
વડોદરામાં ટ્રેલરમાંથી બોઇલર નીચે પડતા એક યુવકનું મોત
વડોદરા જિલ્લાના સાવલી વડોદરા રોડ ખાતે આવેલી મંજુસર જી.આઇ.ડી.સીના ગેટ પાસેના રોડ પરથી લોખંડની એંગલ(બોઈલર) લઈને પસાર થઇ ખાનગી કંપનીના ટ્રેલરમાંથી અચાનક બોઇલર નીચે પડી જતા અકસ્માત થયો હતો. જેમાં બાઇક સવાર બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બન્ને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ રોડ ઉપર બેસી જઈ રામધૂન સાથે ચક્કાજામ કરતા મંજુસર પોલીસે એક બાજુનો રસ્તો બંધ કરાવી ડાયવર્ઝન આપ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સાવલી મંજુસર જી.આઇ.ડી.સી ગેટ પાસે રોડ પર ટ્રેલરમાંથી લોખંડની એંગલ(બોઈલર) પડવાથી એક બાઇક ચાલકનું મોત થતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો. અકસ્માત કરી ટ્રેલર ચાલક ટ્રેલર મૂકીને ફરાર થઇ ગયો હતો. ટ્રકમાંથી (બોઈલર નીચે પડતાં દિનેશભાઈ રબારી અને શૈલેશભાઈ વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બન્ને યુવકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે દિનેશ રબારી નામના યુવકને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ટ્રેલર ચાલકની બેદરકારીના કારણે એક યુવકે જીવ ગુમાવતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા.
રોષે ભરાયેલા લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને રસ્તા પર જ બેસીને રામધૂન બોલાવવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ચક્કાજામના પગલે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે એક તરફનો રસ્તો બંધ કરાવી ડાયવર્ઝન આપ્યું હતું. પોલીસે રોષે ભરાયેલા સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિકો માનવા તૈયાર ન હતા અને ચક્કાજામ યથાવત રાખ્યો હતો. સ્થાનિક લોકોએ રામધૂન બોલાવી ખાનગી કંપની પાસે વળતરની માંગ કરી હતી. સમગ્ર મામલે મંજુસર પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button