
પત્નીના પૂર્વ પ્રેમીએ મિત્ર સાથે મળી છરીના ઘા ઝીંક્યા
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો કિશન ભરતભાઈ ડોડીયા નામનો 24 વર્ષનો યુવાન રાત્રીના બારેક વાગ્યાના અરસામાં ગોકુલધામના ગેઈટ પાસે આવેલી પાનની દુકાનમાં હતો, ત્યારે હિરેન ગોવિંદ પરમાર અને કાંચો નેપાળી નામના શખ્સે છરી વડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતાં. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલીક સારવાર માટે દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જીવલેણ ઘટનાની જાણ થતાં જ માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્ત યુવકની પત્ની રાધિકાબેન કિશનભાઈ ડોડીયાની ફરિયાદના આધારે હુમલાખોર શખ્સો વિરૂધ્ધ હત્યાની કોશીષનો ગુનો નોંધ્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કિશન ડોડીયાએ વહેલી સવારે સારવારમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. બનાવ હત્યામાં પલટાયો હોવાની સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો અને માલવીયાનગર પોલીસે મૃતક યુવકની પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી કાનૂની તપાસનો દૌર લંબાવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક કિશન ડોડીયા ત્રણ ભાઈમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર છે. કિશન ડોડીયા છુટક વેલ્ડીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કિશન ડોડીયાએ પત્ની રાધિકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં પરંતુ પત્ની રાધિકાને હત્યારા હિરેન પરમાર સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તેની સાથે પ્રેમ સંબંધ ટૂંકાવી કિશન ડોડીયા સાથે લગ્ન કરી લીધા હોવાથી હિરેન પરમાર અવારનવાર ધાક ધમકી આપતો હતો અને રાધિકાને પોતાની સાથે રહેવા આવી જવા માટે દબાણ કરતો હતો.
હિરેન પરમારે અગાઉ ચારેક મહિના પહેલા કિશન ડોડીયાના ઘરમાં ઘુસી તોડફોડ કરી હતી. જે બાબતે સમાધાન કરી લેવા ધમકી આપતો હતો. જે અદાવતનો ખાર રાખી પત્નીના પૂર્વ પ્રેમીએ મિત્ર સાથે મળી પતિને છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે અને હત્યારો હિરેન પરમાર પોલીસ સકંજામાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button