
ભગવાન કૃષ્ણના જીવન આધારિત કલાકૃતિઓ જોઈ લોકો પ્રભાવિત થયા;
યાત્રાધામ દેવભૂમિ દ્વારકાની પાવન ભૂમિ પર ગઈકાલે રવિવારે રમત ગમત વિભાગ, સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત દ્વારકા ઉત્સવનો પ્રારંભ મહાનુભાવો અને ભાવિકોની ઉપસ્થિતિમાં ભડકેશ્વર મંદિર પાસેના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ઇન્ચાર્જ કલેક્ટર ભૂપેશ જોટાણિયાએ જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશે પોતાની કર્મભૂમિ તરીકે દ્વારિકા નગરીની પસંદગી કરી એ આપના સૌ માટે ગૌરવની વાત છે. આજે એજ પવિત્ર ભૂમિ પર દ્વારકા ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે. ઇન્ચાર્જ કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશનમાં ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવવું છે. જેમાં પ્રવાસન ક્ષેત્રમાં ખૂબ મહત્ત્વનું પાસુ છે. જેના માટે દેશમાં અનેક સાંસ્કૃતિક સ્થળોને ટુરિઝમ સર્કીટ તરીકે વિકસાવવાનું નિર્ણય કર્યો છે. જેમાં યાત્રાધામ દ્વારકાનો પણ સમાવેશ થાય છે. ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં સૌ કોઈ આનંદિત થઈ દ્વારકા ઉત્સવને માણીએ.
આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી જ ભારતની ભૂમિ ઉત્સવપ્રિય રહી છે. દેશના ખૂણે-ખૂણે અલગ-અલગ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવો આપણા જીવનનો એક ભાગ છે. જેના થકી મનુષ્ય આનંદીત રહે છે. પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં હોળીના પાવન પર્વ પર લાખો ભક્તો ભગવાન દ્વારકાધીશ સંગે હોળી રમવા પધારી રહ્યા છે. વધુમાં પબુભા માણેકે કહ્યું હતું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનના દિશા દર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં સાંસ્કૃતિક સ્થળો તથા પ્રવાસનધામો ખૂબ વિકાસ કર્યો છે. વિખ્યાત શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચ તેમજ બેટ દ્વારકા વચ્ચે નિર્માણાધિન કેબલ સ્ટેન્ડ બ્રિજ પવિત્ર દ્વારકા નગરીમાં પ્રવાસન ક્ષેત્રમાં યશકલગી ઉમેરી છે.
કાર્યક્રમના પ્રારંભે તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલાસિકલ ડાન્સ-રાજકોટના કલાકારો દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું. ભગવાન દ્વારકાધીશના સંપૂર્ણ જીવનચરિત્રને ચરિતાર્થ કરતું દેવ દ્વારિકાવાળો સુંદર નૃત્ય નાટિકા દ્વારકાના જાંજરી ગૃપના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિખ્યાત લોકગાયક કિશોરદાન ગઢવી, નીરવ રાયચુરા તથા જ્યોત્સના રાયચુરા દ્વારા પ્રસ્તુત ભગવાન કૃષ્ણના જીવન આધારિત પદો અને લોકસંગીત સાંભળીને ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button