
રાજકોટમાં બનાવટી જોઇનિંગ લેટર બનાવીને એઇમ્સમાં નોકરી અપાવવાનું કૌભાંડ
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરને કેન્દ્ર સરકાર દ્વારા એઈમ્સ ફાળવવામાં આવી છે. હજુ એઈમ્સનું ઓપનીંગ પણ નથી થયું ત્યાં કૌભાંડીયાઓની નજરે ચડી ગયું છે. ખંઢેરી પાસે આવેલી એઈમ્સ હોસ્પિટલમાં બોગસ જોઈનીંગ લેટર સાથે નોકરી મેળવવા જતા યુવતી રંગે હાથ ઝડપાઈ હતી. તપાસ કરતાં રાજકોટના ડોકટરે બોગસ જોઈનિંગ લેટર બનાવી દીધો હોવાનં બહાર આવતા પડધરી પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી ટોપલેન્ડ રેસીડેન્સીમાં રહેતા જયદેવસિંહ બનેસિંહ વાળા (ઉ.વ.38)એ પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના ડો.અક્ષય જાદવનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી રાજકોટના ખંઢેરી ગામ પાસે નવી બનતી એઈમ્સમાં ફરિયાદી એડમીન વિભાગમાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
ગત 20 ફેબ્રુઆરી 2023ના સવારે 11:30 વાગ્યે ફરિયાદી પોતાની ઓફિસે બેઠા હતા ત્યારે સિક્યુરિટી સુપરવાઈઝર ઈન્દ્રજીતસિંહ પરમાર તેમની પાસે આવ્યા હતા અને કોઈ યુવતી આપને મળવા માટે આવી છે, તેમ કહેતા ફરિયાદીએ યુવતીને ઓફિસમાં મોકલવા કહ્યું હતું. એડમિન વિભાગમાં યુવતીએ પ્રવેશ કરી ફરિયાદીને લીલા કલરનું કવર આપ્યું હતું અને યુવતીએ કહ્યું હતું કે તેઓ અહીં નોકરી પર હાજર થવા માટે આવ્યા છે. ફરિયાદીએ કવર ખોલીને ચેક કરતાં તેમાંથી અખિલ ભારતીય આયુ. વિજ્ઞાન સંસ્થા રાજકોટ ગુજરાત લખેલા એઈમ્સ હોસ્પિટલના સીમ્બોલવાળો જોઈનીંગ લેટર હતો અને આપનાર યુવતી નીકીતા મુકુંદભાઈ પંચાલ લેબ ટેક્નિશિયન તરીકે નોકરી પર હાજર થવા આવી હતી.
જોઈનિંગ લેટરમાં 16 ફેબ્રુઆરી 2023ના રોજ 36,000ના પગારવાળો લેટર જોવામાં આવ્યો હતો. જે બાબતે યુવતીને પૂછતાં રાજકોટના ડો.અક્ષય જાદવે આ લેટર આપ્યો હોવાનું અને તેઓ નિકીતાના ડોક્યુમેન્ટ તપાસી, વીડિયોગ્રાફીથી ઈન્ટરવ્યુ લઈને બોગસ જોઈનિંગ લેટર તૈયાર કરી આપ્યો હતો. એઈમ્સમાં લેબ ટેક્નિશિયન તરીકે ભરતી કરવાની કોઈ સૂચના કે ઓર્ડર દિલ્હી ખાતેથી મળ્યો ન હોય આમ છતાં નિકીતાબેન લેબ ટેક્નિશિયન તરીકે હાજર થવા આવતા એડમીન વિભાગના ઓફિસરની આંખો પહોળી થઈ ગઈ હતી.
એમ.એસ.સી. પાસ કરેલા નીકીતાબેન પંચાલ પાસેથી એઈમ્સના લોગોવાળા બોગસ ડોક્યુમેન્ટ મેળવી તેની ખરાઈ કર્યા બાદ તપાસના અંતે એડમીન ઓફિસરે નોકરીનું કૌભાંડ આચરનાર ડો.અક્ષય જાદવ સામે પડધરી પોલીસ મથકમાં બોગસ ડોક્યમેન્ટ ઉભા કરી સરકાર સાથે છેતરપીંડી કરવા અંગેનો ગુનો નોંધાવ્યો છે. આ બનાવ અંગે પડધરી પોલીસે ગુનો નોંધી આરોપી ડો.અક્ષય જાદવની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ડો.અક્ષયે અનેકને છેતર્યા હોવાની શંકા
રાજકોટ નજીક ખંઢેરી ખાતે હજુ એઈમ્સ શરૂ પણ નથી થઈ ત્યાં કૌભાંડીયાઓની નજર લાગી ગઈ છે. જેમાં લેબ ટેક્નિશિયન તરીકે યુવતીને નોકરી અપાવવા બોગસ જોઈનિંગ લેટર તૈયાર કરી આપનાર રાજકોટના ડો.અક્ષય જાદવે અનેકને છેતર્યા હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button