પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપને લીધે હાહાકાર, 11 નાં મોત, 160થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનમાં ગઈકાલ રાતે ભૂકંપ આવ્યો હતો. જેની અસર પાકિસ્તાન, ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભૂકંપને લીધે મોટું નુકસાન થયું છે. આ બંને દેશોમાં કેટલાય લોકોનાં મોત થઈ ગયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, ભારતમાં કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ અંગે જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 133 કિમી દૂર દક્ષિણ પૂર્વમાં હિન્દુ કુશ વિસ્તારમાં હતું. ભૂકંપનું કેન્દ્ર 156 કિમી ઉંડુ હતું. ભૂકંપના આંચકા અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ચીન અને કિર્ગિસ્તાનમાં અનુભવાયા હતાં.

ભૂકંપને લીધે અફઘાનિસ્તાનમાં બે લોકોનાં મોત થઈ ગયા છે. અફઘાનિસ્તાનના રાહત મંત્રાલયના પ્રવક્તા શફીઉલ્લાહ રહીમીએ કહ્યું કે, પૂર્વી લધમાન પ્રાંતમાં બે લોકોનાં મોત થયા છે. અધિકારીઓ અને સહાયતાકર્મીઓએ કહ્યું કે, બદખ્શાં અને અન્ય ઉત્તરી વિસ્તારમાં વધુ આંચકા અનુભવાયા છે.

ન્યૂઝ એજન્સી PTIએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક મીડિયા મુજબ, પાકિસ્તાનમાં ભૂકંપને લીધે 9 લોકોનાં મોત થઈ ગયા છે. જ્યારે 160થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બે મહિલાઓ પણ સામેલ છે. લાહોર, ઇસ્લામાબાદ, રાવલપિંડી, પેશાવર, કોહાટ અને અન્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગમાં મંગળવારે રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રાતે લગભગ 10.20 આવેલાં ભૂકંપથી લોકો ડરી ગયા હતાં. દિલ્હી-એનસીઆર ઉપરાંત હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. દિલ્હી-એનસીઆરમાં ધરતી ધ્રૂજી લાગી અને ડરીને લોકો ઘર અને ઓફિસની બહાર નીકળી ગયા હતાં. એક અધિકારીએ કહ્યું કે, ભૂકંપ પછી જમ્મુના કેટલાક વિસ્તારમાં મોબાઇલ સેવા બંધ થઈ ગઈ હતી.