ચોમાસું મોડું આવવાના એંધાણ, આ રાજ્યોમાં હીટવેવની આશંકા,

દેશમાં ચોમાસાની એન્ટ્રી હવે મોડી થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. IMDએ આજે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં અરબી સમુદ્રના દક્ષિણ કિનારે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું હોવાથી કેરળના દરિયાકાંઠે વાદળો ઘટી ગયા છે, જેના કારણે આ વર્ષે કેરળમાં ચોમાસુ પહોંચવામાં મોડું થશે. ઉલ્લેખનિય છે કે, મેના છેલ્લા અઠવાડિયે હવામાન વિભાગે કેરળમાં 4 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની સંભાવના વ્યક્ત કરી હતી.

આગામી 2-3 દિવસમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રીની આગાહી

હવામાન વિભાગે કહ્યું કે, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ઉપર નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. વાદળછાયું વાતાવરણ છે. ટૂંક સમયમાં જ ઝડપી ચક્રવાતી પવનો કેરળના કિનારે ચોમાસું આગળ વધારી શકે છે. આગામી 2-3 દિવસમાં વાતાવરણમાં સુધારો થયા બાદ કેરળમાં ચોમાસું દસ્તક આપી શકે છે.

સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ પહોંચે છે ચોમાસું

સામાન્ય રીતે ચોમાસું પહેલી જૂનની આસપાસ કેરળના દરિયાકિનારે પહોંચે છે. 26મી મેએ હવામાન વિભાગે કહ્યું હતું કે, આ વર્ષે ચોમાસું 4 જૂન સુધીમાં કેરળના કિનારે પહોંચવાની સંભાવના છે, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવે આ વર્ષે ચોમાસું મોડું પહોંચે તેવી શક્યતા છે.

પૂર્વ ભારતના રાજ્યોમાં હીટ વેવની આશંકા

બીજી તરફ પૂર્વ ભારતના રાજ્યો ખાસ કરીને બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ગરમી વધવાની સંભાવના છે. આગામી દિવસોમાં પૂર્વ ભારતના રાજ્યોમાં હીટવેવ વધવાની આશંકા છે.  IMDએ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં સામાન્ય ચોમાસાની આગાહી કરી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. જો કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં આ વર્ષે ચોમાસાનો વરસાદ સરેરાશથી ઓછો હોઈ શકે છે.