
બાગેશ્વર ધામ: શું છે વિવાદ શી એની હકીકત: કલમના કસબીનો ખાસ અહેવાલ
મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાના ઐતિહાસિક ખજુરાહો મંદિર સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ મંદિર અને તેમાંની પ્રતિમાઓ કળાકારીનું શાનદાર ઉદાહરણ છે.
ખજુરાહોથી દિલ્હી જતી ટ્રેન છત્તરપુર પાસેના એક સ્થળે જરૂર રોકાય છે, પરંતુ એ કોઈ સ્ટેશન નથી. આ એ સ્થળ છે, જ્યાં ખાસ કરીને દર મંગળવાર તથા શનિવારે ચેઇન ખેંચીને ટ્રેન રોકવામાં આવે છે. ટ્રેનમાંથી સંખ્યાબંધ લોકો ઊતરે છે. એ લોકોને તેમના લક્ષ્યસ્થાને લઈ જવા માટે રિક્ષા, ટેમ્પો કે બસ હંમેશાં તૈયાર હોય છે.
આ લોકો જે સ્થળે જાય છે તેનું નામ છે બાગેશ્વર બાબા ધામ. તેમાં 26 વર્ષના ‘બાબા’ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બિરાજે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ચર્ચામાં છે. તેનું કારણ છે – અંધવિશ્વાસ ફેલાવવાના, મીડિયા કવરેજ અને બીજા આરોપોના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપેલા જવાબ.
ધીરેન્દ્ર શાસ્ત્રી સમાચારમાં ચમકી રહ્યા હોય તેવી આ પહેલી ઘટના નથી. મુખર શૈલી, ભક્તોની ચિઠ્ઠીમાં લખેલા સવાલોના જવાબ, સનાતન ધર્મની વાતો, કેન્દ્રીય પ્રધાનોના આશીર્વાદ, અજબ વર્તન, વિવાદાસ્પદ નિવેદનો, જમીન કબજે કર્યાના આરોપ….ધીરેન્દ્ર શાસ્ત્રીના વ્યક્તિત્વનાં અનેક પાસાં છે.
ગરીબીમાં દક્ષિણાથી માંડીને પ્લેન સુધી: ખજુરાહો મંદિરથી લગભગ 35 કિલોમીટર દૂર ગઢા નામનું ગામ આવેલું છે. તે ગામના રામકૃપાલ તથા સરોજને ત્યાં 1996માં ધીરેન્દ્રનો જન્મ થયો હતો. ધીરેન્દ્ર ઘરેથી શાળાએ જવા રવાના થતા, પરંતુ મંદિરે પહોંચી જતા હતા. નાની વયથી જ તેઓ ધોતિયું- જભ્ભો પહેરવા માંડ્યા હતા.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ધીરેન્દ્રનો પરિવાર બહુ ગરીબ હતો. પરિવાર માગીને ભોજન કરતો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીની વેબસાઇટ પરની માહિતી મુજબ, “ધીરેન્દ્રનું બાળપણ અભાવમાં પસાર થયું હતું. કર્મકાંડી પરિવાર હતો. પૂજા-પાઠમાં જે દક્ષિણા મળતી હતી તેમાંથી જ પાંચ લોકોના પરિવારનું ગુજરાન ચાલતું હતું.”
ધીરેન્દ્રનાં કુલ ત્રણ ભાઈ-બહેન છે. તેમાં ધીરેન્દ્ર સૌથી મોટા છે. રીતા ગર્ગ તથા શાલીગ્રામ ગર્ગ ધીરેન્દ્રનાં બહેન-ભાઈ છે. બહેનનાં લગ્ન થઈ ગયાં છે અને ભાઈ આશ્રમનું કામકાજ સંભાળે છે.
ગઢામાં ધીરેન્દ્રની વયના કેટલાક યુવાનોએ એબીટુને કહ્યું હતું કે, “તેઓ મોટા ભાગે તો ધાર્મિક ક્રિયાકર્મ જ કરતા હતા. ક્યારેક ક્રિકેટ રમતા હતા. તેમણે ગઢાની સરકારી શાળામાં આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.”
ધીરેન્દ્રના દાદા સૈતુલાલ ગર્ગ પણ પૂજા-પાઠ તથા ધાર્મિક કામ કરતા હતા. ધીરેન્દ્રને તેમની પાસેથી જ ધાર્મિક ક્રિયાકર્મના ગુણ મળ્યા હતા અને તેઓ પણ નાની વયથી એ કામ કરવા લાગ્યા હતા.
એક વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી જણાવે છે કે, “મારા દાદાજી સતત ત્રણ વખત મને સપનામાં આવ્યા હતા. તેમણે મને અજ્ઞાતવાસમાં જવા કહ્યું હતું. અજ્ઞાતવાસ શું છે તે હું ત્યારે જાણતો ન હતો. પાંડવોએ અજ્ઞાતવાસ કર્યો હતો, એવી ખબર પડી ત્યારે સમજાયું હતું કે ભગવાનના આશીર્વાદ અજ્ઞાતવાસથી પણ મળે છે. હું અજ્ઞાતવાસમાંથી પાછો આવ્યો ત્યારથી દરબાર યોજવાનું શરૂ કર્યું હતું. લોકોનો સહકાર મળતો રહ્યો.”
ધીરેન્દ્ર સાથે શાળામાં અભ્યાસ કરી ચૂકેલી એક વ્યક્તિએ એબીટુને કહ્યું હતું કે, “સ્કૂલમાં ધીરેન્દ્ર મારાથી એક ક્લાસ પાછળ હતા. તેમણે દસમું પાસ કર્યું છે કે નહીં તેની મને ખબર નથી. અગાઉ તો એ રખડ્યા કરતા હતા. ભણવામાં પણ ખાસ ન હતા. કહેતો કે મોટા થઈને ધંધો કરવો છે. પછી ખબર નહીં, એક વર્ષ ક્યાં ગાયબ થઈ ગયા. પાછા ફર્યા ત્યારે અલગ જ હતા. ધીમે-ધીમે ધારાસભ્યો, માથાભારે લોકો આવવાનું શરૂ થયું હતું. એમ સમજી લો કે તે બન્યો છે કૉંગ્રેસી નેતાઓને કારણે, પરંતુ આજે જે થઈ રહ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા છે. પાંચ વર્ષ પહેલાં સુધી તો તે સાઇકલ, મોટર સાઇકલ પર રખડ્યા કરતા હતા.”
ધીરેન્દ્ર શાસ્ત્રીની વેબસાઇટ જણાવે છે કે, “ગુરુદેવને (ધીરેન્દ્ર) બાળપણમાં જ અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. ત્રણ ભાઈ-બહેનમાં સૌથી મોટા ગુરુદેવનું બાળપણ પરિવારની આજીવિકાની જવાબદારી સંભાળવામાં પસાર થતું હતું. પછી એક દિવસ દાદાગુરુના આશીર્વાદથી તેઓ બાલાજી મહારાજની સેવામાં જોડાઈ ગયા હતા.”
એ સેવાનું તેમને કેટલું મીઠું ફળ મળ્યું તેનો જવાબ ધીરેન્દ્ર શાસ્ત્રીનું વર્તમાન જીવન આપે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હવે પ્લેન અને ઘણીવાર પ્રાઇવેટ જેટમાં પ્રવાસ કરે છે. ભારતથી માંડીને લંડન સુધી તેમનો આદર કરવામાં આવે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી બહાર જવા નીકળે છે ત્યારે ડઝનબંધ મોટરકારનો કાફલો તેમની સાથે હોય છે, પરંતુ આ બધું કેવી રીતે થયું?
પ્રાચીન શિવમંદિર અને બાલાજીનું મંદિર: ગઢામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પાસે પ્રાચીન શિવમંદિર આવેલું છે. એ મંદિરમાં એક સંન્યાસી રહેતા હતા. ધીરેન્દ્ર તેમનો વારસો તથા આશીર્વાદ આગળ વધારવાની વાતો કરતા રહે છે. આ શિવમંદિરમાં બાલાજીનું એક મંદિર પણ છે. તેને જોતાં લાગે છે કે તેનું નિર્માણ થોડાંક વર્ષો પહેલાં જ કરવામાં આવ્યું છે.
થોડાં વર્ષો પહેલાં અહીં માત્ર શિવમંદિર હતું, પરંતુ બાલાજીનું મંદિર બન્યું ન હતું, એવું દર્શાવતા કેટલાક વીડિયો પણ ઉપલબ્ધ છે. ધીરેન્દ્ર તે સ્થળેથી થોડા દૂર બિરાજે છે. ચંદલા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રાજેશ પ્રજાપતિના પિતા આર. ડી. પ્રજાપતિએ એબીટુ ને વાત કરી હતી. આર. ડી. પ્રજાપતિ પહેલેથી ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધી રહ્યા છે.
આર. ડી. પ્રજાપતિએ કહ્યું હતું કે, “આ જગ્યાએ અગાઉ શંકર ભગવાનનું મંદિર હતું. તેની બાજુમાં હનુમાનજીની મૂર્તિ હતી. ધીરેન્દ્રના પિતા અહીં પૂજા કરતા હતા. એ લોકો પાસે પોતાનું ઘર ન હતું. બાજુમાં જ એક સામુદાયિક ભવન હતું. તેમાં આ લોકો રહેતા હતા. પૂજા-પાઠ કરતા હતા. ગામના લોકો તેમને મદદ કરતા હતા. ધીમે-ધીમે તેમણે દરબાર ભરવાનું શરૂ કર્યું હતું.”
ગઢામાં રહેતા ઉમાશંકર પટેલે એબીટુને કહ્યું હતું કે, “ધીરેન્દ્ર પર બાબાની કૃપા થઈ અને ત્યારથી બધું બદલાઈ ગયું.”
ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઘણી વાર રામભદ્રાચાર્ય મહારાજને પોતાના ગુરુ ગણાવ્યા છે. રામભદ્રાચાર્ય બાળપણથી જ નેત્રહીન છે અને તેમના અનુયાયીઓમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ જેવા લોકોનો સમાવેશ થાય છે.
ઇન્ટરનેટથી સફળતાનો માર્ગ: ભારતમાં ઇન્ટરનેટનો વપરાશ વધવાનો લાભ ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ મળ્યો છે. ધીરેન્દ્ર વીડિયો, યૂ-ટ્યૂબ, વૉટ્સઍપ અને પછી સંસ્કાર ચેનલ મારફત અનેક લોકો સુધી પહોંચ્યા. તેમાં સોશિયલ મીડિયાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ધીરેન્દ્રના મોટા ભાગના વીડિયો લાખો લોકોએ નિહાળ્યા છે. યૂ-ટ્યૂબ પર તેમના 37 લાખથી વધુ સબસ્ક્રાઇબરો છે અને ત્રણ વર્ષમાં તેમના વીડિયોને કુલ 54 કરોડથી વધુ વ્યૂ મળ્યા છે, ફેસબુક પર બાગેશ્વર ધામના 30 લાખ, ટ્વિટર પર 60,000 અને ઇન્સ્ટાગ્રામ પર બે લાખથી વધારે ફોલોઅર છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી અને બાબા બાગેશ્વર ધામની ટીમ ઇન્ટરનેટને કેટલી સારી રીતે સમજે છે તેનાં કેટલાંક ઉદાહરણ જોઈએઃ બાબા બાગેશ્વર ધામની વેબસાઇટ ગૂગલ સર્ચને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સરળ ભાષામાં સમજીએ તો લોકો ગૂગલ પર શું લખીને સર્ચ કરતા હોય છે, કેવા સવાલ બાબતે વધારે સર્ચ કરતા હોય અને ક્યા કી-વર્ડ સાથે સર્ચ કરતા હોય છે, તેનું ધ્યાન આ વેબસાઇટના નિર્માણમાં રાખવામાં આવ્યું છે. જેથી ગૂગલ પર કોઈ સર્ચ કરે તો તેઓ સીધા ધીરેન્દ્રની વેબસાઇટ પર પહોંચી શકે.
આ વેબસાઇટના હોમ પેજ પર 23 જાન્યુઆરીએ ‘બાગેશ્વર ધામ શ્રી યંત્રમ્’નો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ યંત્ર ભારતના માત્ર 5,000 ‘ભાગ્યશાળી’ લોકોને મળશે અને તે ઘરમાં રાખવાથી ગરીબી દૂર થશે.
એ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. તેમાં વ્યક્તિ તેનું નામ, ફોન નંબર લખે કે તરત સંસ્કાર ટીવીની વેબસાઇટ પર તેનું ઍકાઉન્ટ બની જાય છે. આ સંસ્કાર ટીવીના માલિક યોગગુરુ તથા ઉદ્યોગપતિ બાબા રામદેવ છે. વિવાદોમાં ઘેરાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં હવે બાબા રામદેવ પણ આવ્યા છે. રામદેવે કહ્યુ હતું કે, “દરેક જગ્યાએ પાખંડ શોધવો ન જોઈએ.”
યૂ-ટ્યૂબમાં થંબનેલ એટલે કે વીડિયો પ્લે કરતાં પહેલાં જોવા મળતો ફોટોગ્રાફ બહુ મહત્ત્વનો ગણવામાં આવે છે. બાગેશ્વર ધામની યૂ-ટ્યૂબ ચેનલના વીડિયો પર નજર કરીએ તો તે સર્ચ તથા લોકોના મિજાજને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હોય તેવું લાગે છે. તેનાં કેટલાંક ઉદાહરણ જોઈએઃ લવેરિયાવાળા છોકરાની ઇચ્છા પૂર્ણ થઈ, ધનવાન બનવાના દસ ઉપાય, સાસુ-વહુના ઝઘડાના ઉપાય, દેવામુક્ત થશો, વેપાર ચાલશે
લક્ષ્મી ઘરે કેમ રોકાતી નથી? લગ્ન પછી આટલું બોલશો નહીં, એવું છોકરીએ શા માટે કહ્યું?
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં પ્રવેશ કઈ રીતે મળે?: ઇન્ટરનેટ સિવાયની વાત કરીએ તો ધીરેન્દ્રના ચાહકોમાં જમીન પર પણ ઘણા લોકો જોવા મળે છે.
ધીરેન્દ્રના પિતરાઈ ભાઈ લોકેશ ગર્ગે મીડીયાને કહ્યું હતું કે, “રોજ લગભગ 10-15,000 લોકો બાગેશ્વર ધામ આવે છે. ગુરુજી મહારાજ (ધીરેન્દ્ર) હાજર હોય ત્યારે મંગળ અને શનિવારે, અહીં દોઢ-બે લાખથી વધુ લોકો આવે છે.”
છત્તીસગઢના દરબારમાં જાન્યુઆરીમાં ગયેલા એક પત્રકારે જણાવ્યું હતું કે એ કાર્યક્રમમાં ત્રણ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરબારમાં પ્રવેશ કેવી રીતે મેળવી શકાય? તેની પ્રક્રિયા શું છે? આ વિશેની જાણકારી બાબા બાગેશ્વર ધામની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાં જણાવ્યા મુજબ, બાગેશ્વર ધામ દ્વારા સમયાંતરે ટોકન આપવામાં આવે છે. મહારાજના નિર્ણય પછી સમિતિ શ્રદ્ધાળુઓને ટોકનની તારીખ જણાવે છે.
આ માહિતી દરબાર તથા સોશિયલ મીડિયા મારફત આપવામાં આવે છે. શ્રદ્ધાળુઓએ પોતાનું તથા પિતાનું નામ, ગામ, જિલ્લો, રાજ્ય, પિનકોડ નંબર અને ફોન નંબર ટોકનમાં લખવાના હોય છે. જેમના ટોકનનો નંબર લાગે તેનો સંપર્ક સમિતિ કરે છે. જે દિવસનું ટોકન હોય એ દિવસે વ્યક્તિએ બાગેશ્વર ધામ જવાનું હોય છે. આ પ્રક્રિયા નિઃશુલ્ક છે. વેબસાઇટ પર લખ્યું છે કે, “કેટલી વખત હાજર રહેવાનું છે તે ગુરુદેવ પોતે જણાવી દે છે, પરંતુ કમસેકમ પાંચ મંગળવાર દરબારમાં હાજરી આપવાનો આદેશ દરેક ભક્તને મળે છે.”
બાગેશ્વર ધામની વેબસાઇટ પર ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા કેટલાંક અન્ય કામ કરવામાં આવ્યાં હોવાનો દાવો પણ કરવામાં આવે છે. બાગેશ્વર ધામમાં ધરવામાં આવતાં નાણાં તથા દાનનો ઉપયોગ ગૌરક્ષા, ગરીબ કન્યાઓનાં લગ્ન, મંગળવાર તથા શનિવારે ભૂખ્યા લોકો માટે ભોજન, પર્યાવરણ માટે બાગેશ્વર બગીચા અને વૈદિક ગુરુકુળના નિર્માણ માટે કરવામાં આવે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીની મજબૂત થતી ‘જમીન’: ટોકન અને બાગેશ્વર ધામમાં લોકોની શ્રદ્ધા એટલી વધી રહી છે કે ગઢા ગામમાં જમીનના ભાવમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. અહીં આવતા લોકોની સંખ્યાને કારણે જમીનના ભાવ ઝડપભેર વધી રહ્યા છે. ગઢામાં દુકાનો તથા બીજી સુવિધાઓ પણ ઝડપભેર વિકસી રહી છે.
ચંદલાના ભૂતપૂર્વ ધારાસભ્ય આર. ડી. પ્રજાપતિ આક્ષેપ કરે છે કે “ગઢામાં સરકારી જમીન પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિર્માણ કરાવ્યું છે.”
ધીરેન્દ્ર શાસ્ત્રી પર જમીન હડપવાનો આક્ષેપ કેટલાક સ્થાનિક લોકોએ કર્યો હતો, તેમણે ધરણાં કર્યાં હતાં અને આ વિશે સ્થાનિક વહીવટી અધિકારીઓને ફરિયાદ પણ કરી હતી. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને અદાલતે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરવાનો આદેશ આપ્યો હતો.
આ કેસ કરનાર અનેક લોકોમાં 26 વર્ષના સંતોષસિંહનો પણ સમાવેશ થાય છે. સંતોષસિંહે એબીટુને કહ્યું હતું કે, “આ જગ્યાએ અમારી દુકાન હતી. એક રાતે એ લોકો આવ્યા હતા અને અમારી દુકાન હઠાવી દીધી હતી. અમને ખબર પણ પડી નહીં. અમે કલેક્ટર ઑફિસે ગયા હતા, પણ અમારી વાત કોઈએ સાંભળી ન હતી. અમે ધરણાં કર્યાં હતાં. આ જગ્યા મંદિરની પાછળ આવેલી છે. થોડા દિવસ પહેલાં આ લોકોએ કહ્યું હતું કે જમીન અમને આપી દો અને અમારા નામે રજિસ્ટર કરાવો. તેથી અમારા પિતા, કાકાએ આ જમીન લગભગ રૂ. 30 લાખમાં વેચી નાખી છે.”
સરકારી જમીન, તળાવ અને સ્મશાન: ધીરેન્દ્રની વેબસાઇટ પર પર્યાવરણના રક્ષણ માટે ફૂલઝાડના રોપણની વાતો જોવા મળે છે, પરંતુ ગઢામાં જ પર્યાવરણને નુકસાન કરવાનો આરોપ તેમના પર છે. અહીં એક તળાવ છે અને પાસેના મંદિરમાં નજીક સ્મશાન પણ હતું.
ધારાસભ્ય આર. ડી. પ્રજાપતિએ આક્ષેપ કર્યો હતો કે, “ગામમાં એક તળાવ હતું, સ્મશાન હતું. તેના પર પણ કબજો કરી લીધો. ગામના સામુદાયિક ભવન પર કબજો કર્યો. એ વિસ્તારમાં અંધવિશ્વાસ આજે પણ છે. પાંચ રૂપિયાનું લૉકેટ ક્યારેક 5,000 રૂપિયામાં તો ક્યારેક 51,000માં આપવાનું શરૂ કર્યું છે. આવી રીતે કરોડો કમાયા. આ રીતે તેમનો ધંધો ચાલવા લાગ્યો.”
ધીરેન્દ્ર શાસ્ત્રી પરના આ આક્ષેપો બાબતે એબીટુએ છત્તરપુરના કલેક્ટરનો સંપર્ક કર્યો હતો, પરંતુ આ સ્ટોરી લખાય છે ત્યાં સુધી તેમના તરફથી પ્રત્યુત્તર મળ્યો નથી.
ધીરેન્દ્રના પિતરાઈ ભાઈ અને તેમની ટીમના મહત્ત્વના સભ્ય લોકેશ ગર્ગે જમીન કબજે કરવાના આક્ષેપને નકારી કાઢ્યો હતો. તેમણે મીડીયાને કહ્યું હતું કે, “સ્મશાનની જમીન અને તળાવ આજે પણ છે. સ્વચ્છ ભારત અભિયાનને ધ્યાનમાં રાખીને અમે સ્મશાનની જમીનની સફાઈ કરાવી હતી. અમે જ્યાં રહીએ છીએ તેનું નિર્માણ અમારા દાદાજીએ કરાવ્યું હતું. વાત રહી અંધવિશ્વાસની. કોઈ લોકોને એકઠા કરે? અમે લોકોને એવું નથી કહેતા કે આ લઈ લો, આ ઉઠાવો. આ તો બાલાજીની કૃપા છે.”
ગઢા છોડીને અન્ય શહેરમાં નોકરી કરતી એક વ્યક્તિએ એબીટુને કહ્યું હતું કે, “સામુદાયિક ભવનનું નિર્માણ કરાવી શકાય એટલી જમીન અને પૈસા આ લોકો પાસે ક્યાં હતા. તેમણે નીચેના ફ્લોરમાં કામકાજ નહીં કરાવ્યું હોય તો ખબર પડશે કે તે સરકારી જગ્યા છે.”
જમીનસંબંધી વિવાદ બાબતે લોકેશે કહ્યું હતું કે, “કોઈ પ્રગતિ કરે ત્યારે તેની પાછળ કોઈને કોઈ ષડ્યંત્ર જોડી દેવામાં આવે છે. આ જમીન મંદિર પાસે પહેલેથી જ હતી. કોઈ વિરોધી હોય છે. તેમના કહેવાથી કેટલાક લોકો બોલતા હતા, પરંતુ સત્ય બહાર આવ્યું ત્યારે તેઓ પાછા હઠી ગયા.”
આ દરમિયાન ગઢાને શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવાના પ્રયાસ પણ તેજ થયા હતા. તેની એક હકીકત ગામના લોકોની પણ છે: ઉમાશંકરનું પૈતૃક ઘર ગઢામાં છે અને હવે પરિવાર છત્તરપુરમાં રહે છે. ઉમાશંકરે કહ્યું હતું કે, “ગામમાં લોકો વર્ષોથી પોતાના ઘરમાં રહે છે. કોઈ દસ્તાવેજ વગેરે થોડા હોય. અગાઉ સરપંચ જ્યાં જગ્યા આપતા ત્યાં લોકો ઘર બનાવતા હતા. હવે આ લોકો પ્રખ્યાત થઈ ગયા છે એટલે રસ્તામાં જે ઘર આવતાં હતાં તેના દસ્તાવેજને મુદ્દો બનાવીને વહીવટી તંત્રની મદદથી હઠાવી દીધાં હતાં. વહીવટી તંત્રમાં ફરિયાદ કરી તો જવાબ મળ્યો કે તપાસ ચાલી રહી છે.”
તળાવ અને સ્મશાનની વાત કરતાં ઉમાશંકરે કહ્યું હતું કે, “થોડા સમય પહેલાં એ લોકોએ કહ્યું હતું કે સ્મશાનની જગ્યાએ યજ્ઞ કરવાનો છે. લોકો આવશે એટલે હઠાવી નાખો. પછી તેનો ઉપયોગ કરજો. તેમણે આ સ્થળે મોટી વેદીનું નિર્માણ કર્યું. હવે કહે છે કે આ યજ્ઞની વેદી છે. તેથી તેને હઠાવી શકાય નહીં. તેને જાતે હઠાવશો તો તે ધર્મ વિરુદ્ધનું કૃત્ય હશે.”
ગઢામાં વધતા વેપાર તથા માર્કેટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કેટલી દખલ છે તેની વાત કરતાં લોકોએ જાન્યુઆરી, 2023ની એક ઘટના જણાવી હતી.
ગઢાની દુકાનોમાં પાણીનો પુરવઠો બાજુના એક વિસ્તારમાંથી આપવામાં આવે છે. પાણીનું મોટું કેન 20 રૂપિયાનું મળે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની ટીમના લોકોએ 20 રૂપિયાના પ્રત્યેક કેન પર પાંચ રૂપિયા કમિશન માગ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવે છે.
ગઢાના એક રહેવાસીએ કહ્યું હતું કે, “આ વિશે લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. તેને લીધે વિવાદ થયો ત્યારે એ લોકોએ માફી માગવી પડી હતી. પોસ્ટ પણ ડિલીટ કરાવી હતી. મહારાજજીનો ફોન આવ્યો એટલે વિવાદનું નિરાકરણ થયું.”
એબીટુએ આ આક્ષેપો બાબત ધીરેન્દ્ર શાસ્ત્રી પાસેથી સ્પષ્ટતા મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમની ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે “મહારાજજી હાલ બહાર ગયા છે. તેઓ ધામ પર પાછા આવશે ત્યારે જ તેમની સાથે વાત થઈ શકશે.”
ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્તોઃ સામાન્ય લોકોથી માંડીને ખાસ લોકો સુધી
ધીરેન્દ્રના દરબારમાં હાજરી આપતા ભક્તોમાં સામાન્ય લોકો જ નથી. એ યાદીની શરૂઆત છત્તરપુરના સ્થાનિક નેતાઓ પૈકીના કૉંગ્રેસી ધારાસભ્ય આલોક ચતુર્વેદીથી થાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની પ્રગતિમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.
એ યાદીમાં ભાજપના કૈલાસ વિજયવર્ગીય, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ, મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા અને નીતિન ગડકરી તથા ગિરિરાજસિંહ જેવા કેન્દ્રીય નેતાઓનો પણ સમાવેશ થાય છે.
નેતાજી ધીરેન્દ્રના દરબારમાં જાય છે ત્યારે માત્ર ફોટોગ્રાફ બહાર આવે છે, પરંતુ સામાન્ય લોકો દરબારમાં હાજરી આપે છે ત્યારે અનેક પ્રકારના વીડિયો બહાર આવે છે. શ્રદ્ધાળુઓની ચિઠ્ઠીમાં લખવામાં આવેલા સવાલ અને તેના ધીરેન્દ્રે આપેલા જવાબથી લગભગ બધા વીડિયોમાં લોકો સંતુષ્ટ દેખાય છે. ધીરેન્દ્ર તેમને પૂછે છે કે ધામમાં આવ્યા પછી તેમનું જીવન કેટલું બદલાયું? બધા લોકો તેનો જવાબ હકારમાં આપે છે.
તાજેતરમાં ધીરેન્દ્ર પર અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો વધ્યા છે ત્યારે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમની પસંદગીના લોકો વચ્ચે ચમત્કાર કરી દેખાડવાનો પડકાર ફેંક્યો છે. શ્યામ માનવે જણાવ્યું હતું કે ધીરેન્દ્ર એવું કરશે તો તેઓ તેમને રૂ. 30 લાખનું ઇનામ આપશે. આ જાહેરાતના બે દિવસ પહેલાં જ ધીરેન્દ્રે પોતાનો દરબાર બંધ કરવાની વાત કહી હતી. જોકે, આ બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે કાર્યક્રમ બે દિવસ પહેલાં પૂર્ણ કરવાની યોજના નિર્ધારિત હતી.
શ્યામ માનવના પડકાર અને ફરિયાદ નોંધાવવાના સમાચારને લીધે વધારે લોકોનું ધ્યાન ધીરેન્દ્ર તરફ ખેંચાયું. મીડિયાએ ધીરેન્દ્રનું કવરેજ શરૂ કર્યું. ધીરેન્દ્રે પત્રકારોને મુલાકાત આપી અને પત્રકારો પસંદગીના લોકોની ચિઠ્ઠી વાંચવા લાગ્યા હતા.
છત્તીસગઢમાં 20 જાન્યુઆરીએ યોજાયેલા ધીરેન્દ્રના કાર્યક્રમમાં અનેક પત્રકારો સામેલ થયા હતા. પત્રકારો સમક્ષ ખુદને સાબિત કરવાનો પ્રયાસ કરતા ધીરેન્દ્રના અનેક વીડિયો વાઇરલ થયા હતા.
એક વીડિયોમાં ધીરેન્દ્ર એક રિપોર્ટરને ભક્તોની ભીડમાં બેઠેલા કોઈ પણ ફરિયાદીને પસંદ કરવા જણાવે છે. એ દરમિયાન ધીરેન્દ્ર ચિઠ્ઠી લખે છે. રિપોર્ટર મહિલા ભક્તને ચૂંટી લાવે એ પહેલાં જ ધીરેન્દ્ર એ મહિલાની સમસ્યા ચિઠ્ઠી પર લખી જણાવે છે.
એબીટુએ તે રિપોર્ટર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મને આ બધામાં વિશ્વાસ નથી. નોકરી હતી એટલે ત્યાં ગઈ હતી. વ્યક્તિગત રીતે મને એવું લાગે છે કે આવા કવરેજથી બાબાઓને જ ફાયદો થાય છે. મેં જે મહિલાની પસંદગી કરી તેને ચૂંટવા મને કોઈએ કહ્યું ન હતું. એ મહિલા સ્ટેજ પરથી નીચે આવી ત્યારે મેં તેને પૂછ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમને તમારા મનમાં હતી એ જ વાત કહી હતી? મહિલાએ હા પાડી હતી. એ ચમત્કાર હતો કે બીજું કંઈ તે લોકોએ જાતે નક્કી કરવું જોઈએ.”
રિપોર્ટરના કહેવા મુજબ, “ધીરેન્દ્રે પત્રકારો માટે ખૂણામાં અલગ જગ્યા રાખી હતી. અમે ત્યાં ઊભા હતા. પછી તેઓ અચાનક બોલ્યા કે અમે માત્ર અમારા લોકોને જ બોલાવ્યા છે એવું પત્રકારોને લાગતું હશે. એક કામ કરો તમે તમારી કોઈ વ્યક્તિને પસંદ કરી લાવો.”
ધીરેન્દ્રની રીત, વ્યવહાર, નિવેદનો અને વિવાદ
ધીરેન્દ્રની એક ખાસ શૈલી છે, જે મંચ પર હંમેશાં જોવા મળે છે. તેઓ રસપ્રદ વાત કહ્યા પછી તરત જ તાળી વગાડે છે અને જય શ્રીરામ કહે છે.
ધીરેન્દ્ર તેમની સભાઓમાં ભૂતપ્રેતના ઇલાજના દાવા પણ કરે છે. તેઓ મંચ પરથી ફૂંક મારે છે. એકઠી થયેલી ભીડમાંથી ચીસો સંભળાય છે. ભીડમાંથી ઊભાં થતાં પુરુષો, સ્ત્રીઓ ચીસો પાડે છે. ધીરેન્દ્ર કહે છે કે તેમને વધુ ફટકારો, સાંકળોમાં જકડી લો.
સંશોધકો અને ડૉક્ટરોનું માનવું છે કે, “લોકો ભૂતની હાજરી અનુભવતા હોય છે ત્યારે તેમનું દિમાગ ભટકતું હોય છે. તે શરીરની અયોગ્ય સ્થિતિનું અનુમાન કરે છે અને એવું માને છે કે શરીર કોઈ બીજાનું છે.”
ધીરેન્દ્ર વારંવાર ભારપૂર્વક કહે છે કે, “અમે કોઈ ચમત્કાર કરતા નથી. આ તો બાલાજીની કૃપા છે. જે કરે છે એ તેઓ જ કરે છે. અમે કશું કહેતા નથી, બાલાજી કહે છે.”
ધીરેન્દ્ર શ્રદ્ધાળુઓની સમસ્યા વિશે જ નહીં, પણ કાશ્મીર ફાઇલ્સ, પઠાન જેવી ફિલ્મોથી માંડીને હિન્દુ રાષ્ટ્ર તથા સનાતન ધર્મની વાતો પણ કરે છે.
આ શ્રેણીમાં ધીરેન્દ્રે 23 જાન્યુઆરીએ કહ્યું હતું કે, “નેતાજી સુભાષચંદ્ર બોઝે નારો આપ્યો હતો કે તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા. અમે આજે ભારતના ઇતિહાસમાં નવો નારો બનાવ્યો છે : તુમ મેરા સાથ દો, હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેંગે. ભારતના લોકો બંગડી પહેરીને ઘરમાં બેઠા ન રહો. માત્ર બાગેશ્વર ધામ પર જ નહીં, પ્રત્યેક સનાતની સામે આંગળી ઉઠાવવામાં આવી છે.”
મે, 2022માં ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો વાઇરલ થયો હતો. તેમાં એક વ્યક્તિ ધીરેન્દ્રને ચરણસ્પર્શ કરતી જોવા મળે છે. ધીરેન્દ્ર તેને રોકીને કહે છે કે “મને ચરણસ્પર્શ કરશો નહીં. અછૂત માણસ છે…જય હો.”
આ વીડિયોને પગલે ધીરેન્દ્ર અસ્પૃશ્યતામાં માને છે, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે, એ બાબતે ધીરેન્દ્રે એવું કહ્યું હતું કે, “અમે બાબાજીની ગદા માટે છીએ. તેથી અમે સ્પર્શથી દૂર રહીએ છીએ. ઘણા લોકો મદ્યપાન કરીને, કાંદા-લસણ ખાઈને આવતા હોય છે. અમને બધામાં રામ દેખાય છે ત્યારે રામજી પાસે પ્રણામ કેવી રીતે કરાવીએ? અમે એ દરબારમાંથી આવ્યા છીએ, જ્યાં કોઈ ઊંચનીચ નથી.” ધીરેન્દ્ર ઘણીવાર મુસલમાનો વિશે અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે. તેઓ ‘ઘરવાપસી’ ની વાત પણ કરે છે.
એક વીડિયોમાં જોવા મળે છે કે સુલતાના નામનાં એક મહિલા પોતાને છત્તીસગઢની રહેવાસી ગણાવે છે અને કહે છે કે હું મુસલમાન છું, પરંતુ મૂર્તિ તથા દેવીદેવતાનાં ચિત્રોની પૂજા કરું છું ત્યારે મારા પરિવારજનો ગુસ્સે થાય છે. મંચ પરથી ધીરેન્દ્ર પૂછે છે કે, “તમે હિન્દુ ધર્મ અપનાવવા ઇચ્છો છો?” મહિલા જવાબ આપે છે કે હિન્દુ ધર્મથી વધારે સારું કશું જ નથી.
ધીરેન્દ્ર શાસ્ત્રીનાં કેટલાંક વિવાદાસ્પદ નિવેદન: 33 કરોડ દેવી-દેવતા છે ત્યારે ચંદ્રને પૂજવાની શું જરૂર? કાયર હિન્દુઓ જાગૃત થાઓ, હથિયાર ઉઠાવો, કહી દો કે અમે બધા એક છીએ, સરકાર બુલડોઝરથી ક્યાં સુધી તોડતી રહેશે હિન્દુઓએ તોડવું પડશે, બધા હિન્દુ એક થઈ જાઓ અને પથ્થરમારો કરનારના ઘર પર બુલડોઝર ચલાવો.
ધીરેન્દ્ર શાસ્ત્રી કરે છે તેને શું કહેવાય?
તમે વિચારતા હશો કે ધીરેન્દ્ર જે કરે છે તે વાસ્તવમાં શું છે? આ સવાલના અનેક જવાબ છે.
ધીરેન્દ્રને પૂછીશું તો જવાબ મળશે કે, “અમે કશું નથી કરતા, બધું બાલાજી કરે છે અને અમારી પાસે કરાવે છે.”
શ્રદ્ધાળુઓને પૂછીશું તો જવાબ મળશે કે આ ચમત્કાર છે. વિજ્ઞાન, મનોવિજ્ઞાનીઓ અને જાદૂગરોને પૂછીશું તો બિલકુલ અલગ જવાબ મળશે.
મેન્ટલિઝમ નામની એક કળા છે. તે માઇન્ડ રીડિંગ એટલે કે દિમાગ વાંચવાની કળા છે. આ કળા જાણતા લોકો હાવભાવ, શબ્દોના ઉપયોગ અને બોલીના આધારે સામેની વ્યક્તિના દિમાગમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે.
આ કળાનાં એક જાણકાર અને યૂ-ટ્યૂબર સુહાની શાહ મુંબઈમાં રહે છે. આજકાલ તેઓ ટીવી ચેનલો પર પણ જોવા મળે છે. સુહાની તેમના યૂ-ટ્યૂબ વીડિયો તથા કાર્યક્રમોમાં સામેની વ્યક્તિના કશું કહ્યા વિના તેની સાથે જોડાયેલી કેટલીક વાતો કહી સંભળાવે છે.
સુહાનીએ મીડીયાને કહ્યું હતું કે, “જાદૂના કેટલાય પ્રકાર હોય છે. તેમાં મેન્ટલિઝમ એક છે. હું 32 વર્ષની છું અને સાત વર્ષની વયથી જાદૂની ટ્રિક્સ કરી રહી છું. છેલ્લાં 10 વર્ષથી હું મેન્ટલિઝમ કરી રહી છું. તેમાં અનેક ટેકનિક હોય છે. ઘણીવાર આંખોની હિલચાલ, હાવભાવ, બોલવાની રીત વડે સામેની વ્યક્તિના મનની વાત જાણી શકાય છે. આ સમગ્ર કળા લોકોના દિમાગસંબંધી છે.”
ધીરેન્દ્રના કાર્યક્રમ અને કૃપાથી લોકોનું ભલું કરવા બાબતે સુહાની શાહ અસહમત છે. સુહાનીએ કહ્યું હતું કે, “સનાતન ધર્મ કહે છે કે સાચું બોલવું જોઈએ. તેથી કોઈ ખોટું બોલતું હોય તો તે અયોગ્ય છે. હનુમાનજી આપણા બધાના ભગવાન છે અને આપણા બધા પર તેમની કૃપા છે. ધીરેન્દ્ર કોઈનું દિમાગ વાંચી શકતા હોય તો તે એક ટ્રિક છે અને તેમણે તેને ટ્રિક જ કહેવી જોઈએ. મારા વીડિયો નિહાળશો તો સમજાશે કે હું ધીરેન્દ્ર કરે છે તેના કરતાં ઘણી આગળની ચીજો કરું છું. અમે જેને કળા કહીએ છીએ તેને ધીરેન્દ્ર ચમત્કાર કહે છે.”
યુપીએસસી કોચિંગના વિખ્યાત શિક્ષક ડૉ. વિકાસ દિવ્યકીર્તિએ બીજાનું દિમાગ વાંચવાની કળા વિશે કહ્યું હતું કે, “સામેની વ્યક્તિની આંખો જોઈને તેના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની ક્ષમતા ધરાવતા ઘણા લોકો માનસશાસ્ત્ર ક્ષેત્રે હોય છે.”
મીડીયાએ સુહાનીને સવાલ કર્યો હતો કે લોકોને સમજાવી શકાય અને તેઓ જાતે આવું કરી શકે તેની કોઈ ટ્રિક જણાવશો?
સુહાનીએ કહ્યું હતું કે, “ધીરેન્દ્ર શું કરી રહ્યા છે એ હું કહી શકું નહીં, કારણ કે હું એવું કરીશ તો તેમની ટ્રિક ખતમ થઈ જશે. આ મારી નહીં, એ કલાની ટ્રિક છે. દુનિયાભરમાં જે લોકો આ ટ્રિક કરે છે તેના વિશે જણાવીને હું તેમની ટ્રિક ખતમ કરી શકું નહીં.”
આ રીતે લોકોની પરેશાનીનું નિરાકરણ કોઈ ‘ચમત્કાર’ વડે કરતા હોય તેવી ધીરેન્દ્ર એકલી વ્યક્તિ નથી. ખ્રિસ્તીઓમાં, મુસલમાનોમાં પણ આવા ઘણા લોકો છે, જેઓ ‘હંલાલુઈયા’ તો ક્યારેક કુરાનની આયતો વાંચીને લોકોનું દુઃખ દૂર કરવાનો દાવો કરતા જોવા મળે છે.
‘હંલાલુઈયા’ બોલીને વિકલાંગોના ચાલતા, વ્હીલચેર પરથી ઊઠીને દોડતા તથા આંખોની રોશની પાછી લાવવાનો દાવો કરતા સ્વઘોષિત ગુરુઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.
ભારતમાં ઘણા લોકો મધર ટેરેસાના કથિત ચમત્કારો સામે પણ આંગળી ઉઠાવી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે 2015માં કહ્યું હતું કે, “મધર ટેરેસાએ સારી સેવા કરી હતી, પરંતુ તેમનો હેતુ, તેઓ જેમની સેવા કરતા હતા તેમને ખ્રિસ્તી બનાવવાનો હતો.”
તાજેતરમાં ‘ટ્રાન્સ’ નામની એક મલયાલમ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી. તેમાં ખ્રિસ્તી ધર્મ તથા ઈસુ ખ્રિસ્તના નામે લોકોનો ઇલાજ કરતા લોકો તથા એ લોકોના સામ્રાજ્ય પર આઘાત કર્યો હતો. આમિર ખાનની ‘પીકે’ ફિલ્મમાં તમામ ધર્મ સાથે જોડાયેલા આવા લોકો પર કટાક્ષ કરવામાં આવ્યો હતો.
ફિલ્મી પડદા પર આવા લોકોની કથાઓ તથા સત્યને ઉજાગર કરવાના પ્રયાસ થતા હોય, પરંતુ હકીકતમાં લોકોની શ્રદ્ધા તથા વિશ્વાસ, ધર્મગુરુઓમાં વધી રહેલો દેખાય છે. આવા જ એક ગુરુ ધીરેન્દ્ર શાસ્ત્રી છે, જેઓ પોતાના દરબારમાં લોકો સાથે વાત કરતા હોય છે ત્યારે મોટા ભાગે હસતા રહે છે અને તાળી વગાડીને જોરથી કહે છે કે “વગાડો તાલી.”
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button