
વીજ થાંભલા સાથે કાર અથડતાં બેના મોત, ત્રણને ઇજા
ગાંધીનગર સ્થિત રાયસણ પેટ્રોલ પંપ નજીક વીજ થાંભલા સાથે કાર અથડાતા બેના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે ત્રણને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચાલકે કાબુ ગુમાવતા કાર થાંભલા સાથે અથડાઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર એટલી પૂર ઝડપે થાંભલા સાથે અથડાઈ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર 22 જાન્યુઆરીના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યે રાયસણના યુવાનો પ્રવીણ રાવળ, હાર્દિક પટેલ, જીગર રાવળ, વિપુલ ઠાકોર અને ધવલ રાવળ સિલિકોન લાવીસ્ટા ખાતે ભેગા થયા હતા. બાદમાં તમામ મિત્રો હાર્દીકની કાર લઇને ત્યાંની નીકળ્યા હતા. પ્રવીણ કાર ચલાવી રહ્યો હતો અને હાર્દિક તેની બાજુમાં બેઠો હતો. જ્યારે અન્ય ત્રણ મિત્રો પાછળની સીટમાં સવાર થયા હતા. પ્રવિણે અચાનક કાર પૂર ઝડપે ચલાવવાનું શરૂ કર્યું હતું. કાર રાયસણ રોડ પર પ્રીયા ફાર્મ અને BAPS સ્કૂલની નજીક પહોંચી ત્યારે પ્રવિણે કાર પરનો કાબુ ગુમાવી બેસતા કાર રોડ પર ફંગોળાઈ હતી અને પલટી મારી ગઇ હતી.

અકસ્માત થયાની જાણ થતાં આસપાસથી લોકો આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં પ્રવિણ રાવણ અને હાર્દિક પટેલનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું ત્યારે અન્ય ત્રણ મિત્રો વિપુલ, જીગર અને ધવલને ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button