- જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
- પોરબંદર નજીક એક લાખથી વધુ પક્ષીઓના આશ્રયસ્થાનને વિકસાવવા ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વોચ ટાવર અને માર્ગોનું નવીનીકરણ સહિતના માળખાગત કામો કરાશે
- ક્ષાર અંકુશ વિભાગ દ્વારા ટુકડા ગોસા પાસેની સાઇટ પર હાથ ધરાનાર પ્રોજેક્ટની મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લીધી
- પોરબંદર નજીક દરિયાનું ખારું પાણી આગળ વધતું અટકાવી વેટલેન્ડ સાઈટના ડેવલપમેન્ટ માટે પ્રવાસન લક્ષી માળખાગત કામો હાથ ધરાશે
પોરબંદર તા. ૨૨, ગુજરાતમાં વિવિધ પ્રવાસન સ્થળોના વિશેષ વિકાસ માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઇકો ટુરીઝમ માટે સરકારે વિશેષ પ્રાધાન્ય આપીને કામો હાથ ધર્યા છે. પોરબંદરના પ્રભારી મંત્રી અને જળ સંપતિ તથા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે પોરબંદરના મોકર સાગર સ્થળની મુલાકાત લઈ અહીં પક્ષીઓના આશ્રય સ્થળને રૂ. ૨૦૦ કરોડના ખર્ચે વિકસાવવાના પ્રોજેક્ટ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
પોરબંદર જિલ્લામાં ઇકો ટુરીઝમ માટે આ એક મહત્વનો પ્રોજેક્ટ બની રહેશે. આની સાથે દરિયાનું પાણી આગળ વધતું અટકશે અને પક્ષીઓનું પણ સંવર્ધન થશે. મંત્રીશ્રીએ પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લીધા બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદરના આ વેટલેન્ડ વિસ્તારને ઇકો ટુરીઝમ સાથે જોડીને ક્ષાર નિયંત્રણ સાથે ઉચ્ચ કક્ષાનું પ્રવાસન તીર્થ સ્થળ પક્ષી દર્શન માટે વિકસાવવાનું સરકારનું આયોજન છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે જૈવ વિવિધતા રહેલી છે. દરિયાના ખારા પાણીને આગળ વધતા અટકાવીને જળ સંપતિ વિભાગે જમીનને ફળદુપ બનાવવાની સાથે આવા વિસ્તારો ટુરિસ્ટ તરીકે પણ વિકશે એ માટે જે પ્રોજેક્ટ હાથ ધર્યા છે, એમાંનો એક મહત્વનો વૈશ્વિક કક્ષાનો પ્રોજેક્ટ પોરબંદરમાં કરવામાં આવશે.
પોરબંદરમાં કર્લી વિસ્તારમાં રિચાર્જ રિઝરવોયર મોકર સાગરની વૈશ્વિક કક્ષાના પ્રવાસી તીર્થ સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. તેના કેન્દ્રમાં પક્ષીઓનું આશ્રય સ્થાન છે. અહી આવતા લોકો વિવિધ પ્રકારના પક્ષીઓ નિહાળે એવા આયોજન સાથે આ ડેવલપમેન્ટ ઓફ કર્લી રિચાર્જ રિઝર વોયર મોકર સાગર એઝ એ વર્લ્ડ સસ્ટેનેબલ ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન વિકસાવાશે.
પોરબંદર નજીક મોકરથી ઓડદર અને આસપાસના રતનપર ગોસા ટુકડા અને પોરબંદર નજીક આસપાસ નો આ વિસ્તાર દરિયા નું પાણી જમીન તરફ આવતું અટકાવવા કરેલા પ્રયાસોને કારણે હવે આ સાઈટ પર નવું ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
જળ સંપતિ વિભાગ નો આ મૂળ પ્રોજેક્ટ અંદાજે રૂ.૨૦૦ કરોડનો છે.જેમાં જે મુખ્ય કામો હાથ ધરવાના છે તેમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વોચ ટાવર,. બોડ વોક અને પી .પી .પી ના ધોરણે એકોમોડેશન કરાશે.
આ ઉપરાંત પ્રવાસીઓ માટે રોડની સુવિધા અને અન્ય માળખાગત સવલતો પણ કરવાનું આયોજન છે. હયાત માટી પાળાનું પણ નવીનીકરણ કરાશે.
સૌરાષ્ટ્રમાં સોમનાથ થી દ્વારકા વચ્ચે માધુપુર અને પોરબંદર અગત્યનું છે .અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે ત્યારે આ પક્ષી દર્શન સાઇટ પ્રવાસીઓ માટે નજરાણુ બની રહેશે.
પોરબંદરમાં જે વિશ્વ કક્ષાનું ઇકો ટુરીઝમ ડેસ્ટીનેસન ડેવલોપમેન્ટ થતા ત્યાં લોકોને રોજગારી પણ મળશે. હસ્તકલા અને હેન્ડીક્રાફ્ટનો પણ ભવિષ્યમાં અહીં વેચાણ થાય અને આસપાસના લોકોને રોજગારી મળે તે માટે આયોજન કરવાનું સરકાર વિચારી રહી છે. મૂળ આ ક્ષાર પ્રવેશ નિવારણ યોજના છે અને તેને પ્રવાસન વિકાસ સાથે જોડી આ કામગીરી કુલ ત્રણ તબક્કામાં પૂર્ણ કરાશે.
આ વર્ષે પોરબંદરમાં આ વેટલેન્ડ વિસ્તારમાં ૧.૧૩ લાખ પક્ષીઓ આવ્યા છે. જે સેન્ટર બનાવાશે એમાં પક્ષીઓના અભ્યાસો માટે પણ યાયાવર પક્ષીઓના અભ્યાસની તક મળશે. ગાઈડ તરિકે યુવાનોને તક મળશે.આખા જીલ્લામાં ૫.૭૦ લાખ પક્ષીઓ આ વર્ષે નોંધાયેલ છે.
પર્યાવરણ વિકાસ સાથે ટુરિઝમ ડેવલોપમેન્ટ અને દરિયાના પાણીને આગળ જમીનમાં ઉતારતા અટકાવી દરિયાકાંઠે પીવાનું મીઠું પાણી જળવાઈ રહે એ માટેના પ્રયાસો માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું પણ માર્ગદર્શન છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત તેમાં ગુજરાતની આગેવાની અગ્રેસર રહે તે માટે સાંસ્કૃતિક વિરાસતો પ્રવાસન સ્થળો વિકાસ થઈ રહ્યો છે. તેમાં જળ સંપતિ વિભાગ પણ દરિયાના વેટલેન્ડ વિસ્તારને ટુરિઝમ સાથે જોડી રહ્યો છે. જેના ફળદાયી પરિણામો પણ મળશે તેમ પણ મંત્રી શ્રી એ જણાવ્યું હતું.
મોકર સાગર સાઈટની મુલાકાત વખતે મંત્રીશ્રીની સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા, કલેકટર શ્રી અશોક શર્મા, ક્ષાર પ્રવેશ નિવારણ રાજકોટ વર્તુળના અધિક ઇજનેરશ્રી ડી.કે.સિંગ, કાર્યપાલક ઇજનેર શ્રી જે.કે.કારાવદરા, પ્રાંત અધિકારી શ્રી જાડેજા અને શ્રી વાંદા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.