
બજેટમાં મધ્યમ વર્ગ માટે કરી શકે છે મોટી જાહેરાતો
ભારતનું કેન્દ્રીય બજેટ રજૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આગામી 1 ફેબ્રુઆરી 2023 ના રોજ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. આ બજેટથી સામાન્ય લોકો ખાસ કરીને મધ્યમ વર્ગને ઘણી આશાઓ છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણના પણ કેટલાક નિવેદનો સામે આવ્યા છે જેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નાણા મંત્રાલય મધ્યમ વર્ગને ફાયદો આપવા માટેના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.
હું પણ મધ્યમ વર્ગમાંથી જ છુંઃ નાણામંત્રી
તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, “હું પણ મધ્યમ વર્ગમાંથી છું તેથી હું આ વર્ગ પરના દબાણને સમજું છું. હું મારી જાતને મધ્યમ વર્ગ સાથે માનું છું તેથી હું જાણું છું.” તેમણે કહ્યું હતું, “હું આ સમસ્યાઓને સમજું છું. સરકારે તેમના માટે ઘણું કર્યું છે અને સતત કરી રહી છે.”
પ્રસ્તાવો પર વિચારી રહ્યું છે નાણા મંત્રાલય
સૂત્રોએ જણાવ્યું કે, નાણા મંત્રાલય વિવિધ સરકારી વિભાગો દ્વારા મોકલવામાં આવેલા એવા પ્રસ્તાવો પર વિચાર કરી રહ્યું છે, જેનાથી મધ્યમ વર્ગના મોટા ભાગને લાભ થાય. તેની જાહેરાત બજેટમાં થઈ શકે છે. સરકારે હજુ સુધી આવકવેરા છૂટ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારી નથી, જે 2014માં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ તે સરકારનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે નક્કી કરી હતી.
નાણામંત્રીના નિવેદનથી વધી આશા
ઘણા નિષ્ણાતોનું માનવું છે કે મોંઘવારીના ઊંચા સ્તરમાં પગારદાર મધ્યમ વર્ગને રાહત આપવા માટે આવકવેરા છૂટ મર્યાદા અને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવાની જરૂર છે. નાણામંત્રીએ તાજેતરમાં આપેલ એક નિવેદને મધ્યમ વર્ગની આશા વધારી દીધી છે કે આગામી બજેટમાં તેમને થોડી રાહત મળી શકે છે.
80C હેઠળ રોકાણ છૂટ મર્યાદા વધારવાની શક્યતાઓ
છૂટ મર્યાદા અને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં ફેરફાર કરવા ઉપરાંત, નાણા મંત્રાલય 80C હેઠળ રોકાણ છૂટ મર્યાદા વધારવાની શક્યતાઓને પણ ધ્યાનમાં લઈ રહ્યું છે. તેમાં જીવન વીમો, એફડી, બોન્ડ, રહેણાંક અને પીપીએફ અને અન્ય સેવાઓનો સમાવેશ થાય છે. હાલમાં આ અંતર્ગત 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર છૂટ છે.
આ અંગે પણ ચાલી રહી છે વિચારણા
સૂત્રોએ જણાવ્યું કે, સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમની ચૂકવણી અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. સરકાર રોકાણકારોને ફાયદો પહોંચાડવા માટે કેપિટલ ગેઈન ટેક્સ નિયમોને પણ હળવી કરી શકે છે. તેનાથી મધ્યમ વર્ગમાંથી આવતા રોકાણકારોને ફાયદો થશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button