
અદાણીના ભાઈ વિનોદ અદાણીની વિદેશી સોદાઓમાં મુખ્ય ભૂમિકા: અહેવાલ
અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ હિંડનબર્ગના અહેવાલ બાદથી અદાણી ગ્રુપ સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. હિંડનબર્ગ બાદ ફોર્બ્સના રિપોર્ટમાં ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી વિશે મોટો ખુલાસો થયો છે. અમેરિકન બિઝનેસ મેગેઝિન ફોર્બ્સના નવા અહેવાલમાં ફરી એકવાર અદાણી ગ્રુપ માટે મોટા સોદા કરવામાં ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ફોર્બ્સના અહેવાલ મુજબ, વિનોદ અદાણી વિશે અગાઉ મળેલી માહિતી કરતાં તેઓ લગભગ પાંચ ગણા વધુ અમીર છે તેવો દાવો કરાયો છે. બ્લૂમબર્ગ અને ફોર્બ્સના અગાઉના બે અહેવાલોમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિનોદ અદાણી પાસે કોઈ ઔપચારિક વ્યવસ્થાપક હોદ્દો ન હોવા છતાં, તેઓ ગ્રુપમાં મહત્વનું પદ ધરાવે છે અને ઑફશોર શેલ કંપનીઓની વિશાળ શૃંખલાનું સંચાલન કરે છે, 28 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત થયેલ તાજેતરનો અહેવાલ જણાવે છે કે ફ્રેન્ચ ઓઇલ જાયન્ટ ટોટલ એનર્જીઝએ વર્ષ 2021માં અદાણી ગ્રીન એનર્જીમાં 20 ટકા હિસ્સો 2 અબજ ડોલરમાં ખરીદ્યો હતો, જે અદાણી ગ્રુપ માટે ખૂબ લાભદાયક નીવડ્યું હતું. ટોટલ એનર્જીઝ દ્વારા ખરીદવામાં આવેલા આ શેરનું મૂલ્ય ભારતીય સ્ટોક એક્સચેન્જમાં $4.1 બિલિયન હતું. આમ ખરીદી પણ ટોટલ એનર્જી માટે નફાકારક સોદો હતો.
ફોર્બ્સે આપેલા અહેવાલ મુજબ તેણે 21 જાન્યુઆરી, 2021ના રોજ શેર માટે ચૂકવેલી કિંમત, પાછલા વર્ષના શેરની સરેરાશ કિંમત કરતાં 8 ટકા ઓછી હતી અને છેલ્લા છ મહિનાની સરેરાશ કિંમત કરતાં 62 ટકા ઓછી હતી. આ ઉપરાંત ફોર્બ્સ જેને ‘બિનપરંપરાગત માળખું’ કહે છે, તેમાં ટોટલ એનર્જીએ સીધા જ શેર ખરીદ્યા ન હતા, પરંતુ તેના બદલે મોરેશિયસ-સંકલિત બે ફંડ્સ હસ્તગત કર્યા હતા જેઓ મોરેશિયસ સ્થિત એક ત્રીજા એકમ, ડોમ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડમાં સ્ટોક ધરાવતા હતા. ડોમ ટ્રેડની માલિકી વિનોદ અદાણી પાસે છે, જો કે, આ માલિકી સીધી નથી પરંતુ મોરેશિયસ, યુએઈ અને બ્રિટિશ વર્જિન ટાપુઓના એકમો માંથી જ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિનોદ અદાણીએ આ ડીલ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સ્ટોક હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં વિનોદ અદાણીને લઈને પણ કેટલાક ખુલાસા થયા હતા, વિનોદ અદાણી પાસે કોઈ ઔપચારિક હોદ્દો નથી તેવા અહેવાલ બાદ અબજોનું નુકસાન વેઠનાર અદાણી ગ્રૂપે દાવો કર્યો છે કે ગ્રૂપના વ્યવસાયોની રોજબરોજની બાબતોમાં વિનોદની કોઈ ભૂમિકા નથી.
ફોર્બ્સે નોંધ્યું છે કે ટોટલ એનર્જીના શેર પણ ઘટવાથી પ્રભાવિત થયા છે. ન્યુ યોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસના ફાઇનાન્સના પ્રોફેસર અશ્વથ દામોદરન મુજબ, ટેક્સથી બચવા અદાણી ગ્રીન એનર્જીના ડાયરેક્ટ શેરને બદલે મોરેશિયસ ફંડ્સ વહેચ્યા હોય તેવું પણ બની શકે છે. યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ બિઝનેસ સ્કૂલના ફાઇનાન્સના એસોસિયેટ પ્રોફેસર માર્ક હમ્ફ્રે-ઝેનર મુજબ, અદાણી ગ્રીન એનર્જીના શેરના નીચા ભાવને જોતાં બંને પક્ષોએ સાવચેત રહેવું જોઈએ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ડીલ ફેબ્રુઆરી 2020માં થઈ હતી. ટોટલ એનર્જીએ તે સમયે $714 મિલિયન એટલે કે ઓપન માર્કેટ કરતાં $50 મિલિયન ઓછા ચૂકવ્યા હતા. અદાણી-નિયંત્રિત છ કંપનીઓમાંથી ચાર જેમાંથી ટોટલ એનર્જીએ શેર ખરીદ્યા હતા તે વિનોદ અદાણીની માલિકીના મોરેશિયસ સ્થિત ફંડ્સ હતા.
વિનોદ અદાણી વિશેના આ રિપોર્ટમાં અન્ય સોદાઓની યાદી પણ આપવામાં આવી છે. ફંડ ઉપરાંત, વિનોદ અદાણી દુબઈમાં 37 રહેણાંક અને અન્ય વ્યાપારી મિલકતો પણ ધરાવે છે. તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ફોર્બ્સે વિનોદ અદાણીની ઓછામાં ઓછી $6 બિલિયનની કુલ સંપત્તિનો અંદાજ મૂક્યો છે, જે બે અઠવાડિયા પહેલા પ્રકાશિત થયેલા તેમના $1.3 બિલિયનના અગાઉના અંદાજ કરતાં ઘણો વધારે છે. ફોર્બ્સના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપની જાહેર ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે વિનોદ અદાણી સાયપ્રસના નાગરિક છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button