી પ્રોજેક્ટ અંતર્ગત દેશના ૭૫ સ્થળોએ ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાંથી રાજ્યના ૨૫ સ્થળોએ આજ રોજ ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. ચેરનું વૃક્ષએ ક્ષારયુક્ત પવનોને અટકાવે છે. અને સાથે સાથે વાવાઝોડા, ત્સુનામીની સામે પણ રક્ષણ પૂરું પાડે છે. આ ઉપરાંત આ વખતના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” અન્વયે  પર્યાવરણને બચાવવા માટે પ્લાસ્ટિકને જાકારો આપવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમે  જણાવ્યું હતું કે, આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અહીં નરારા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે. આજ રોજ દેશના દરિયાઈ વિસ્તારમાં ૭૫  સ્થળોએ ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના ૨૫ સ્થળોએ ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. દરિયાઈ કાંઠાના સંરક્ષણ માટે અને ધોવાણ અટકાવવા તેમજ દરિયાઈ જીવસૃષ્ટિ માટે ચેરનું અનેરું મહત્વ છે.

વધુમાં સાંસદશ્રીએ તમામ નાગરિકોને આહવાન કરતા જણાવ્યું હતું કે, દરેક લોકોએ પર્યાવરણનું જતન કરવું જોઈએ અને વધુમાં વધુ વૃક્ષો વાવી આવનારી પેઢીને તેની ભેટ આપવી જોઈએ. આપણે આપણા પર્યાવરણને વધુ સમૃદ્ધ કરી ભાવી પેઢીને ભેટમાં આપવી જોઈએ. આ તકે ડૉ. એ.પી. સિંહ – અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક, ઈવેલ્યુએશન એન્ડ મોનીટરીંગ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકશ્રી આર. ધનપાલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જગાભાઈ ચાવડા, અગ્રણીશ્રીઓ શૈલેષભાઈ કણઝારીયા, પ્રતાપભાઈ પીંડારિયા, નગાભાઈ ગાધેર, સી.આર.જાડેજા, ગુજરાત પ્રદુષણ બોર્ડના અધિકારી, વન વિભાગના અધિકારી, કર્મચારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.