૨૭મો સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ-૨૦૨૨ અને ૧૭ મો પાટોત્સવ ઉજવાયો

પોરબંદર સ્થિત શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતનના ૧૭માં પાટોત્સવના ત્રીજા દિવસે આયોજિત પાટોત્સવના અંતિમ ત્રીજા દિવસે ૨૭મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ અર્પણ સમારોહનું તા. ૨૮/૦૧/૨૦૨૩ ના રોજ પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજન થયું હતું.
શ્રીહરિ મંદિરના ૧૭મા પાટોત્સવમાં જે વિશિષ્ટ મહાનુભાવોને ગૌરવ એવોર્ડ અર્પણ થયા હતા તેઓના નામ દેવર્ષિશ્રી પથમેડા ગોધામ મહાતીર્થ આનંદવનનાં પરમ શ્રદ્ધેય ગોઋષિ સ્વામીશ્રી દત્ત શરણાનંદજી મહારાજ, કાશી-વારાણસીથી બ્રહ્મર્ષિ પદ્મભૂષણ આચાર્યશ્રી વશિષ્ઠત્રિપાઠીજી તથા મુંબઈથી સાંદીપનિ સંસ્થાના ટ્રસ્ટી અને સંનિષ્ઠ સેવક રાજર્ષિ શ્રી તુષારભાઈ જાની. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પોરબંદર જીલ્લા કલેકટર શ્રી અશોકભાઈ શર્મા તથા રમણરેતી વૃંદાવનના વરિષ્ઠ સંત પૂજ્ય કાર્શની ગુરુશરણાનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં ઋષિકુમારો દ્વારા વિષ્ણુસૂક્તથી વેદપાઠ કરવામાં આવ્યો. વેદપાઠ બાદ એવોર્ડ ચયન સમિતિના સભ્યશ્રી ભાગ્યેશ જહાં એ સ્વાગત પ્રવચનમાં વિશિષ્ટ રીતે એવોર્ડ અર્પણનિ ભૂમિકા ભાવવાહી શૈલીમાં વર્ણવી હતી.

પ્રાસંગિક પ્રવચનો: આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જાણીતા હાસ્યકાર શ્રી સાઇરામ દવે એ કહ્યું કે સંસ્કૃતિ અને સંસ્કૃત જયારે વેન્ટીલેટર પર આવે ત્યારે પૂજ્ય ભાઈશ્રી જેવા સંત ધરા પર આવે છે. આજે જેઓનું સન્માન થવાનું છે એનું સન્માન પેલા પણ થયું હશે પણ સરકાર સન્માન આપે અને ગૌરવ સાંદીપનિ આપે. આજે જેઓનું સન્માન થઇ રહ્યું છે અને આ અગાઉ જેના સન્માન થયા છે તેવા બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ નું સન્માન એ સદ્વિદ્યા, સેવા અને સદલક્ષ્મીનું સન્માન છે. ત્યારબાદ આ કાર્યક્રમ દરમિયાન સાંદીપનિ વિદ્યાનિકેતન, દેવકા વિદ્યાપીઠ તથા સાપુતારા વિદ્યાસંકુલની ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી હતી. જેના દ્વારા દર્શકો ત્રણેય સંસ્થાનો પરિચય મેળવ્યો હતો.

એવોર્ડ વાંચન અને અર્પણ
દેવર્ષિ એવોર્ડ: ગોઋષિ સ્વામીશ્રી દત્ત શરણાનંદજી મહારાજ પથમેડા મહાતીર્થધામને દેવર્ષિ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રમણરેતી વૃંદાવનના વરિષ્ઠ સંત પૂજ્ય કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજ, પૂજ્ય ભાઈશ્રી, પોરબંદર જીલ્લા કલેકટરશ્રી અશોક શર્મા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રીદત્ત શરણાનંદજી મહારાજનિ અનુપસ્થિતિમાં તેમના પ્રતિનિધિ તરીકે શ્રીમુકુન્દપ્રકાશ બ્રહ્મચારીજીએ આ ભાવપૂજન સ્વીકાર્યું હતું. દેવર્ષિ એવોર્ડનું વાંચન સાંદીપનિ, શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપકશ્રી ગૌરીશંકરભાઈ જોશીએ કર્યું હતું.

બ્રહ્મર્ષિ એવોર્ડ: પદ્મભૂષણ આચાર્યશ્રી વશિષ્ઠ ત્રિપાઠીજી વારાણસીને બ્રહ્મર્ષિ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમને ઉપસ્થિત સંતો તથા પૂજ્ય ભાઈશ્રી દ્વારા એવોર્ડ આપવામાં આવેલ. તેઓને ભારત સરકારદ્વારા પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. બ્રહ્મર્ષિ એવોર્ડનું વાંચન સાંદીપનિ, શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી બીપીનભાઈ જોશીએ કર્યું હતું.

રાજર્ષિ એવોર્ડ: અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા જાણીતા ઉદ્યોગપતિ તેમજ સાંદીપનિ સંસ્થાના સંનિષ્ઠ સેવક શ્રી તુષારભાઈ જાનીનું રાજર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવ્યું હતું. સુરત જાણીતા ઉદ્યોગપતિ શ્રી ડી.એચ. ગોયાણી, પૂજ્ય કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજ તથા પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં રાજર્ષિ એવોર્ડનું વાંચન સાંદીપનિ, શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપકશ્રી ચેતનભાઈ શર્માએ કર્યું હતું.

એવોર્ડ વિભૂષિત મહાનુભાવોના પ્રતિભાવો
રાજર્ષિ શ્રી તુષારભાઈ જાની: રાજર્ષિ શ્રી તુષારભાઈ જાનીએ તેમના વક્તવ્યમાં એમની જીવનીનું વર્ણન કરતા જણાવ્યું હતું કે મારી માતા સ્વામી અખંડાનંદજીના શિષ્યા હતા. અને આજે હું જે કાઈ પામ્યો છું એ માતાના સંસ્કાર અને પિતાજીનિ સમાજસેવા થકી છે. ૧૯૯૮માં મને પૂજ્ય ભાઈશ્રી મળ્યા જે મારા માટે પિતા સમાન છે અને ધીરે-ધીરે એમનો સંપૂર્ણ પરિવાર મારા પરિવાર જેવો બનતો ગયો. તેમણે વ્યવસાયનિ શરૂઆતનિ વાત કરતા કહ્યું કે મારા બે પાર્ટનરમાં એક પારસી હતા તે મારાથી પણ વધુ હિન્દુ હતા. અમે ત્રણેય ૪૫ વર્ષથી પાર્ટનર રહ્યા એમ જણાવીને એમના પારસી પાર્ટનરનિ લાગણી અને ભાવનાને હૃદયસ્પર્શી શબ્દોમાં વર્ણવી હતી. તેમણે કહ્યું કે મારા પારસી મિત્રએ પૂજ્ય ભાઈશ્રીના કાર્યોથી પ્રેરાઈને ૨૫લાખનો ચેક અનુદાનમાં આપ્યો છે અને એજ સમયે તેઓએ પૂજ્ય ભાઈશ્રીને ચેક અર્પણ કર્યો હતો. તેમણે સાંદીપનિને સ્વર્ગની ઉપમા આપી અને કહ્યું કે સાંદીપનિમાં સેવા, સંસ્કાર અને સંસ્કૃતિની ધારા નિત્ય વહી રહી છે. અંતમાં પૂજ્ય ભાઈશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

દેવર્ષિ શ્રીદત્ત શરણાનંદજીના પ્રતિનિધિ શ્રી મુકુન્દપ્રકાશ બ્રહ્મચારીજી: દેવર્ષિ એવોર્ડથી શ્રીદત્ત શરણાનંદજી મહારાજના પ્રતિનિધિ તરીકે આવેલા તેમના શિષ્ય મુકુન્દપ્રકાશ બ્રહ્મચારીજીએ તેમના વક્તવ્યમાં શ્રીદત્ત શરણાનંદજી મહારાજના સંદેશનું વાંચન કર્યું હતું. ભારતના વિવિધ સ્થળોએ લુલા, લંગડા અને આંધળા ગૌ વંશનું જે સંવર્ધન ચાલી રહ્યું છે તેની વિગત આપી હતી. તેમને વિશેષમાં જણાવ્યું કે હમણાજ તાજેતરમાં મધ્યપ્રદેશમાં આવેલા ગૌ-અભયારણ્યને મહારાજ્જીએ દત્તક લીધું છે અને ઉત્તર ગુજરાતમાં ૧૦૦૦ એકર જમીનમાં નંદીશાળા બનાવનો મહારાજજીનો શુભ સંકલ્પ છે.

પદ્મભૂષણ બ્રહ્મર્ષિ આચાર્યશ્રી વસિષ્ઠ ત્રિપાઠીજી
બ્રહ્મર્ષિ એવોર્ડી શ્રીવશિષ્ઠ ત્રિપાઠીજીએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું કે મારા જીવનમાં મને ઘણા ઉત્તમ સન્માન મળ્યા છે પરંતુ આ પૂજ્ય ભાઈશ્રી અને મહારાજશ્રીનિ ઉપસ્થિતમાં આજે જે સન્માનજનો આનંદ મળ્યો એ ખુબ વિશિષ્ટ અને ગૌરવની છે. એમને પોતાના જીવનમાં સંસ્કૃતના ન્યાયશાસ્ત્ર વિષે અધ્યયનની ભાવના જાગી એ વાત કરતા કહ્યું કે ન્યાયશાસ્ત્ર શીખ્યા વિના સંસ્કૃતના કોઈ શાસ્ત્રમાં પ્રવેશ શક્ય નથી. આથી ન્યાયશાસ્ત્રનો અભ્યાસ પાઠશાળાઓમાં અવશ્ય કરાવવો જોઈએ.

પૂજ્ય કાર્ષ્ણિશ્રી ગુરુશરણાનંદજી મહારાજ
પૂજ્ય કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજએ પોતાના પ્રવચનમાં કહ્યું કે પુજ્યોનું પૂજન કરવું એ બધાના ભાગ્યમાં નથી હોતું. વિશિષ્ટ વ્યક્તિનું પૂજન આપણે કરી શકીએ છીએ અને એમાં ઈશ્વરની કૃપા વિના વિશિષ્ટ વ્યક્તિઓના પરિચય થઇ શકતો નથી. તુષારભાઈ જાનીનિ વાત કરતા કહ્યું કે જાની શબ્દનું શુદ્ધ રૂપ યાજ્ઞિક છે. અને એણે યજ્ઞ કરતો રહેવો જોઈએ. યજ્ઞ એ એક ચક્ર છે. કોઈએ સિદ્ધાંત આપ્યો છે કે જે કમાઈ એ ખાય પરંતુ આપણે ત્યાં પરંપરા એ છે કે જે કમાઈ તે ખવડાવે. દેવત્વ અને અસુરત્વનો પરિચય આપણે કેમ કરી શકીએ ? એમ કહીને એમણે સુંદર આખ્યાયિકા દ્વારા વિવેચન કર્યું હતું અને યજ્ઞ ભાવનાના સ્વરૂપનું વિગતે વર્ણન કર્યું હતું.

પૂજ્ય ભાઈશ્રીનું વક્તવ્ય: પૂજ્ય ભાઈશ્રી એ તેમના પ્રતિભાવનિ શરૂઆતમાં કહ્યું કે જયારે કોઈનો જન્મદિવસ હોય ત્યારે આપણે ભેટ લઈને જતા હોય પરંતુ અહીંયા શ્રીહરિ કહે આવો અને લઇ જાઓ. આ ભાવપૂજનના તિલકમાં હાથ અમારા છે પરંતુ ચેતના શ્રીહરિની છે. એના થકી જ આ ભાવપૂજન છે. પૂજ્ય દત્ત શરણાનંદજી વિષે જણાવ્યું હતું કે પૂજ્ય દત્ત શરણાનંદજી જ્યાં જાય ત્યારે એવું લાગે કે પૂરી ગૌશાળા જાય છે અને એવી ગૌશાળા જેમાં દોઢ લાખ ગાયોની સેવા થઇ રહી છે. જયારે આપણે એક પણ સાચવી શકતા નથી. એમને જોઈએ ત્યારે બધા દેવોના દર્શન આપણને ગાયોમાં થાય પણ બધી ગાયોના દર્શન પૂજ્ય દત્તશરણાનંદજીમાં થાય છે. ગાય જ જેનું ધન હોય એવા દેવર્ષિ હોય અને ધન જ ગાય બનીને જેને દૂધ આપતી રહે એવા રાજર્ષિ હોય એમ કહીને તુષારભાઈ વિશે વાત કરતા કહ્યું કે એની કમ્પનીજ એની દુજણી ગાયો છે. અને એક કંપનીનિ કુખે નવી કંપની અવતરે અને એ બધી દુજણી ગાયોની જેમ પ્રસાદ આપતી રહે છે. અને એ પ્રસાદને દેતા રહેવું, વહેચતા રહેવું એ પરોપકાર નથી પણ દેતા રહેવું એ આપણી અનિવાર્યતા છે. શ્રીતુષારભાઈ જાનીના સન્માન વખતે પૂજ્ય ભાઈશ્રીએ ઘરદિવડાનું સન્માન એમ કહ્યું હતું. પૂજ્ય ભાઈશ્રીએ તેમના પ્રવચનમાં દેવર્ષિ , બ્રહ્મર્ષિ, રાજર્ષિના જીવનમાં રહેલી વિશેષતાઓનું સદૃષ્ટાંત પરિચય આપી કહ્યું હતું કે તેમનું જીવન એક ઋષિપરંપરા રૂપ છે. નદીઓ એટલા માટે પૂજાય છે કારણ કે આપતી રહે છે, ધરતી અનાજ આપે છે, આમ પ્રકૃતિનું પ્રત્યેક તત્ત્વ માનવજાતિને સતત આપે છે. વહેચવું એ ધર્મ છે. પુનઃ પૂજ્ય ભાઈશ્રીએ પોતાના પ્રવચનના અંતમાં જણાવ્યું કે ભાવપૂજનના તિલકમાં આ હાથ માત્ર નિમિત્ત છે પણ તિલક કરનારી એ શ્રીહરિની ચેતના છે.
આ તકે સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહ-૨૦૨૨ ના વિભુતીઓનુ સમગ્ર પોરબંદરની સામાજિક સંસ્થાવતી પણ સન્માન કરવામાં આવ્યું હતું. તો ભાઈશ્રીના લઘુબંધુ શ્રીગૌતમભાઈ ઓઝાએ કાર્યક્રમના સમાપનમાં આભારદર્શન કર્યું હતું .
સમગ્ર કાર્યક્રમનું સુંદરશૈલીમાં સંચાલન ઋષિ શ્રી હાર્દિકભાઈ જોશી એ કર્યું હતું. કાર્યક્રમમાં પોરબંદર શહેરના વિશિષ્ટ નાગરિકોની અને પાટોત્સવ નિમિત્તે દેશ-વિદેશથી પધારેલા મહેમાનોની ઉષ્માપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.