
સુજલામ સુફલામ જળ અભિયાનનો દાત્રાણાથી પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા
પાણી એ પ્રભુની પ્રસાદી છે – કેબિનેટ મંત્રીશ્રી
જિલ્લામાં ૧૨૨૫.૩૫ લાખના ખર્ચે ૩૩૫ કામો કરવાનું પ્રાથમિક આયોજન
સુજલામ સુફલામ જળ અભિયાનનો ખંભાળિયા તાલુકાના દાત્રાણા ખાતેથી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, પાણી એ પ્રભુની પ્રસાદી છે. વર્ષ ૨૦૧૮થી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને પ્રારંભથી જ સમગ્ર રાજ્યમાં ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડયો છે. લોકભાગીદારીથી ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે.
વધુમાં કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે યોજનામાં લોકભાગીદારીથી હાથ ધરવાના થતા કામોની કામગીરી માટે માટી/ મોરમ ખોદાણનાં ભાવો રૂ. ૪૦ થી વધારીને રૂ. ૫૨ પ્રતિ ઘન મીટર કરવામાં આવ્યા છે. જેમાં સરકારશ્રી દ્વારા કામના રકમની ૬૦ ટકા રકમ ચૂકવવામાં આવશે અને ૪૦ ટકા રકમ સંસ્થાએ પોતે ભોગવવાની રહેશે.
ડીસીલ્ટિંગને લગતી કામગીરી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, રાજ્ય સરકારના જાહેર સાહસો, એ.પી.એમ.સી., ધાર્મિક સંસ્થાઓના સહયોગથી કરી શકાશે. ખેડૂતોની જરૂરિયાત માટે સરકારશ્રી પ્રયત્નશીલ છે.
પૂર્વ ધારાસભ્યશ્રી મેરામણભાઈ ગોરિયાએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ્ યોજના એ ખેડૂતો માટે લાભદાયી છે. અહીં તળાવ ઊંડું ઉતારવાની કામગીરીથી આજુબાજુના ૫ થી ૭ ગામના ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે.
આ તકે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેકટરશ્રી એમ. એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, આપણો વિસ્તાર ખેતી આધરિત વિસ્તાર છે. અને પાણીનું મહત્વ દરેક ખેડૂત સમજે છે. આજથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. જિલ્લામાં કુલ ૧૨૨૫.૩૫ લાખના ખર્ચે ૩૩૫ કામો મંજૂર કરવામાં આવ્યા છે.
વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે જો આગામી સમયમાં જરૂર જણાશે તો સમિતિ દ્વારા વધારાના કામો આવરી લેવા અંગે મંજૂરી આપવામાં આવશે. આ તકે જિલ્લા અગ્રણી ભરતભાઈ ચાવડાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.આર.પરમાર, નિવાસી અધિક કલેકટરશ્રી ભૂપેશ જોટાનીયા, જિલ્લા પંચાયતની ખેત ઉત્પાદન અને સિંચાઇ સહકાર સમિતિના ચેરમેનશ્રી અનિલભાઈ ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સંજયભાઈ નકુમ, જિલ્લા અગ્રણીઓશ્રી મયુરભાઈ ગઢવી, નગાભાઈ ગાધેર, પ્રતાપભાઈ પિંડારિયા, નથુભાઈ ચાવડા, યુવરાજસિંહ વાઢેર, શૈલેષભાઈ કણઝારિયા, પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button